હર્ડ ઈમ્યુનીટી માટે આણંદ જિલ્લામાંથી 1800 જેટલા સેમ્પલ લેવામાં આવ્યાં


- આઈસીએમઆર દ્વારા હાથ ધરાયેલા સર્વે અંતર્ગત 

- સેમ્પલને પરીક્ષણ માટે અમદાવાદની લેબમાં મોકલાયા : રિપોર્ટ આવ્યાં બાદ પ્રમાણ જાણી શકાશે

આણંદ : કોરોનાની બીજી લહેર સમાપ્તિના આરે છે ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. આઈસીએમઆર દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વે અંતર્ગત આણંદ જિલ્લામાં કુલ ૧૮૦૦ વ્યક્તિઓના સેમ્પલ લઈ અમદાવાદની લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેના રીપોર્ટ આવ્યા બાદ જિલ્લામાં હર્ડ ઈમ્યુનીટીનું પ્રમાણ કેટલું છે તે અંગે જાણકારી મળશે.

ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ દ્વારા તાજેતરમાં વિવિધ રાજ્યોમાં સીરો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની કેટલી અસર થશે તે જાણવા માટે આણંદ જિલ્લામાં લોકોની ઈમ્યુનીટી તપાસવા સંદર્ભે કામગીરી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત જિલ્લાના ૫૦ જેટલા ગામોમાંથી ૧૮૦૦ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલ હાલ અમદાવાદની આઈસીએમઆરની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી.છારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર બાદ લોકોમાં એન્ટીબોડીઝ માપવા માટે આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ સેમ્પલ કલેક્શન હાથ ધરાયું હતું. જેમાં જિલ્લાના ૫૦ ગામોની પસંદગી કરાઈ હતી. જેમાં સૌપ્રથમ ૯૦૦ સેમ્પલ મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગતરોજ વધુ ૯૦૦ સેમ્પલ મોકલવામાં આવ્યા છે. 

આઈસીએમઆરના રીપોર્ટ બાદ જિલ્લામાં હર્ડ ઈમ્યુનીટીનું પ્રમાણ કેટલું છે તે અંગે જાણકારી પ્રાપ્ત થશે.

50 પૈકી એક ગામમાંથી 36 સેમ્પલ લેવાયા

ગત તા.૨૧ જૂનથી જિલ્લામાં કોરોના રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૪૫ ટકા રસીકરણની કામગીરી થઈ હોવાની માહિતી આપતા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર બાદ એન્ટીબોડીઝ માપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પસંદ કરાયેલ ૫૦ ગામો પૈકી એક ગામમાંથી ૩૬ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આમ, અલગ-અલગ બે સ્લોટમાં ૯૦૦-૯૦૦ મળી જિલ્લામાંથી કુલ ૧૮૦૦ સેમ્પલ કલેક્ટ કરાયા છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xfrs0v
via IFTTT

Comments