ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોને 2019-20માં અજાણ્યા સ્ત્રોતથી 3377 કરોડ મળ્યા


2005થી 2020 દરમિયાન પક્ષોને રૂ. 14651 કરોડનું ગુપ્ત દાન મળ્યું

નવી દિલ્હી : એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અજાણ્યા સ્ત્રોત પાસેથી રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 3377.41 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જે આ જ સમયગાળા દરમિયાન મળેલા કુલ ફંડના 70.98 ટકા છે.

આ દાવો એડીઆર નામના ગુ્રપ દ્વારા કરવામાં આવ્યો હતો. ઇન્કમ ટેક્સ રિટર્ન વખતે આ રકમ કોણે આપી તે રાજકીય પક્ષોએ જાહેર નથી કર્યું. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 2642.63 કરોડ રૂપિયા અજાણ્યા સ્ત્રોત પાસેથી મેળવ્યા હોવાનો દાવો કર્યો હતો.

જે રાષ્ટ્રીય પક્ષોએ મેળવેલા કુલ ફંડમાં સૌથી વધુ છે. ભાજપ બાદ અન્ય જે પક્ષોએ સૌથી વધુ ડોનેશન મેળવ્યું છે તેમાં કોંગ્રેસ, એનસીપી, સીપીઆઇ(એમ), ટીએમસી અને બીએસપીનો સમાવેશ થાય છે. 

ભાજપે જે ફંડ મેળવ્યું હતું તે બધી રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓને મળેલા ફંડનું 78.24 ટકા છે. જ્યારે કોંગ્રેસને 526 કરોડ મળ્યા હતા જે 15.57 ટકા છે. બધા જ પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કુલ 3370 કરોડ રૂપિયા અજાણ્યા સ્ત્રોસ પાસેથી મેળવ્યા હતા.

એટલે કે આ દાન આ પક્ષોને કોની પાસેથી મળ્યું તેની કોઇ જ વિગત જાહેર કરવામાં નથી આવી. નાણાકીય વર્ષ 2004-05થી 2019-20 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને કુલ 14651.53 કરોડ રૂપિયા અજાણા સ્ત્રોત પાસેથી મળ્યા છે. 

અજાણ્યા સ્ત્રોતથી થયેલી આવકને ઇન્કમ ટેક્સ રિટર્નમાં તો દર્શાવવામાં આવી હોય છે પણ કોની પાસેથી મળી તેની વિગતો આપવામાં નથી આવતી. આ ડોનેશન એવુ હોય છે કે જેની કિમત 20000થી નીચેની હોય છે.  જેમાં ઇલેક્ટોરલ બોંડ, કુપન્સના વેચાણથી, રીલિફ ફંડ, સ્વેચ્છાએ થતું દાન, મોરચા કે બેઠકો માટેનું દાન વગેરેનો સમાવેશ થાય છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38uWlnG
via IFTTT

Comments