અમેરિકન ફેડરલ દ્વારા યાજ દર શૂન્ય નજીક જાળવી રખાયો


વોશિંગ્ટન : અમેરિકન ફેડરલ રિઝર્વેની ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી)ની બે દિવસની બેઠકના અંતે કમિટિએ બેન્ચમાર્ક વ્યાજ દર શૂન્યની નજીક જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. ડેલ્ટા વેરિએન્ટને કારણે અમેરિકામાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે અને ફુગાવો પણ ઊંચે જઈ રહ્યો છે. 

અર્થતંત્રમાં સુધારાનો આધાર વાઈરસની સ્થિતિ કેવી રહે છે તેના પર રહેલો છે પરંતુ વેક્સિનેશન કાર્યક્રમને પરિણામે જાહેર આરોગ્ય સંબંધિત કટોકટીની અસર અર્થતંત્ર પર ઓછી થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે એમ બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં કમિટિએ જણાવ્યું હતું. 

આર્થિક પ્રવૃત્તિ તથા રોજગારના નિર્દેશાંકો મજબૂત જળવાઈ રહ્યા છે, પરંતુ પેન્ડેમિકને કારણે જે ક્ષેત્રો અસર પામ્યા છે, તે હજુ સંપૂર્ણ રીતે રિકવર થયા નથી, એમ પણ નિવેદનમાં નોંધવામાં આવ્યું હતું. 

અમેરિકામાં રોજગાર સ્થિતિ અપેક્ષા પ્રમાણે રિકવર થઈ નથી. માસિક ૧૨૦ અબજ ડોલરના  બોન્ડ ખરીદી કાર્યક્રમમાં ઘટાડો કરવા પહેલા હું રોજગારના કેટલાક મજબૂત આંકડા જોવા માગુ છું  એમ ફેડરલના ચેરમેન જેરોમ પોવેલે બેઠક બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું.

વ્યાજ દરમાં વધારો કરતા પહેલા બોન્ડ બાઈંગ કાર્યક્રમમાં ઘટાડો કરવા કઈ રીતે આગળ વધવું તેના પર બે દિવસની બેઠકમાં ચર્ચા આગળ વધારવામાં આવી હતી. કામચલાઉ પરિબળોને કારણે ફુગાવો ઊંચો જળવાઈ રહ્યો છે પરંતુ તે તાત્કાલિક જોખમ નથી એમ પણ નિવેદનમાં જણાવાયું હતું. 




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zNAZxl
via IFTTT

Comments