(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે વધ્યા મથાળે ભાવ નરમ બોલાતા થયા હતા. નવી માગ પાંખી હતી. વિશ્વબજારના સમાચાર પણ પીછેહટ બતાવી રહ્યા હતા. દરમિયાન, કેન્દ્ર સરકારે દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં કોઈ ફેરફાર નહિં કરતાં બજારમાં આશ્ચર્ય ફેલાયું હતું.
વિશ્વબજારની ચાલ જોતાં આવી ટેરીફ વેલ્યુમાં વૃધ્ધિ થવાની અપેક્ષા હતી તેના બદલે સરકારે આમાં કોઈ ફેરફાર નહિં કરતાં વાયદા બજારમાં વધ્યા ભાવથી ઘટાડો સપ્તાહના અંતે જોવા મળ્યો હતો. જોકે બજારના જાણકારોના જણાવ્યા મુજબ આવી ટેરીફ વેલ્યુમાં કદાચ સરકાર ફરી ટૂંકમાં ફેરફાર જાહેર કરે તો નવાઈ નહિં એવી ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી.
દરમિયાન, વાયદા બજારમાં ક્રૂડ પામ ઓઈલ સીપીઓના ભાવ ઉંચામાં રૂ.૧૧૬૫ થઈ છેલ્લે રૂ.૧૧૪૩ રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ ઉંચામાં રૂ.૧૪૩૩ થઈ છેલ્લે ભાવ રૂ.૧૪૦૯ રહ્યા હતા એવું વાયદા બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે આયાતી પામતેલના ભાવ ૧૦ કિલોના વધતા અટકી ફરી ઘટી રૂ.૧૨૭૦થી ૧૨૭૨ રહ્યા હતા જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂ.૧૧૮૫ રહ્યા હતા. વિશ્વબજાર નરમ હતી. હવે જો ટેરીફમાં કોઈ ફેરફાર નહિં આવે તો મુંબઈ બજારમાં પામતેલના ભાવ ઘટી નીચામાં રૂ.૧૧૬૦ સુધી આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સોયાતેલના ડિગમના રૂ.૧૩૯૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૦૦ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૧૪૦૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૮૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ વધી રૂ.૧૫૪૦ તથા રિફાઈન્ડના રૂ.૧૫૭૦ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે કપાસીયા તેલના ભાવ વધતા અટકી ફરી ઘટી રૂ.૧૫૦૦ રહ્યા હતા જ્યારે સિંગતેલના ભાવ રૂ.૧૪૯૦ના મથાળે શાંત હતા.
દરમિયાન, ઉત્પાદક મથકોએ આજે કોટન વોશ્ડના ભાવ વધ્યા ભાવથી ઘટી રૂ.૧૪૨૫થી ૧૪૩૦ રહ્યા હતા જ્યારે સિંગતેલના ભાવ રૂ.૧૪૫૦ તથા ૧૫ કિલોના રૂ.૨૩૧૦થી ૨૩૨૦ના મથાળે અથડાતા રહ્યાના સમાચાર મળ્યા હતા. નવી મુંબઈ બંદરે વિવિધ ડિલીવરીમાં સનફલાવરના ભાવ રૂ.૧૪૫૦ બોલાઈ રહ્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fhhwgI
via IFTTT
Comments
Post a Comment