ગઢડા એસબીઆઈ સાથે શખ્સે 5.98 લાખની છેતરપિંડી કરી


- ભાઈના નામના દસ્તાવેજમાં પોતાનુ નામ દાખલ કરી તરકટ રચ્યુ

- પડવદરના શખ્સે નગરપાલીકાના શોપ લાઈસન્સ નોંધણી નંબરનો ખોટો દસ્તાવેજ બનાવી બેંકમાં જામીનગીરી આપી લોન મેળવી લીધી

ભાવનગર : ગઢડાના પડવદરી ગામના શખ્સે ભાઈના નામના નગરપાલિકાના શોપ લાયસન્સ દસ્તાવેજમાં પોતાનું નામ દાખલ કરી નોંધણી નંબરનો ખોટો દસ્તાવેજ બનાવી ગઢડાની એસ.બી.આઈ. બેન્કમાં જામીનગીરી આપી રૂા. ૫.૯૮ લાખની લોન મેળવી લઈ છેતરપીંડી કરતા ગુનો નોંધાવા પામ્યો છે. 

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગઢડાની ગોપીનાથજી સોસાયટીમાં રહેતા અને ગઢડાના વાઢાળા ચોકમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મેઈન બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા રોકીભાઈ વિધાનંદભાઈ ઘોષએ ગઢડા પોલીસ મથકમાં ઈમરાન અબ્દુલભાઈ રાઠોડ (રે. પડવદર, તા. ગઢડા હાલ બોટાદ રોડ ગઢડા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ઉક્ત શખ્સે તેના ભાઈ અફઝલભાઈના નામથી ગઢડા નગરપાલિકામાંથી શોપ લાયસન્સ નોંધણી નં. ૧૪૮૬ સાથે ચેડા કરી તેના ભાઈના નામની જગ્યાએ પોતાનું નામ દાખલ કરી ખોટો દસ્તાવેજ બનાવી તે દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી એસ.બીઆઈ. બેન્કમાં જામનગીરી પર મુકી રૂપિયા ૫ લાખ અને બીજી ૯૮ હજારની જુદી જુદી બે લોન મેળવી બન્ને લોન તેનું વ્યાજ પેનલ્ટી સહિત કુલ રૂપિયા ૬,૦૪,૫૮૪ બેન્કમાં ભરપાઈ ન કરી લોનના હપ્તા ન ચુકવી બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. ફરિયાદ અનુસંધાને પોલીસે શખસ સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WGuQEZ
via IFTTT

Comments