- પ્રારંભિક તપાસમાં 32 લાખ રૂપિયાનો ગોટાળો હાથ લાગ્યો
- ટીડીઓને ફોજદારી કાર્યવાહી માટે અધિકૃત્ત કરાતા કાર્યવાહી હાથ ધરાશે
વલ્લભવિદ્યાનગર : ખંભાત તાલુકામા ફરજ બજાવતા શિક્ષકોના પગાર બિલોમાં ગોટાળો બહાર આવતા જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રચેલી કમિટીનો અહેવાલ રજુ થયો હોવાનુ જણાવતા મહિલા અધિકારીએ જણાવ્યુ કે પ્રાથમિક તપાસ રિપોર્ટ મળ્યો છે. હજુ વધુ આગળની તપાસ ચાલી રહી છે. સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ કેટલી રકમ કોના ખાતામાં કેવી રીતે જમા થઇ તે સહિતના મુદ્દે હિસાબોની ચકાસણી ચાલી રહી છે અને ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે ખંભાત ટીડીઓને અધિકૃત્ત કરવામા આવ્યાં હોવાનુ ડીપીઓ નિવેદિતાબેન ચૌધરીએ જણાવ્યુ છે.
ખંભાત તાલુકાના શિક્ષકોને દર માસે ગાંધીનગરથી ફાળવાતી ગ્રાન્ટ મુજબ દરેક શિક્ષકને તેઓના સીધા બેન્ક એકાઉન્ટમાં જમા કરવામા આવે છે. આ કામગીરી સાથે સંકળાયેલા શિક્ષકે પોતાની ફરજ દરમિયાન ગંભીર બેદરકારી દાખવી હોવાનુ ખુલતાં જ મનુભાઇ જયસ્વાલની તત્કાલિન રાહે ખંભાતથી ઉમરેઠ તાલુકાના સુરેલી પ્રાથમિક શાળામાં બદલી કરી દેવામા આવી હતી, નિમાયેલી તપાસ કમિટીએ તમામ દસ્તાવેજી પુરાવા કબ્જે કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હજુ તપાસ ચાલુ છે ત્યાં અંદાજીત ૩૨ લાખ રૂપિયાનો ગોટાળો હાથ લાગ્યો હોવાની વાત ઉજાગર થઇ છે.
તપાસ પૂર્ણ થયેથી ગોટાળાનો આંક વધવાની શક્યતાઓ કેટલાક શિક્ષણવિદો વ્યક્ત કરી રહ્યા છે. શિક્ષક ઉપરાંત જે-તે સમયે કેટલાક ફરજ બજાવતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે પણ પગલા તોળાઇ રહ્યા છે. આગામી દિવસોમા આ મુદ્દે કસુરવાર એવા સંડોવાયેલા શિક્ષણકર્મીઓને સસ્પેન્ડ કે ફરજ મોકૂફ કરવામાં આવે તેવી વાત પણ સામે આવી છે. શિક્ષણ નિયામકે સંપૂર્ણ તપાસનો અહેવાલ ત્વરિત માંગતા તપાસને વેગ આપવામા આવ્યો છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rMkTBt
via IFTTT
Comments
Post a Comment