શેરબજારોનું મૂલ્યાંકન જોખમી સ્તરે :HSBC

મુંબઈ : માર્ચ ૨૦૨૦ની નીચી સપાટીએથી જોરદાર વધ્યા બાદ દેશના શેરબજારોનું મૂલ્યાંકન હવે જોખમી સ્તરે પહોંચી ગયું છે, એમ ૨૦૨૧ના પાછલા છ મહિના માટે એશિયન આઉટલુક પરની કોન્ફરન્સમાં એચએસબીસીએ જણાવ્યું છે. 

ભારતીય ઈક્વિટીઝ પર તેણે ન્યુટ્રલ રેટિંગ જાળવી રાખ્યું છે, પરંતુ દેશની આર્થિક રિકવરી ગતિ પકડવા સાથે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ  (એફડીઆઈ) પ્રવાહ વધવાની અપેક્ષા રાખવામાં આવી છે. એફડીઆઈમાં કોઈપણ ઘટાડો કામચલાઉ હશે. 

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા છેલ્લામાં છેલ્લા આર્થિક પેકેજ સાધારણ જ પોઝિટિવ છે. ભારતની આર્થિક  તંગ સ્થિતિને  ને ધ્યાનમાં રાખતા આ પેકેજ મોટું ન કહી શકાય. 

વેક્સિનેશનની ગતિને જોતા દેશમાં ૨૦૨૨ના પ્રથમ ૬ મહિનામાં હર્ડ ઈમ્યુનિટી આવી જવી જોઈએ એમ એચએસબીસી ખાતે એશિયન ઈકોનોમિક રિસર્ચના કો-હેડ ફ્રેડરિક ન્યમાન્ને જણાવ્યું હતું.

અર્થતંત્રને રિવાઈવ કરવા મોટાભાગની કેન્દ્રીય બેન્કોએ સાનુકૂળ નાણાં નીતિ જાળવી રાખતા ગયા નાણાં વર્ષમાં ઊભરતી બજારોમાં તંદૂરસ્ત પ્રવાહ જળવાઈ રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૧માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય મૂડી બજારમાં રૂપિયા ૨.૭૪ ટ્રિલિયનની રકમ ઠાલવી હતી જે નાણાં વર્ષ ૨૦૧૩માં ઠલવાયેલા રૂપિયા ૧.૪૦ ટ્રિલિયન  બાદ સૌથી વધુ હતી.

રોકાણકારો ભારતને ચીનના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે એમ એચએસબીસી ખાતે એશિયા પેસિફિક માટે ઈક્વિટી સ્ટ્રેટેજીના વડા હેરાલ્ડ વાન દર લિંડેએ જણાવ્યું હતું. જો કે ભારતીય શેરબજારોનું મૂલ્યાંકન હાલમાં ખર્ચાળ જણાઈ રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેર ભારત માટે હજુપણ જોખમી રહેલી છે. 




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ybedyL
via IFTTT

Comments