કોરોનાના કેસ વધતા ૧૦ રાજ્યો નિયંત્રણો લાદવા વિચારે : કેન્દ્ર સરકાર


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૩૧

દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્ર સરકારે ૧૦ રાજ્યોને લૉકડાઉન અથવા નિયંત્રણો લાદવા માટે વિચારણા કરવા જણાવ્યું છે. દરમિયાન દેશમાં શનિવારે ૨૪ કલાકમાં કોરોનાના ૪૨ હજાર કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૫૯૩નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાના કુલ કેસ ૩.૧૬ કરોડને પાર થયા હતા તેમજ મૃત્યુઆંક ૪.૨૪ લાખ નજીક પહોંચ્યો હતો. કોરોના મહામારી મુદ્દે કેન્દ્ર સરકારને સતત ભીંસમાં લેવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ જ્યારે બિહારમાં રાજદ પ્રમુખ તેજસ્વી યાદવે બીજો ડોઝ લીધો હતો.

દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સ્થિતિ વકરે તે પહેલાં જ ૧૦ રાજ્યોને લૉકડાઉન અથવા નિયંત્રણો લાદવા માટે વિચારણા કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ઓડિશા, આસામ, મિઝોરમ, મેઘાલય, આંધ્ર પ્રદેશ અને મણિપુરના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. 

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં ૧૦ ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા બધા જ જિલ્લાઓમાં આકરા પ્રતિબંધો મૂકવા માટે રાજ્ય સરકારોએ વિચાર કરવો જોઈએ. આ રાજ્યોના કુલ ૪૬ જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આ મુદ્દે કોઈપણ પ્રકારની ઢીલાશ નહીં રાખવા માટે ચેતવણી આપી છે.

આઈસીએમઆરના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે દૈનિક ૪૦,૦૦૦ કેસ સાથે સમજૂતી કરવાની કોઈ જરૃર નથી. ભારતમાં ૪૬ જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે જ્યારે ૫૩ જિલ્લા આ જોખમ તરફ વધી રહ્યા છે. 

રાજ્યોને આપેલા નિર્દેશોમાં કેન્દ્ર જણાવ્યું છે કે જે જિલ્લાઓમાં કોરોનાના કેસ વધુ સામે આવી રહ્યા છે ત્યાં નિયંત્રણો લાદવાની અને નિરિક્ષણ રાખવાની જરૃર છે. ઉપરાંત કોરોનાના કેસોનું મેપિંગ કરવામાં આવે અને કોરોનાના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવામાં આવે. ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું અને બાળકોની સારસંભાળ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. કેન્દ્રનો ચોથો નિર્દેશ કોરોનાતી થતા મોત પર નજર રાખવી અને તેની ગણતરી કરવાનો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં શનિવારે કોરોનાના ૪૧,૬૪૯ કેસ નોંધાયા હતા અને વધુ ૫૯૩નાં મોત નીપજ્યાં હતાં. દેશમાં સતત ચોથા દિવસે એક્ટિવ કેસ વધીને ૪.૦૮ લાખથી વધુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૩,૭૬૫ કેસનો વધારો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩.૦૭ કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે. દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્રણ દિવસ પહેલાં કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો હોવાના અહેવાલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોનાની રસી લીધા પછી રાહુલ ગાંધી ગુરુવાર અને શુક્રવારે લોકસભાના સત્રમાં હાજર રહ્યા નહોતા. તેમણે કોવેક્સિન લીધી કે કોવિશિલ્ડ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

જૂન મહિનામાં કોંગ્રેસે જણાવ્યું હતું કે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લઈ લીધા છે અને તેમનાં પુત્રી તથા મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પહેલો ડોઝ લીધો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે રાહુલ ગાંધી કોરોનાની બીમારીમાંથી સાજા થયા છે ત્યારે ડૉક્ટરોની સલાહ પછી રસી લેશે. 

બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે શનિવારે કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ લીધો હતો. તેમણે પટનાના કંકડબાગ સ્થિત જયપ્રભા મેદાંતા હોસ્પિટલમાં રશિયન રસી સ્પુતનિક-વી રસી મૂકાવી હતી. તેમણે કહ્યું કે દેશ અને બિહારવાસીઓને અપીલ કરી હતી કે કોરોનાને હરાવવો હશે તો તેનો એકમાત્ર ઉપાય રસી છે. લાલુ યાદવ, રાબડી દેવી, તેજ પ્રતાપ અને મેં પોતે રસીના બંને ડોઝ લીધા છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ldDV2h
via IFTTT

Comments