(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી ફરી વધી આવતાં તેની અસર પણ ઝવેરીબજાર પર પોઝીટીવ જણાઈ રહી હતી. આજે અમદાવાદ સોના ચાંદી બજારમાં સોનું ફરી એકવાર રૂા. ૫૦,૦૦૦ની સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે ચાંદીમાં આગેકૂચ જળવાઈ રહી હતી.
વિશ્વબજારમાં બોન્ડના ભાવ વધતાં તથા બોન્ડ- ટ્રેઝરીની યીલ્ડ ઘટતાં તેમજ અમેરિકામાં શેરબજાર ઘટતાં તેના પગલે વિશ્વબજારમાં સોનામાં ફંડોની ખરીદી જળવાઈ રહ્યાની ચર્ચા હતી.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના વધી ૧૮૨૮થી ૧૮૨૯ ડોલર થઈ ૧૮૨૬થી ૧૮૨૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ વધી ઔંશના ૨૫.૫૬થી ૨૫.૫૭ ડોલર થઈ ૨૫.૪૮થી ૨૫.૪૯ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં ઝવેરીબજારમાં વધતા ભાવોએ વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા.
જોકે વધ્યા મથાળે નવી માગ ધીમી પડી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૪૯૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૦૦૦૦ને આંબી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૬૯૫૦૦ બોલાયા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીમના ભાવ ૧૦૭૭થી ૧૦૭૮ ડોલરવાળા જોકે ગબડી આજે ૧૦૪૨થી ૧૦૪૩ ડોલર બોલાઈ ગયા હતા. નવી ઈન્ડસ્ટ્રીયલ માગ ધીમી પડી હતી. પેલેડીયમના ભાવ પણ ૨૬૬૬થી ૨૬૬૭ ડોલરવાળા ઘટી આજે ૨૬૫૭થી ૨૬૫૮ ડોલર રહ્યા હતા.
ચીનમાં ઔદ્યોગિક એકટીવીટી ધીમી પડયાની ચર્ચા હતી. વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૭૬ ડોલરની સપાટી વટાવી જતાં વૈશ્વિક સોનાના ઉંચા ભાવને તેના પગલે સપોર્ટ મળતો થયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. બ્રેન્ટ ક્રુડના ભાવ વધી આજે બેરલના ૭૬.૦૫થી ૭૬.૧૦ ડોલર રહ્યા હતા. ન્યુયોર્ક ક્રુડના ભાવ ૭૩.૫૦થી ૭૩.૫૫ ડોલર બોલાઈ રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૫થી ૦.૨૦ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા અને તેના પગલે વિશ્વબજારમાં ચાંદીની મજબુતાઈને ટેકો મળતો રહ્યો હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. દરમિયાન, મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૮૧૬૪ વાળા રૂ.૪૮૨૩૬ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૪૮૩૫૮ વાળા રૂ.૪૮૪૩૦ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૭૮૮૧ વાળા રૂ.૬૮૧૧૩ થઈ રૂ.૬૮૦૫૩ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ આ વિકમાં જેટલા વધ્યા છે તે વૃધ્ધિ પાછલા બે મહિનાની સૌથી મોટી વિકલી વૃધ્ધિ મનાઈ રહી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WultrK
via IFTTT
Comments
Post a Comment