સંસદમાં સરકાર-વિપક્ષનો હોબાળો : પ્રજાના રૂ. 54 કરોડનો ધૂમાડો


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૯

ચોમાસુ સત્રનું બીજું અઠવાડિયું પૂરું થવાનું છે, પરંતુ સંસદમાં ભારે હોબાળાની સ્થિતિ યથાવત્ રહી છે. સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલાં જ વૈશ્વિક સ્તરે જાહેર થયેલા પેગાસસ જાસૂસી કાંડ પર ચર્ચાની માગ મુદ્દે વિપક્ષે અક્કડ વલણ જાળવી રાખ્યું છે ત્યારે સરકાર પણ વિપક્ષને રાજકીય લાભ આપવા દેવા માગતી નથી. વિપક્ષે કૃષિ કાયદા, મોંઘવારી જેવા મુદ્દાઓ પર હોબાળો ચાલુ રાખ્યો છે. વધુમાં પેગાસસ મુદ્દે ચર્ચાની માગણી સાથે વિપક્ષે ગુરુવારે પણ સંસદની કાર્યવાહી ખોરવી હતી. આ સમયમાં પ્રજાના રૂ. ૫૪ કરોડ રૂપિયાનો ધૂમાડો થઈ ગયો. વધુમાં બંને ગૃહની કાર્યવાહીમાં સાંસદોના કૃત્ય વધુ નીચા સ્તરે ગયા છે. બીજીબાજુ વિપક્ષની ધમાલ વચ્ચે સરકારે લોકસભામાં બે અને રાજ્યસભામાં એક બિલ પસાર કરી વિરોધપક્ષોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેમના દબાણની સરકારને કોઈ પરવા નથી. 

ચોમાસુ સત્રના નવમા દિવસે પણ વિપક્ષની ધાંધલ-ધમાલના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી થઈ શકી નહીં. ૧૯મી જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રના નવ દિવસ જ સંસદ ચાલી છે, જેમાં છેલ્લા સાત દિવસમાં લોકસભામાં માત્ર ચાર કલાક અને રાજ્યસભામાં ૮.૨ કલાક કાર્યવાહી થઈ શકી. લોકસભામાં ૩૮ કલાક ધાંધલ-ધમાલને ભેટ ચડી ગયા જ્યારે રાજ્યસભામાં ૩૩.૮ કલાક સ્વાહા થઈ ગયા. 

વિપક્ષે ગુરુવારે સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર પેગાસસ જાસૂસી મુદ્દે ચર્ચા માટે તૈયાર નહીં થાય ત્યાં સુધી સંસદમાં સંગ્રામ અટકશે નહીં. બીજીબાજુ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં હોબાળો મચાવનારા સાંસદોને તેમના વિરુદ્ધ કાર્યવાહીની ચેતવણી આપી છે. લોકસભામાં વિપક્ષની ધાંધલ-ધમાલ વચ્ચે સોમવારે 'ધ એરપોર્ટ્સ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સુધારા) બિલ' અને 'ફેક્ટર વિનિમય (સુધારા) બિલ ૨૦૨૧' પસાર થઈ ગયા હતા. વિપક્ષના હંગામા વચ્ચે સરકારે રાજ્યસભામાં 'કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ (સુધારા) બિલ, ૨૦૨૧' પણ પસાર કરાવી દીધું. ગુરુવારે પણ કાર્યવાહી ખોરવાતા સંસદના બંને ગૃહ શુક્રવાર માટે સ્થગિત કરી દેવાયા હતા.

સંસદના બંને ગૃહોમાં વિપક્ષના સાંસદો ગુરુવારે પણ વેલ પાસે ધસી ગયા હતા અને વિવિધ મુદ્દા પર સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યાર પછી રાજ્યસભાની કાર્યવાહી મુલતવી રખાઈ હતી. પેગાસસ જાસૂસી વિવાદ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ચર્ચાની માગણી કરતાં વિપક્ષે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રાખતા બંને ગૃહ વારંવાર મૂલતવી રાખવા પડયા હતા. અંતે બંને ગૃહની કાર્યવાહી શુક્રવાર સુધી મુલતવી રહી હતી. 

દરમિયાન વિપક્ષના હોબાળાની અવગણના કરતાં નાણામંત્રી નિર્મલા સીતારામને પૂરક માગો સાથે વિનિયોગ બિલ અને દેવાળિયા કાયદામાં સુધારા સંબંધિત બિલો પસાર કરાવી લીધા. આજે પણ સરકારનું સંપૂર્ણ ધ્યાન બિલો પસાર કરાવવા પર જ હતું. લોકસભામાં રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓએ જાસૂસી કાંડ મુદ્દે ગૃહની કાર્યવાહી સ્થગિત કરીને ચર્ચા કરવાની નોટિસ સ્પીકરે નકારી કાઢી હતી અને ભારે કોલાહલ વચ્ચે આખો પ્રશ્નકાળ ચાલવા દીધો હતો. આ સમયમાં વિપક્ષના સભ્યો વેલમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા રહ્યા. 

વિપક્ષ દ્વારા ગૃહમાં પેગાસસ મુદ્દે ચર્ચાની માગણી અંગે બોલતા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે રાજ્યસભામાં અમારા મંત્રીએ સુઓમોટો સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું. રાજ્યસભામાં સ્ટેટમેન્ટ રજૂ થયા પછી ચર્ચા થાય છે. પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ મંત્રીજીના સ્ટેટમેન્ટના કાગળો ફાડી નાંખ્યા હતા. આ બાબત દર્શાવે છે કે વિપક્ષ ગૃહમાં ચર્ચા કરવા માગતો નથી. તે માત્ર ગૃહમાં ધાંધલ-ધમાલ કરવા માગે છે. લોકસભામાં પણ વિપક્ષે કાગળો ફાડી અયોગ્ય આચરણ કર્યું હતું.

સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદના મુખ્ય મુદ્દા

નિશિકાંત દુબે વિ. મહુઆ મોઈત્રા : લોકસભામાં ગુરુવારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર મોટો આક્ષેપ મૂકતા કહ્યું કે મહુઆ મોઈત્રાએ મને 'બિહારી ગુંડો' કહ્યો. આઈટી સંબંધિત સંસદીય સમિતિની બેઠક દરમિયાન મહુઆ મોઈત્રાએ આ શબ્દો કહ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ વિભાજનકારી રાજકારણ છે. નિશિકાંત દુબેએ આ મુદ્દે ફરિયાદ પણ કરી છે. બીજીબાજુ, આ આક્ષેપોનો જવાબ આપતાં તેમણે કહ્યું કે તેમને આવા આક્ષેપો પર હસવું આવે છે. આઈટી સંબંધિત સંસદીય સમિતિની બેઠકમાં નિશિકાંત દુબે હાજર જ નહોતા તો તેમને કંઈ કહેવાનો સવાલ જ ક્યાંથી આવે? આ મુદ્દે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. આ મુદ્દે ગૃહમાં ભારે શોરબકોર થયો હતો.

ઓક્સિજનની અછતથી એક પણ મોત નહીં : કેન્દ્ર સરકારે ૨૧મી જુલાઈએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓક્સિજનની અછતથી કોઈ મોત થયું હોવાની માહિતી નથી. આ જવાબથી કેન્દ્ર વિપક્ષના નિશાન પર આવી ગઈ હતી. આ મુદ્દે પણ વિપક્ષે સંસદમાં ભારે ધમાલ મચાવી હતી. કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે રાજ્યસભામાં ઓક્સિજનની અછતથી થયેલા મોત અંગે સવાલ કર્યો હતો.

નવા કૃષિ કાયદાનો વિરોધ : નવા કૃષિ કાયદાના વિરોધમાં ગયા વર્ષે લગભગ નવેમ્બર મહિનાથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપતાં વિપક્ષે કૃષિ કાયદા પરત ખેંચવા મુદ્દે હંગામો ચાલુ રાખ્યો છે. શિરોમણી અકાલી દળના સાંસદ નવ દિવસથી સંસદર પરિસરમાં દેખાવો કરી રહ્યા છે. રાહુલ ગાંધી પણ આ કાયદાઓના વિરોધમાં ટ્રેક્ટર ચલાવી સંસદ પહોંચ્યા હતા. આસિવાય ખેડૂત સંગઠનો ૨૨મી જુલાઈથી ચોમાસા સત્ર દરમિયાન જંતર મંતર પર કિસાન સંસદ ચલાવી રહ્યા છે.

પેગાસસ જાસૂસી વિવાદ : સંસદની કાર્યવાહી સૌથી વધુ પેગાસસ જાસૂસી વિવાદ મુદ્દે ખોરવાઈ છે. ચોમાસુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલાં જ વૈશ્વિક સ્તરે હજારો લોકોની જાસૂસી થઈ રહી હોવાનો વિવાદ ઊઠયો હતો. આ પ્રકરણ મુદ્દે વિપક્ષ વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી જવાબ માગી રહ્યો છે. ગૃહમાં પેગાસસ કાંડના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે પેગાગસસ મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી નહીં થા અને સરકારે જવાબ આપવો જ પડશે. આ મુદ્દે ૧૪ વિરોધ પક્ષો એક થઈ ગયા છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iZtiNT
via IFTTT

Comments