મલેશિયા, સિડની અને ટોકિયોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો
યુકેએ સાયક્લિંગ અને ચાલવાની કસરતને ઉત્તેજન આપવા 33.8 કરોડ પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું
ટોકિયો : અમેરિકામાં કોરોના વાઇરસે ફરી પાછું માથું ઊંચક્યું છે. ત્યાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસની સંખ્યા એક લાખ નજીક પહોંચી ગઈ હતી. બીજી બાજું જાપાનના પાટનગર ટોકિયોમાં આજે પહેલીવાર 4000 કરતાં વધારે કોરોનાના દૈનિક કેસો નોંધાયા હતા તથા થાઇલેન્ડ અને મલેશિયામાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો હતો.
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પણ કોરોનાના કેસો વધવા સાથે કડક લોકડાઉન સામે લોકોના દેખાવોને ખાળવા માટે પોલીસે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિકટને કોર્ડન કરી લીધો હતો. પોલીસે ટ્રેન સ્ટેશન અને ટેક્સી દ્વારા થતી અવરજવરને બંધ કરાવી દીધી છે. લોકોના ટોળાંને વિખેરવા માટે 1000 પોલીસ અધિકારીઓને ચેકપોઇન્ટ પર તહેનાત કરવામાં આવ્યા છે.
સિડની અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના નવા 210 કેસો નોંધાયા હતા. ટોકિયોમાં આજે કોરોનાના નવા 4058 કેસો નોંધાયા હતા. ઓલિમ્પિકના આયોજકોએ ગેમ્સ સબંધિત 21 નવા કેસો નોંધાયા હોવાનું જણાવ્યું હતું. પહેલી જુલાઇથી અત્યાર સુધીમાં ઓલિમ્પિક ગેમ્સમાં કુલ 241 કોરોનાના કેસો નોંધાયા છે.
મલેશિયામાં પણ કોરોનાના 17,786 કેસો નોંધાયા હતા. સરકાર દ્વારા મહામારી મામલે કરવામાં આવતી કામગીરી બાબતે વિરોધ વ્યક્ત કરવા માટે કુઆલાલુમ્પુરમાં સો કરતાં વધારે લોકોએ ભેગાં થઇને દેખાવો કર્યા હતા. તેમણે વડાપ્રધાન મુહયીદ્દીન યાસિનનું રાજીનામું માગ્યું હતું. દેખાવકારોએ કાળા ઝંડા લઇને સરકાર કોરોના મહામારીને નાથવામાં નિષ્ફળ ગઇ હોવાના પ્લેકાર્ડ દર્શાવ્યા હતા.
થાઇલેન્ડમાં કોરોનાના નવા 18,912 કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા છ લાખને આરે પહોંચી હતી. દેશમાં 178 જણાના કોરોનાના કારણે મોત થવાને પગલે કુલ કોરોના મરણાંક 4857 થયો હતો. ચીનમાં પણ નાનજિંગમાં કોરોના મહામારી ફાટી નીકળી હતી.રશિયાથી આવેલી ફલાઇટમાં કામ કરતાં એક એરપોર્ટ કલિનર્સને કારણે ચેપ ફેલાયો હોવાનું જણાયું હતું.
દરમ્યાન યુએસમાં ફલોરિડામાં કોરોનાના નવા કેસોમાં આ સપ્તાહે 50 ટકાનો વધારો નોંધાયો હતો. દેશમાં કોરોનાના નવા પાંચ કેસો નોંધાય તો તેમાં એક કેસ ફલોરિડાનો હોય છે તેમ રાજ્યના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. ગવર્નર રોન ડેસેન્ટિસે વિદ્યાર્થીએ માસ્ક પહેરવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. માથાદીઠ ગણતરી કરવામાં આવે તો યુએસના અન્ય કોઇ રાજ્ય કરતાં વધારે લોકોેને ફ્લોરિડામાં હોસ્પિટલાઇઝડ કરવામાં આવ્યા છે.
આ અઠવાડિયે કોરોનાના કારણે 409 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 39,000 કરતાં વધી ગયો છે. હોસ્પિલાઇઝેશનમાં વધારો થાય તે પછી સામાન્ય રીતે થોડા સપ્તાહોમાં મોતનો આંકડો પણ વધે છે. દરમ્યાન સીડીસીએ એક અભ્યાસમાં જણાવ્યું હતું કે રસી લેનારા અને ન લેનારા બંનેમાં ડેલ્ટા વેરિઅન્ટ એકસમાન પ્રમાણમાં વાઇરસ પેદા કરે છે.
માસાચ્યુસેટસમાંથી બાર્ન સ્ટેબલ કાઉન્ટીમાં વેકેશન ગાળવા ગયેલા લોકોમાં 346 કેસો એવા નોંધાયા હતા જેમાં કોરોનાની બંને રસી લેવા છતાં ચેપ લાગ્યો હતો. 133 દર્દીઓનું ટેસ્ટિંગ કરતાં 90 ટકા લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ જણાયો હતો. અન્ય વેરિઅન્ટથી ઉલટું ડેલ્ટા વેરિઅન્ટમાં રસી લેનારાઓને પણ ચેપ લાગે છે. અને જેમને ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોય તેઓ બીજાને પણ તેનો ચેપ લગાવી શકે છે.
દરમ્યાન યુકે સરકારે કોરોના મહામારી બાદ સાયક્લિંગ અને ચાલવાની કસરતને ઉત્તેજન આપવા માટે 338 મિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું છે. ગયા વર્ષે સાયકલિંગ કરનારાઓની સંખ્યામાં મોટો વધારો થયો હતો. અગાઉના 20 વર્ષોમાં થયેલા વધારા કરતાં પણ આ વર્ષે સાયકલિંગ કરનારાઓમાં વધારે વધારો થયો હતો. નેશનલ સાયકલ નેટવર્કને પણ સુધારવામાં આવશે તેમ પરિવહન પ્રધાને જણાવ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VkEnRl
via IFTTT
Comments
Post a Comment