(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ : કોરોના સંક્રમણની બીજી લહેરમાંથી ભારત બહાર આવી જઈ અત્યારે કેસો ઘટવા લાગતા અનલોક ઝઝડપી બનીને દેશમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વધવા લાગી છે, કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામો પણ એકંદર સારા આવી રહ્યા છે, ચોમાસાની પ્રગતિ સારી થઈ રહી છે, આ પોઝિટીવ પરિબળો સામે વૈશ્વિક મોરચે આકાર લઈ રહેલા નેગેટીવ પરિબળોએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં જુલાઈ વલણના અંત સાથે બજારમાં સાવચેતી જોવાઈ છે. અમેરિકી ફંડો દ્વારા ચાઈના અને હોંગકોંગની એસેટ્સ, શેરોમાં થઈ રહેલા ઓફલોડિંગ અને એના પરિણામે ચાઈના-અમેરિકા ટ્રેડ વોર વકરવાના એંધાણની સાથે વધતાં જતાં ફુગાવા-મોંઘવારીના પરિબળના સાથે વૈશ્વિક કોર્પોરેટ પરિણામો પૈકી ગત સપ્તાહના અંતે એમેઝોને નિરાશ કરતાં અમેરિકી શેર બજારોમાં સપ્તાહના અંતે જોવાયેલી નરમાઈ અને યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ ફરી વધવા લાગતાં યુ.કે., ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં લોકડાઉન ફરી લાગુ થવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર સાથે બજારો માટે ચિંતા ઊભી થઈ છે. ભારતમાં અત્યારે કોરોના સંક્રમણમાં ઘટાડા સામે પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ અને આગામી દિવસોમાં હવે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં રાજયોની ચૂંટણીઓની તૈયારી વચ્ચે સરકારની આર્થિક નીતિઓમાં ઉદારતાં બતાવી દેશ પરનો આર્થિક બોજ વધવાની શકયતાએ બજારોમાં તેજીને વિરામ મળીને મોટું કરેકશન-ઘટાડો જોવાય તો નવાઈ ન પામશો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ આગામી સપ્તાહમાં શુક્રવારે થનારી ધિરાણ નીતિની સમીક્ષામાં ફુગાવાને અંકુશમાં લેવા પગલાંની શકયતા વચ્ચે બજારમાં ઉછાળે સાવચેતી રાખવી અત્યંત જરૂરી રહેશે. ગત બે સપ્તાહથી બજારની જોવાઈ રહેલી અફડાતફડીની ચાલ અને ચોક્કસ એક સેકટરના શેરોમાં રોજબરોજ તોફાન મચાવીને બજારને ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસોને જોતાં આગામી દિવસોમાં એકાએક કડાકો બોલાઈ શકે છે. જેથી તેજીના ફૂંફાળામાં સાવચેત રહીને નફાની બાંધણી કરતાં રહેવું સલાહભર્યું છે.
ધિરાણ નીતિ, મેન્યુ., સર્વિસિઝ આંક પર નજર : એચડીએફસી, સ્ટેટ બેંક, સિપ્લા, ભારતી એરટેલના રિઝલ્ટ પર નજર
આગામી સપ્તાહમાં સપ્તાહના અંતે શુક્રવારે ૬,ઓગસ્ટ ૨૦૨૧ના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની થનારી સમીક્ષા પર નજર પૂર્વે ૨,ઓગસ્ટ ૨૦૨૧ના જુલાઈ મહિના માટેના મેન્યુફેકચરીંગ પીએમઆઈના જાહેર થનારા આંક અને ૪,ઓગસ્ટ ૨૦૨૧ના સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંક પર નજર રહેશે.જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોમાં આગામી સપ્તાહમાં ૨,ઓગસ્ટના એચડીએફસી લિમિટેડના, ૩,ઓગસ્ટના ભારતી એરટેલના, ૪,ઓગસ્ટના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના, ૫,ઓગસ્ટના સિપ્લા અને ગેઈલ ઈન્ડિયા તેમ જ ૬,ઓગસ્ટના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. આ સાથે આગામી સપ્તાહમાં ક્રુડ ઓઈલના ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ તેમ જ ઓટોમોબાઈ કંપનીઓના જુલાઈ મહિનામાં વાહનોના વેચાણના જાહેર થનારા આંકડા પર બજારની નજર રહેશે. આ પરિબળો-ઈવેન્ટસ વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૫૨૦૫૨ની ટેકાની સપાટીએ ૫૩૧૧૧ કુદાવતાં ૫૩૬૫૩ અને નિફટી સ્પોટ ૧૫૬૧૫ની ટેકાની સપાટીએ ૧૫૯૧૫ કુદાવતાં ૧૬૦૧૬ જોવાઈ શકે છે.
ડાર્ક હોર્સ : ચેવીયટ કંપની લિ.
માત્ર બીએસઈ(૫૨૬૮૧૭) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૨૦૦૬માં ૧:૨ શેર, વર્ષ ૨૦૧૮માં ૧:૨ શેર બોનસ આમ બે બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૫૬.૪૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, સંપૂર્ણ દેવા-ઋણ મુક્ત, ૭૪.૭૭ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી, ગત વર્ષ સપ્ટેમ્બર ૨૦૨૦માં કંપનીએ શેર દીઠ રૂ.૯૦૦ના ભાવે ૩.૮૮ ટકા ઈક્વિટી-શેરોનું બાયબેક કર્યા સાથે તાજેતરમાં શેર દીઠ રૂ.૧૭૫(૧૭૫૦ ટકા) સ્પેશ્યલ ડિવિડન્ડ ચૂકવનાર, ઈન્વેસ્ટર ફ્રેન્ડલી, ISO 9001:2015, IS/ISO 14001:2004 – Environmental Management System Certification and 18001:2007 – Occupational Health and Safety Management System Certification કોલકતા સ્થિત ૧૨૪ વર્ષથી અસ્તિત્વ ધરાવતી પરંપરાગત જયુટ પ્રોડક્ટસ જેવા કે સેકીંગ અને હેસિયનનું ઉત્પાદન કરતી ચેવીયટ કંપની લિમિટેડ(સીસીએલ)(CHEVIOT CO. LTD.) છે.
કાચામાલ જયુટના ભાવમાં ૧૭ ટકાનો ઘટાડો : કંપનીના પ્રમુખ કાચામાલ જયુટ-શણનું ઉત્પાદન વર્ષ ૨૦૨૦-૨૧માં ઓછું રહ્યું હતું, છતાં કંપનીએ આ વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી નોંધાવી છે. આ સાથે રો જયુટના ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માં ઉત્પાદનમાં સારી વૃદ્વિના પ્રાથમિક અંદાજો મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં શણ-જયુટનું વાવેતરનો વિસ્તાર એક લાખ હેકટર વધીને ૬.૫ લાખ હેકટર થતાં ઉત્પાદનમાં વૃદ્વિની સાથે જયુટના ભાવ એમએસપીથી નીચા જવાની શકયતા બતાવાઈ રહી છે. જ્યુટના ભાવમાં જૂન ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૧૭ ટકા જેટલો ઘટાડો થયો છે, ઉત્પાદનમાં વૃદ્વિની અપેક્ષા વચ્ચે ભાવોમાં હજુ વધુ ઘટાડો થવાની અપેક્ષા છે. જ્યારે આ રો જયુટ-કાચામાલની અત્યારે પ્રમાણમાં સ્થિર થી નીચા ભાવોએ ઉપલબ્ધિ અને ફિનિશ્ડ પ્રોડક્ટસના સ્થિર થી ઊંચા ભાવોની બજાર પરિસ્થિતિને જોતા અને આશીયન દેશોની જંગી માંગને ધ્યાનમાં લેતાં આ વર્ષ રેકોર્ડ બમ્પર બની શકે છે.
વર્ષ ૨૦૨૨ સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ : કંપની જયુટ સેકિંગ બેગ્સનું ઉત્પાદન પણ કરે છે. જેનો ઉપયોગ અનાજ અને ખાંડના પેકિંગ માટે મુખ્યત્વે થાય છે. આ સેકિંગ બેગ્સ હેઠળની ઉપલબ્ધ ગુણવતામાં બી ટ્વિલ અને હાઈસીઝ અને ડીડબલ્યુ ફ્લોર વગેરેનો સમાવેશ છે. પરંપરાગત સેકિંગ બેગ્સનો ઉપયોગ અનાજ, સુગર અને અન્ય ફૂડ પ્રોડક્ટસના ૫૦ થી ૧૦૦ કિલોગ્રામના પેકિંગ માટે થાય છે. વિશ્વભરમાં પ્લાસ્ટિક બેગ્સ પર પ્રતિબંધ મૂકાવા લાગ્યો છે, ત્યારે જયુટ પ્રોડક્ટસ પર્યાવરણ ફ્રેન્ડલી છે. જે નેચરલ બાયો-ડીગ્રેડેબલ હોવા સાથે લાંબો સમય ટકી શકતા હોઈ એન્ડ યુઝર્સ આવા ઉત્પાદનો પસંદ કરવા લાગ્યા છે. ભારત સરકારે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટસ પર પ્રતિબંધ મૂકવા સૂચવ્યું છે. સરકાર વર્ષ ૨૦૨૨ સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવા ઈચ્છે છે. ઘણી રાજય સરકારોએ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે.
અનાજોના પેકેજિંગ માટે સરકારની રૂ.૭૫૦૦ કરોડની જયુટ બેગની ખરીદી : સરકારના નિયમીત ઓર્ડરોથી સ્થાનિક માંગ સારી રહી છે. જયુટ ઉદ્યોગ સામાન્ય રીતે સરકારી ક્ષેત્ર પર નિર્ભર છે, જે અનાજોના પેકેજિંગ માટે દર વર્ષે રૂ.૭૫૦૦ કરોડથી વધુ મૂલ્યની જયુટ બેગ્સ ખરીદે છે. કંપનીની આવકમાં નિકાસનો હિસ્સો ૩૩ ટકા જેટલો છે. સરકારે પણ અનાજો અને ખાંડના ફરજીયાત જયુટ મટીરિયલમાં પેકેજિંગને મંજૂરી આપી હતી. આ સાથે સરકારે પણ જયુટ ક્ષેત્રના વૈવિધ્યિકરણને ટેકો આપીને નેશનલ જયુટ બોર્ડ દ્વારા નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન સાથે સહયોગ સાધીને જયુટ ડિઝાઈન સેલ ગાંધીનગરમાં ખોલ્યું છે. એટીયુએફએસ સ્કિમ જે માન્ય મશીનો પર ૧૫ ટકા મૂડી રોકાણ સબસીડી પૂરી પાડે છે, જે ૧૩,જાન્યુઆરી ૨૦૧૬ થી ૩૧,માર્ચ ૨૦૨૨ના સમયગાળા માટે છે. નેશનલ જયુટ બોર્ડ દ્વારા માર્કેટ ડેવલપમેન્ટ અને વર્કર્સ વેલ્ફેર અને વૈવિધ્યિકરણ અને નિકાસોના પ્રોત્સાહન માટે વિવિધ સ્કિમો અમલી બનાવી છે. આ પહેલ જયુટ ઉદ્યોગ માટે વરદાન પૂરવાર થઈ છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧ના રૂ.૮૫૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૨ના રૂ.૯૯૩
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હસ્તક ૭૪.૭૭ ટકા, વિજય કિશનલાલ કેડિયા પાસે ૧.૨૯ ટકા, ઈન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેકશન ફંડ-આઈઈપીએફ ગવર્મેન્ટ બોડી પાસે ૧.૪૫ ટકા હોલ્ડિંગ અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડી ધારકો પાસે ૧૯.૩૬ ટકા શેરો છે.
શેર દીઠ રૂ.૯૦૦ ભાવે શેરોનું બાયબેક : ચેવીયટ કંપની દ્વારા વર્ષ ૨૦૨૦માં સપ્ટેમ્બરમાં શેર દીઠ રૂ.૯૦૦ ભાવે શેરોનું બાયબેક કર્યું છે. જે સમયે શેરનો બજાર ભાવ રૂ.૫૭૦ જેટલો હતો. કંપનીએ અગાઉ જૂન ૨૦૧૭માં શેર દીઠ રૂ.૧૫૦૦ ભાવે શેરોનું બાયબેક નક્કી કર્યું હતું, એ સમયે શેરનો બજાર ભાવ રૂ.૧૩૧૯ જેટલો હતો.
૧૭૫૦ ટકા સ્પેશ્યલ ડિવિડન્ડ : કંપનીએ ચાલુ વર્ષ જુલાઈ ૨૦૨૧માં શેર દીઠ રૂ.૧૭૫ એટલે કે ૧૭૫૦ ટકા સ્પેશ્યલ ડિવિડન્ડ શેરધારકોને આપ્યું છે.
ઈન્વેસ્ટમેન્ટ મૂલ્ય શેર દીઠ રૂ.૨૩૫ : કંપનીનું વિવિધ સરકારી સિક્યુરિટીઝમાં રૂ.૫૭.૫૪ કરોડ, ડિબેન્ચરો, બોન્ડસમાં રૂ.૬૨.૯૩ કરોડ અને મ્યુચ્યુઅલ ફંડોમાં રૂ.૨૬.૭૬ કરોડ મળીને કુલ ફાઈનાન્શિયલ રોકાણ ૩૧,માર્ચ ૨૦૨૧ મુજબ રૂ.૧૪૭.૫૦ કરોડ જેટલું છે, જેનું શેર દીઠ મૂલ્ય રૂ.૨૩૫ થાય છે.
નાણાકીય પરિણામ :
(૧) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૧ : ચોખ્ખી આવક રૂ.૧૧૪.૭૬ કરોડની તુલનાએ ૩૬.૭૦ ટકા વધીને રૂ.૧૫૬.૮૮કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૩.૫૦ કરોડની તુલનાએ ૬૩૩.૭૧ ટકા વધીને રૂ.૨૫.૬૮ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૫.૪૨ થી વધીને રૂ.૪૦.૧૬ હાંસલ કરી હતી.
(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ : ચોખ્ખી આવક રૂ.૪૫૮.૦૫ કરોડની તુલનાએ ઘટીને રૂ.૩૯૫.૭૬ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૪૮.૧૨ કરોડની તુલનાએ ૫૭.૩૫ ટકા વધીને રૂ.૭૫.૭૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૭૪.૪૧ થી વધીને રૂ.૧૧૮.૪૩ હાંસલ કરી હતી.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૯૪.૬૫ કરોડ થકી ચોખ્ખો નફો રૂ.૯૩.૪૫ કરોડ મેળવી શેર દીઠ આવક રૂ.૧૪૯.૧૩ અપેક્ષિત છે.
(૪) વેલ્યુએશન : BBB : ઉદ્યોગના સરેરાશ ૩૪ના પી/ઈ અને કંપની ૧૪નો પી/ઈ મેળવી રહી હોઈ શેર રૂ.૨૦૮૬ને આંબી શકે, એ માટે વેલ્યુએશન ટ્રીપલ BBB. કંપનીના શેરનો ભાવ તાજેતરમાં જ કમ-ડિવિડન્ડ રૂ.૨૦૦૦ને આંબી ગયો હતો.
આમ (૧) ૭૪.૭૭ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૨) વર્ષ ૨૦૨૦માં ૪૮૦ ટકા ડિવિડન્ડ, વર્ષ ૨૦૨૧માં તાજેતરમાં ૧૭૫૦ ટકા ડિવિડન્ડ ચૂકવનાર (૩) બે બોનસ ઈસ્યુઓ થકી કુલ ઈક્વિટીમાં ૫૬.૪૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૪) સંપૂર્ણ ડેટ-ઋણ મુક્ત (૫) જયુટ, ચા અને લેધર ઉદ્યોગોના વૈવિધ્યિકૃત પોર્ટફોલિયો ધરાવતા ચેવીયટ ગુ્રપની આ ફ્લેગશીપ ચેવીયટ કંપની લિમિટેડ કંપની (૬) ગત વર્ષ સપ્ટેમ્બર ૨૦૨૦માં શેર દીઠ રૂ.૯૦૦ ભાવે શેરોનું બાયબેક કરનાર, જે સમયે શેરનો ભાવ રૂ.૫૭૦ નજીક હતો અને કંપનીએ અગાઉ જૂન ૨૦૧૭માં શેર દીઠ રૂ.૧૫૦૦ ભાવે શેરોનું બાયબેક કર્યું હતું, એ સમયે શેરનો ભાવ રૂ.૧૩૧૯ જેટલો હતો.(૭) કંપનીના ૩૧,માર્ચ ૨૦૨૧ મુજબ કુલ રૂ.૧૪૭.૫૦ કરોડના ફાઈનાન્શિયલ રોકાણો મુજબ શેર દીઠ રૂ.૨૩૫ મૂલ્ય ધરાવતી (૭) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨માં અપેક્ષિત ઈપીએસ-શેર દીઠ કમાણી રૂ.૧૪૯.૧૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૯૯૩ સામે શેર અત્યારે માત્ર બીએસઈ પર રૂ.૧૩૪૧ ભાવે અપેક્ષિત કમાણી સામે માત્ર ૯ના પી/ઈએ ઉપલબ્ધ છે.
નોંધ : ચેવીયટ કંપની લિમિટેડના શેરની અહીંથી અગાઉ ૬,સપ્ટેમ્બર ૨૦૨૦ના રૂ.૭૨૦.૪૫ ભાવે ખરીદીની ભલામણ કરાઈ હતી, ત્યાર બાદ કંપનીએ શેર દીઠ રૂ.૯૦૦ ભાવે શેરોનું બાયબેક કર્યા બાદ તાજેતરમાં જ શેર દીઠ રૂ.૧૭૫ એટલે કે ૧૭૫૦ ટકા સ્પેશ્યલ ડિવિડન્ડ આપ્યું હતુ, એટલે આ ઈન્વેસ્ટર ફ્રેન્ડલી કંપનીના શેરની અહીંથી ફરી ભલામણ કરી છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતરૂ હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, B, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fgAYu7
via IFTTT
Comments
Post a Comment