મુંબઈ : સરકાર દ્વારા રાહતોની જાહેરાત કરાઈ હોવા છતાં મહામારીની પ્રતિકૂળતાભર્યા વિતેલા ૨૦૨૦-૨૧ના નાણાં વર્ષમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકની મુદ્રા લોન (નાની ટિકિટ સાઇઝ)ની એનપીએમાં ૨૩ ટકાનો વધારો નોંધાયો છે.
જાણકારોના જણાવ્યા મુજબ સૂચિત સમયમાં આ લોનની એનપીએમાં વધારો થવાની શક્યતા ન હતી. કારણ કે આ પ્રકારની લોન માટે સરકાર દ્વારા લોન મોરેટોરિયમ, લોન રીસ્ટ્રક્ચરીંગ તેમજ સરકારની ગેરન્ટી સ્કીમ હેઠળ કાર્યકારી મુડી માટે વધારાની લોનની સવલત પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આમ છતાં, પણ આ લોનની એનપીએમાં વધારો થયો છે. મુદ્રા લોન એ નાના ઉદ્યોગોને અપાતી બિઝનેસ લોન છે.
આ પ્રકારની લોનમાં છેલ્લા કેટલાક વર્ષોથી એનપીએમાં વધારો થયો છે. દેશની સૌથી મોટી બેંક દ્વારા અપાયેલ મુદ્રા લોનની એનપીએમાં વધારો થયો હોય એટલે સ્વાભાવિક છે કે અન્ય સરકારી બેંકોની મુદ્રા લોનની એનપીએ વધી જ હશે તેમ કહી શકાય. બેંકો પાસે મુદ્રા લોનમાં વધારે નુકસાનની જોગવાઈ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
સ્ટેટ બેંકના ચોપડે ૨૦૨૦- ૨૧માં કુલ રૂા. ૬૦૦ કરોડની ગ્રોસ એનપીએ સાથ મુદ્રા લોનની બાકી રકમ રૂા. ૨૬૩૦૨ કરોડ હતી. જાણકારોના જણાવ્યા મુજબ કૃષિ લોન તથા એમએસએમઇ લોનની એનપીએ કરતા પણ મુદ્રા લોનની એનપીએ વધુ છે. મુદ્રા લોનની એનપીએમાં વધારો થવા છતાં બેંકોએ તેના પર બ્રેક મારી નથી. માત્ર સ્ટેટ બેંક દ્વારા જ વાર્ષિક રૂા. ૩૦૦૦ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ છે.
આ યોજના હેઠળ મહત્તમ રૂા. ૧૦ લાખ સુધીની લોન મળે છે. જો કે રિઝર્વ બેંક દ્વારા નિમાયેલ સમિતિ દ્વારા આ મર્યાદા રૂા. ૧૦ લાખથી વધારીને રૂા. ૨૦ લાખ કરવાની દરખાસ્ત કરાઈ હતી. જો કે, નિષ્ણાતો આ મર્યાદામાં વધારો કરવાના બદલે આખી યોજનાને નવું સ્વરૂપ આપવું જોઈએ તેમ જણાવે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ic8Utt
via IFTTT
Comments
Post a Comment