તળાજામાં ગેરકાયદે કાર્ડ ધારકોના ઇ-કુપન જનરેટ કરવાના મામલે 3 સામે ગુનો નોંધાયો


- અનઅધિકૃત રીતે વ્યાજબી ભાવની દુકાનના કુપન કાઢવામાં આવતા હતા

- તળાજામાં જિલ્લા પુરવઠા કચેરીની તપાસ દરમિયાન ગેરરીતિ સામ આવતા મામલતદારે ફરિયાદ નોંધાવી

ભાવનગર : તળાજામાં થોડા દિવસ પૂર્વે જિલ્લા પુરવઠા કચેરી સ્ટાફ અને મામલતદારે તપાસનો દોર હાથ ધરતા અનઅધિકૃત રીતે વ્યાજબી ભાવની દુકાનના કુપન કાઢવામાં આવતા હોવાનું અને ગેરકાયદે કાર્ડ ધારકોના ઇ-કુપન જનરેટ થતા હોવાની વિગતો સામે આવતા મામલતદારે ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજાના મામલતદાર જે.જે. કનોજીયાએ તળાજા પોલીસ મથકમાં દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રે.ભારોલી, તા.તળાજા), સંજયસિંહ અનોપસિંહ સરવૈયા (રે.નવી છાપરી, તળાજા), પ્રશાંત ધનવંતરાય પંડયા (રે.ભટ્ટ ચોક, તળાજા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૧૯-૭ના રોજ સવારે ૧૧ કલાકના અરસા દરમિયાન તળાજામાં ગોપનાથ રોડ શિવ ઓઇલ મિલની સામે માધવ પાનની દુકાનની પાછળ બીજી દુકાનમાં મળેલ બાતમી આધારે તપાસ હાથ ધરતા ટેબલ પરથી માખણીયા ગામના કુપનો ખુબ મોટા પ્રમાણમાં વ્યાજબી ભાવની દુકાનોના કુપનો, અલગ અલગ દુકાનોના રજીસ્ટરો, લેપટોપ, મંત્રાથમ્બ, ડિવાઇસો, ઇલે.ડિવાઇસો, અન્ય રેકોર્ડ મળી આવ્યું હતું. ઉક્ત તમામે જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત વ્યાજબી ભાવની દુકાનોમાંથી વિતરણ કરવામાં આવતા આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાય અને વિતરણ વ્યવસ્થાનો ભંગ કરી તેમજ ઇલે. ડિવાઇઝ લેપટોપનો ઉપયોગ કરી અપ્રમાણીત પણે કુપન ધારકોની ઇલેક્ટ્રોનિક સહિઓ, પાસવર્ડ કે ઓળખ-નિશાનીઓનો ઉપયોગ કરી, બીજી કોઇ વ્યક્તિઓને કોમ્યુનિકેતન ડિવાઇઝ, કોમ્પ્યુટર રિસોર્સના સાધનોનો ઉપયોગ કરી પરરૂપ ધારણ કરી ઠગાઇ કરી હતી. ઉક્ત ફરિયાદ અનુસંધાને તળાજા પોલીસે જરૂરી ચીજવસ્તુઓના અધિનિયમ ૩, ૭ તેમજ ધિ ઇન્ફર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ ૨૦૦૮ની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37gTuOg
via IFTTT

Comments