પત્નીને મૃત પતિના સ્પર્મથી માતા બનવા માટે હાઈકોર્ટે મંજૂરી આપી

વડોદરાઃ રાજ્યમાં ભારે ચર્ચા જગાડનારા કેસમાં હાઈકોર્ટે આખરે પત્નીને મૃત પતિના સ્પર્મથી માતા બનવાની મંજૂરી આપી દીધી છે.જોકે સાથે સાથે હાઈકોર્ટે એવુ પણ કહ્યુ હતુ કે, સમગ્ર કાર્યવાહીમાં મરનાર યુવાનના માતા પિતાની મંજૂરી પણ જરુરી છે.જો તેઓ મંજૂરી આપે તો યુવતી પોતાના મૃત પતિના સ્પર્મથી ગર્ભ ધારણ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે,  મૂળ ભરૃચના અને કેનેડામાં સ્થાયી થયેલા યુવક-યુવતીએ નવ મહિના પહેલા  લવમેરેજ કર્યા હતા.ચાર મહિના પહેલા યુવક પિતાને હાર્ટની બીમારી હોવાથી તેમની સારવાર માટે   કેનેડાથી ભરૃચ આવ્યો  હતો.બીમાર પિતાની  હોસ્પિટલમાં સારવાર  દરમિયાન યુવક પોતે કોરોનાથી સંક્રમિત થયો હતો.તેને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પાછળથી યુવાન કોરોનાથી મુક્ત થઇ ગયો  હતો.પરંતુ કોરોનાના કારણે તેના ફેફસા અને અન્ય અંગો ફેઇલ થવા લાગ્યા હતા.ડોકટરોએ કહ્યુ હતુ કે, આ યુવકની બચવાની શક્યતાઓ ઓછી છે.

એ પછી યુવકની પત્નીએ  પોતાના પતિની યાદ કાયમ જીવંત રહે તે માટે તેના સ્પર્મથી પ્રેગનન્સી ધારણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.આ માટે પરવાનગી લેવા તેણે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી.હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ વડોદરાની હોસ્પિટલે આ યુવાનના સ્પર્મ ફ્રિઝ કર્યા હતા.જેના ૩૦ કલાક બાદ યુવાનનુ નિધન થયુ હતુ.હાઈકોર્ટના વકીલે મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, આ એક પત્નીની જીત છે અને હાઈકોર્ટે પતિના ફ્રિઝ કરાયેલા સ્પર્મથી પત્નીને માતા બનવાની મંજૂરી આપી છે.આમ આઈવીએફ પધ્ધતિથી ફ્રિઝ કરાયેલા સ્પર્મને યુવતીમાં દાખલ કરાશે અને તેનાથી પત્ની ગર્ભ ધારણ કરી શકશે.આ સમગ્ર પ્રક્રિયા વડોદરાની જ હોસ્પિટલમાં જ હાથ ધરવામાં આવશે.આમ પત્નીને પોતાના મૃત પતિના સંતાનની માતા બનવાનો અવસર મળશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ibC3VR
via IFTTT

Comments