નવીદિલ્હી, 31 જુલાઇ 2021 શનિવાર
લોકો, પેટ્રોલ અને ડીઝલના ભાવો વધતાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા તરફ વળી રહ્યા છે, પરંતુ એમાં કરવુ પડતું ચાર્જિંગ એ સમસ્યારૂપ હોવાથી લોકોના મનમાં શંકા પ્રવર્તે છે. ગ્રાહકોના મનમાં ઇલેક્ટ્રિક વાહનો માટે પૂરતી સંખ્યામાં ચાર્જિંગ સ્ટેશન મોજૂદ નહિ હોવા વિષે પ્રશ્નો થાય છે.
જો કે હવે આ સમસ્યા દૂર થઇ જશે. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે દેશના મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ નેટવર્ક ગોઠવવા માટે રાજ્ય દ્વારા સંચાલિત કન્વર્જસ એનર્જી સર્વિસીઝ લિમિટેડની સાથે હાથ મિલાવ્યા છે. બંનેએ આગામી 10 વર્ષો માટે એક સમજૂતી કરી છે, જેનો ઉદ્દેશ આ ઇવી ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના માટે એચપીસીએલ રીટેલ આઉટલેટનો ઉપયોગ કરવાનો છે.
મુંબઇ, દિલ્હી, એનસીઆર, બેંગ્લુરૂ, હૈદરાબાદ, ચેન્નાઇ, કોલકત્તા અને પુણે સહિત દેશભરના મુખ્ય શહેરોમાં આ ઇવી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે, જેમાં ફાસ્ટ ચાર્જરથી લઇને રેગ્યુલર સ્લો ચાર્જર સુધીના બધા પ્રકારના ચાર્જિંગ વિકલ્પ હશે. એચપીસીએલએ આ જ પ્રકારની કામગીરી માટે શુચિ અનંત વીર્યા નામની એક અન્ય એજન્સી સાથે પણ કરાર કર્યા છે.
એ તો જાણીતું છે કે એચપીસીએલ દેશની એક અગ્રણી તેલ કંપની છે. જેના દેશભરમાં 20,000 થી વધુ રિટેલ આઉટલેટ છે. સીઇએસએલ એનર્જી એફિશિયન્સી સર્વિસીઝ લિમિટેડની 100 ટકા માલિકીવાળી સહાયક કંપની છે. આ એક નવી ઊર્જા કંપની છે. સી.ઇ.એસ.એલ.ની મદદથી સ્થાપિત થનારા ઇવી ચાર્જિંગ પોઇન્ટસને રાજ્ય દ્વારા સંચાલિત એજન્સીની એક એપ મારફત સંચાલિત કરાશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yg3UK7
via IFTTT
Comments
Post a Comment