GSTના અમલને ચાર વર્ષ પૂર્ણ : 1.3 કરોડ કરદાતા,66 કરોડથી વધુ રિટર્ન

નવી દિલ્હી : આવતીકાલે તા. ૧ જુલાઈના રોજ દેશમાં જીએસટીના (ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ) અમલને ચાર વર્ષ પૂર્ણ થશે. ગ. તા. ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ જીએસટીના અમલની શરૂઆત થઇ હતી. આ ચાર વર્ષમાં કાયદામાં સુધારા-વધારા સહિતના અન્ય નિર્ણય લેવા માટે જીએસટી કાઉન્સીલની ૪૪ બેઠક મળી હતી. આ સમય દરમિયાન ૬૬ કરોડથી વધુ રિટર્ન ફાઈલ થયા છે. તો લગભગ ૧.૩ કરોડ કરદાતાઓનું રજીસ્ટ્રેશન થયું છે.

જીએસટીમાં એકસાઇઝ ડયૂટી, સર્વિસ ટેક્સ, વેટ સહિત કુલ ૧૩ સેસનો સમાવેશ કરાયો છે. આમ જીએસટીના નેજા હેઠળ ૧૭ ટેક્સ સમાવાયા છે. જેના કારણે આ કાયદો ગ્રાહકો અને કરદાતાઓ માટે સરળ બની રહ્યો છે.

હાલ જે બિઝનેસનું ટર્નઓવર રૂ. ૪૦ લાખ છે (ગુડઝ માટે) તેને જીએસટીના દાયરામાંથી બહાર રખાયેલ છે. અગાઉ આ મર્યાદા ૨૦ લાખની હતી. જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૧.૫ કરોડ છે તેઓ કંપોઝિટ સ્કીમનો લાભ લઇ શકે છે અને તેમના પર માત્ર ૧ ટકા ટેક્સ (ગુડઝ પર) અમલી બને છે. સર્વિસ આધારિત બિઝનેસનું રૂ. ૨૦ લાખ સુધી ટર્ન ઓવર હોય તો તે તેને જીએસટીનાદાયરાથી બહાર રાખવામાં આવ્યા છે. સર્વિસ બિઝનેસમાં ૫૦ લાખ સુધીના ટર્નઓવર પર કંપોઝિટ સ્કીમ હેઠળ ૬ ટકા ટેક્સ ભરવો પડે છે.

ગત તા. ૧ જાન્યુઆરી ૨૦૨૧થી રૂ. ૫ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ત્રિમાસિક રિટર્ન અને માસિક ચૂકવણી યોજના (QRMP) અમલી બનાવાઈ હતી. જેમાં કરદાતા દર મહિનાની જગ્યાએ દર ત્રણ માસે રિટર્ન ભરી શકે છે. જો કે, દર મહિને કરતી ચૂકવણી કરવી પડે છે.

આ ઉપરાંત નાના કરદાતાઓને પડતી મુશ્કેલીનું નિરાકરણ આવે તે હેતુસર વાર્ષિક રિટર્ન સરળ બનાવાયું છે. તેમજ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં જેમનું ટર્નઓવર રૂ. ૨ કરોડ હતું તેમના માટે વૈકલ્પીક બનાવાયું છે.

આ ઉપરાંત રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા એસએમએસ થકી 'શૂન્ય' જીએસટી રિટર્ન યોજનાની શરૂઆત કરાઈ છે. આ યોજનાથી લગભગ ૨૨ લાખ શૂન્ય રિટર્ન ભરનાર કરદાતાઓને રાહત થશે. ગત વર્ષે અમલી બનેલ જીએસટી કંપોઝિશન યોજનામાં કરાયેલા સુધારાનો ૨૫ લાખ કરદાતાઓએ લાભ લીધો હતો.જીએસટીના અમલ બાદ અત્યાર સુધી જીએસટી કાઉન્સીલની ૪૪ બેઠક મળી છે, જેમાં દરમાં સુધારા વધારા સહિતના અન્ય નિર્ણય લેવાયા હતા.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3duDV9u
via IFTTT

Comments