નિફટી 500 કંપનીઓમાં FIIએ જૂન ત્રિમાસિકમાં હોલ્ડિંગ ઘટાડયું


મુંબઈ : ભારતની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓમાં સંસ્થાકીય રોકાણકારોએ જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકમાં પોતાના હોલ્ડિંગમાં નજીવો ઘટાડો કર્યો છે. ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરો (એફઆઈઆઈઝ)એ નિફટી ૫૦૦ કંપનીઓમાં પોતાના હોલ્ડિંગમમાં ૬૦ બેઝિઝ પોઈન્ટ ઘટાડો કર્યો છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ) દ્વારા આ ત્રિમાસિકમાં પોતાના હોલ્ડિંગમાં ૧૦ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

એફઆઈઆઈઝનું આ કંપનીઓમાં પ્રથમ ત્રિમાસિકમાં હોલ્ડિંગ ૨૨.૩ ટકા હતું, એ જૂન ૨૦૨૧ના ત્રિમાસિકમાં ઘટીને ૨૧.૭ ટકા રહ્યું છે. આ આંકડાની વધુ સમીક્ષામાં જણાયું છે કે, એફઆઈઆઈઝની નિફટી ૫૦૦ કંપનીઓમાં માલિકી વધીને ૫૨ ટકા થઈ છે, પરંતુ નિફટી કંપનીઓમાં ૫૪ ટકા રહી છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ચિંતાએ  ફોરેન ફંડોની એપ્રિલમાં જંગી વેચવાલીએ એફઆઈઆઈઝના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે. એફઆઈઆઈઝની એપ્રિલમાં ૧.૪૮ અબજ ડોલરના શેરોની ભારતીય શેરોમાં ચોખ્ખી વેચવાલી રહી હતી. જે વર્ષમાં આ પ્રથમ વેચવાલી હતી. જૂન ૨૦૨૧ના ત્રિમાસિકમાં  કુલ રોકાણ પ્રવાહ ૭૫.૭૭ કરોડ ડોલરનો નોંધાયો હતો. 

જૂન ૨૦૨૧ના ત્રિમાસિકમાં નિફટીમાં ૭ ટકાનો  ઉછાળો અને નિફટી ૫૦૦માં ૯ ટકાથી વધુ ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફટી બેંકમાં ચાર ટકાથી વધુ ઉછાળો નોંધાયો હતો. સેક્ટર મુજબ એફઆઈઆઈઝ ખાનગી બેંકો-નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીિઓમાં ઓવરવેઈટ અને કન્ઝયુમર, કેપિટલ ગુડઝ, મેટલ, હેલ્થકેર અને પીએસયુ બેંકોમાં અન્ડરવેઈટ રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ફાઈનાન્શિયલ્સનું પ્રભુત્વ રહ્યું છે. જો કે બીએફએસઆઈઝ સતત અન્ડરપરફોર્મર રહી એફઆઈઆઈઝની રોકાણ ફાળવણી  જૂન ૨૦૨૧ના અંતે નિફટી ૫૦૦માં ઘટીને ૩૮ ટકા રહી છે. જે ડિસેમ્બર ૨૦૧૯માં ૪૫.૧ ટકા અને માર્ચ ૨૦૨૦માં ૪૦ ટકા રહી હતી. 

ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, સિપ્લા, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેંક અને ઈન્ડસઈન્ડ બેંક એફઆઈઆઈઝના હોલ્ડિંગમાં એક ટકાથી વધુ વધારો નોંધવનાર શેરોમાં ટોચ પર રહ્યા છે. એસબીઆઈ ઈન્સ્યોરન્સ, હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટસ, ટેક મહિન્દ્રા, બીપીસીએલ, કોટક મહિન્દ્રા બેંક અને આઈટીસીમાં એફઆઈઆઈઝના હોલ્ડિંગમાં ત્રિમાસિક ધોરણે એક ટકાથી વધુ  ઘટાડો નોંધવનાર ટોચના શેરો રહ્યા છે.

એફઆઈઆઈ-ડીઆઈઆઈનો નિફટી ૫૦૦ કંપનીઓમાં ઓનરશીપ રેશીયો નાણાકીય વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં નજીવો ઘટીને ૧.૫ ગણો રહ્યો છે. જે પાછલા ત્રિમાસિકમાં ૧.૬ ગણો હતો. નિફટી ૫૦૦માં ડીઆઈઆઈઝના ટોચના પાંચ સેકટરલ હોલ્ડિંગમાં કુલ ફાળવણીના ૬૫ ટકા થયું છે. જેમાં બીએફએસઆઈમાં ૨૭.૪ ટકા, ટેકનોલોજીમાં ૧૧.૮ ટકા, ઓઈલ એન્ડ ગેસમાં ૯.૮ ટકા, કન્ઝયુમરમાં ૯.૭ ટકા અને હેલ્થકેરમાં ૬.૩ ટકા રહ્યું છે. 




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jd03ax
via IFTTT

Comments