અમદાવાદ,તા.29 જુલાઇ 2021, ગુરૂવાર
અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ, રિમઝિમ વરસાદ, ધુમ્મસ અને ઠંડો પવન ફૂંકાવાના કારણે છેલ્લા બે દિવસથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. શહેરનું લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૯ ડિગ્રી સુધીનું રહેતા શહેરીજનોએ બાફ, ગરમી, ઉકળાટથી છૂટકારો મળ્યો છે. પૂર્વ અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં આજે આખો દિવસ ધુમ્મસિયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે પ્રકૃતિનો નજારો ઉડીને આંખે વળગતો હતો.
પૂર્વ અમદાવાદમાંથી પસાર થતો સરદાર પટેલ રિંગ રોડ અને તેની આજુબાજુમાં આવેલા ખેતરો, ગામડાઓમાં જાણે પ્રકૃતિ ખીલી ઉઠી હોય તેવો મનમોહક માહોલ સર્જાયો છે. વાદળછાયું વાતાવરણ તેમાંય ઝરમરિયો વરસાદ અને ઠંડો પવન ફૂંકાતો હોવાથી શહેરીજનો આનંદમાં આવી ગયા છે.
રોડ પર ફરવા માટે લોકો નીકળી રહ્યા છે. વાતાવરણની મઝા માણવા અને મોસમનો આનંદ લેવા માટે શહેરીજનો પોતાના વાહનો લઇને નિકળી પડતા હોય છે. છેલ્લા બે દિવસથી રાત્રે પણ ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા વરસાદી છાંટાને લઇને હવે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે.
વૃક્ષો, ખેતરો પાણીથી તરબોળ છે, પડતર જમીનોમાં ઘાસ ઉગી નીકળ્યા છે. ગ્રીનરીનો માહોલ ચારે તરફ જોવા મળતા શહેરીજનોને કોઇ હિલ સ્ટેશન જેવો અનુભવ થઇ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તા.૨ ઓગષ્ટ સુધી શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ધીમી ધારે વરસાદ વરસતો રહેશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fcB3Pj
via IFTTT
Comments
Post a Comment