સુપ્રીમ કોર્ટમાં આજે પ્રથમ વખત 9 જજોએ એક સાથે શપથ લીધા


નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ 2021 મંગળવાર

સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં જ નિયુક્ત 9 નવા જજને CJI એન વી રમનાએ આજે શપથ લેવડાવ્યા. આ પહેલો અવસર છે જ્યારે આટલો મોટો શપથ સમારોહ યોજાયો. નવ નવા જજમાં ત્રણ મહિલા જજ સામેલ છે. શપથ ગ્રહણ સમારોહ સુપ્રીમ કોર્ટના બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં યોજાયો.

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પ્રથમવાર બન્યુ જ્યારે નવ જજોને એક સાથે શપથ લેવડાવ્યા. સામાન્ય રીતે નવા જજને શપથ મુખ્ય ન્યાયાધીશના કોર્ટ રૂમમાં અપાવવામાં આવે છે. મંગળવારે નવ નવા જજોના શપથ બાદ સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ એન વી રમના સહિત જજની સંખ્યા વધાને 33 થઈ જશે જ્યારે સ્વીકૃત સંખ્યા 34ની છે.

આ નવ નવા ન્યાયાધીશ લેશે શપથ

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેનારા નવ નવા ન્યાયાધીશમાં સામેલ છે- ન્યાયમૂર્તિ અભય શ્રીનિવાસ ઓકા, ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ જિતેન્દ્ર કુમાર માહેશ્વરી, ન્યાયમૂર્તિ હિમા કોહલી અને ન્યાયમૂર્તિ બીવી નાગરત્ના, ન્યાયમૂર્તિ સીટી રવિકુમાર, ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશ, ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદી અને પીએમ નરસિમ્હા.

જસ્ટિસ નાગરત્ના સપ્ટેમ્બર 2027માં પહેલા મહિલા સીજેઆઈ બનવાની કતારમાં છે. જસ્ટિસ નાગરત્ના પૂર્વ સીજેઆઈ ઈ એસ વેંકટરમૈયાની પુત્રી છે. આ નવ નવા જજમાં ત્રણ જસ્ટિસ નાથ, નાગરત્ના અને નરસિમ્હા સીજેઆઈ બનવાની કતારમાં છે. 

નવ નવા જજના નામોમાં સીજેઆઈ એન વી રમનાની અધ્યક્ષતાવાળા કોલેજિયમે 17 ઓગસ્ટે થયેલી બેઠકમાં મંજૂરી આપી દીધી. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિયુક્તિને લઈને 21 માસથી જારી ગતિરોધ ખતમ થઈ ગયુ. આ ગતિરોધના કારણે જ 2019 બાદથી એક પણ નવા જજની નિયુક્તિ સુપ્રીમ કોર્ટમાં થઈ શકી નથી. 17 નવેમ્બર 2019એ તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈની વિદાઈ બાદથી આ ગતિરોધ કાયમ હતો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DuMQ6b
via IFTTT

Comments