સોના- ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો : પ્લેટીનમ તથા પેલેડીયમ ઉંચકાયા


(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વધતા અટકી વિશ્વબજાર પાછળ ઉંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો બતાવી રહ્યા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૮૨૩૬ વાળા રૂ.૪૮૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૮૪૩૦ વાળા રૂ.૪૮૨૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. 

મુંબઈ ચાંદીના ભાવ આજે કિલોના જીએસટી વગર રૂ.૬૮૦૫૩ વાળા રૂ.૬૮૦૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર સોના- ચાંદીમાં વધ્યા ભાવથી ઘટાડો બતાવી રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ વધતા અટકી રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૪૯૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૯૮૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવરૂ.૬૯૫૦૦ આસપાસ અથડાતા રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૯૧.૯૭ થયા પછી વધી ૯૨.૧૩થી ૯૨.૧૪ થતાં વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી નીકળી હતી. 

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૨૬થી ૧૮૨૭ ડોલરવાળા સપ્તાહના અંતે ઘટી ૧૮૧૧થી ૧૮૧૨ ડોલર થઈ છેલ્લે ૧૮૧૪થી ૧૮૧૫ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૫.૪૮થી ૨૫.૪૯ ડોલરવાળા નીચામાં ૨૫.૩૯થી ૨૫.૪૦ ડોલર થઈ ૨૫.૪૯થી ૨૫.૫૦ ડોલર રહ્યા હતા. ડોલરનો ઈન્ડેક્સ ફરી ઉંચકાતાં વિશ્વબજારમાં સોનામાં સપ્તાહના અંત ભાગમાં ઉછાળે ફંડોની વેચવાલી વધ્યાના નિર્દેશો મળ્યા હતા.

પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ આંચકા પચાવી ફરી ઉછળતા જોવા મળ્યા હતા. પ્લેટીમના ભાવ ઔંશના ૧૦૪૨થી ૧૦૪૩ ડોલરવાળા વધી છેલ્લે સપ્તાહના અંતે ૧૦૫૧થી ૧૦૫૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૨૬૫૭થી ૨૬૫૮ ડોલરવાળા ઉછળી છેલ્લે ૨૬૬૨થી ૨૬૬૩ ડોલર રહ્યાના સમાચાર હતા.

વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધી આવતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૪.૪૧ વાળા વધી રૂ.૭૪.૪૫થી ૭૪.૫૦  આસપાસ બોલાઈ રહ્યા હતા.

વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ બેરલદીઠ ન્યુયોર્કના ૭૩.૫૧થી વધી છેલ્લે ૭૩.૯૫ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૬.૦૮થી વધી છેલ્લે ૭૬.૪૦થી ૭૬.૪૫ ડોલર બોલાઈ રહ્યાના નિર્દેશો હતા.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lhQg5q
via IFTTT

Comments