ચીનની ઉત્પાદન પ્રવૃત્તિનો વૃદ્ધિ દર 17 મહિનાની નીચી સપાટીએ


મુંબઈ : જુલાઈમાં ચીનની ઉત્પાદન પ્રવૃત્તિનો  વૃદ્ધિ દર છેલ્લા ૧૭ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. કાચા માલના ઊંચા ભાવ, ઈક્વિપમેન્ટ મેન્ટેનન્સ તથા પ્રતિકૂળ હવામાને વેપાર પ્રવૃત્તિઓ પર અસર કરી હતી. ઉત્પાદન પ્રવૃત્તિમાં ઘટાડાએ  વિશ્વના બીજા મોટા અર્થતંત્રમાં મંદી આવવાની પ્રવર્તતી ચિંતામાં વધારો કર્યો છે.

જુલાઈનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) નરમ પડી ૫૦.૪૦ રહ્યો છે જે જુનમાં ૫૦.૯૦ હતો, એમ ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિકસ દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવાયું હતું. ૫૦થી ઉપરના આંકને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે.

ફેબુ્રઆરી ૨૦૨૦માં ૩૫.૭૦ રહ્યા બાદ ચીનનો આ સૌથી નોચી પીએમઆઈ છે. કોરોનાવાઈરસના ફેલાવાને અટકાવવા ગયા વર્ષના પ્રારંભમાં ચીને લોકડાઉન જેવા પગલાં લેવા પડયા હતા. 

નવા ઓર્ડરનો સબ-ઈન્ડેકસ ૫૧.૫૦થી ઘટી ૫૦.૯૦ રહ્યો હતો, જે માગમાં મંદી હોવાના સંકેત આપે છે. નવા નિકાસ ઓર્ડરમાં ઘટાડો ચીન માટે સૌથી વધુ ચિંતાનો વિષય છે, એમ ચીનના એક વિશ્લેષકે તેના નિવેદનમાં જણાવ્યું હતું.

મે મહિનાથી ચીનના નિકાસ ઓર્ડરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈમાં નિકાસ ઓર્ડરનો સબ-ઈન્ડેકસ ૪૭.૭૦ રહ્યો હતો. 

કાચા માલ પાછળના ખર્ચ માટેનો સબ-ઈન્ડેકસ  જે જુનમાં ૬૧.૨૦ રહ્યો હતો તે જુલાઈમાં વધી  ૬૨.૯૦ રહ્યો હતો. જે કાચા માલ પાછળના ખર્ચમાં વધારો સૂચવે છે. કાચા માલના ઊંચા ખર્ચ ચીનની ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓના નફા પર અસર કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.  




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TJKo9K
via IFTTT

Comments