સોનામાં ઝડપી ઘટાડો: ડોલર સામે રૂપિયામાં ઘટાડો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ  ઝવેરીબજારમાં આજે  સોનાના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચે ઉતર્યા હતા જ્યારે ચાંદીના ભાવ પણ આરંભમાં વધ્યા પછી નરમ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૭૭૭થી ૧૭૭૮ ડોલરવાળા ગબડી ૧૭૬૫થી ૧૭૬૬ ડોલર રહ્યાના સમાચાર હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ આજે ઔંશદીઠ ૨૬.૧૩થી ૨૬.૧૪ ડોલરવાળા ઘટી ૨૬ ડોલરની અંદર ઉતરી ૨૫.૮૨થી ૨૫.૮૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજાર ગબડતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઝવેરીબજારમાં સોના- ચાંદીના ભાવ આજે એકંદરે દબાણ હેઠળ રહ્યા હતા.

વિશ્વબજારમાં જૂન મહિનામાં સોનાના ભાવમાં આવેલો તીવ્ર કડાકો ચાર વર્ષનો સૌથી મોટો કડાકો વિશ્વબજારમાં મનાઈ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં આજે ડોલરનો ઈન્ડેક્સ ઉંચકાતા સોનામાં ફંડોની વેચવાલી વધી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૪૮૪૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૮૬૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૬૯૫૦૦ રહ્યા હતા.

 વિશ્વબજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૧૦૫થી ૧૧૦૬ ડોલરવાળા ઘટી ૧૧૦૦ ડોલરની અંદર ઉતરી ૧૦૮૧થી ૧૦૮૨ ડોલર રહ્યાના સમાચાર હતા. પેલેડીયમના ભાવ વિશ્વબજારમાં ૨૬૪૪થી ૨૬૪૫ ડોલરવાળા ઉંચામાં ૨૭૦૦ ડોલરની નજીક ૨૬૯૬થી ૨૬૯૭ ડોલર સુધી પહોંચ્યા પછી ભાવ ફરી તૂટી આજે ૨૬૭૧થી ૨૬૭૨ ડોલર બોલાઈ રહ્યા હતા.

વિશ્વબજારમાં આજે કોપરના ભાવ ૦.૨૫થી ૦.૩૦ ટકા ઘટતાં તેની અસર પણ ચાંદીના વૈશ્વિક ભાવ પર નેગેટીવ જોવા મળી હતી. જોકે ક્રૂડતેલના ભાવ વિશ્વબજારમાં ઘટયા પછી આજે સાંજે ફરી ઉંચકાતાં વૈશ્વિક સોનામાં તેના પગલે બજારને ઘટાડે ટેકો મળતો થયાનું પણ વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું.

ક્રૂડતેલના ભાવ આજે સાંજે વિશ્વબજારમાં અડધો ટકો પ્લસમાં રહ્યા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલદીઠ ૭૩.૨૫ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૫.૦૪ ડોલર બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૬૯૦૦ વાળા રૂ.૪૬૮૨૦ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૭૦૮૯ વાળા રૂ.૪૭૦૦૮ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૮૨૦૪ વાળા રૂ.૬૮૨૬૯ થયા પછી ભાવ ઝડપી ગબડી રૂ.૬૭૮૦૬ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં અમેરિકામાં બહાર પડનારા મેન્યુફેકચરીંગના ઈન્ડેક્સના ડેટા પર તથા જોબગ્રોથના ડેટા પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. 

આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટ વચ્ચે દિવસના અંતે ધીમા સુધારા સાથે બંધ રહ્યા હતા. આજે ડોલરના ભાવ રૂ.૭૪.૨૦ વાળા સવારે રૂ.૭૪.૨૭ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૭૪.૧૯ તથા ઉંચામાં રૂ.૭૪.૨૯  થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૭૪.૨૨ રહ્યા હતા. રૂપિયા સામે આજે ડોલરના ભાવ બે પૈસા વધ્યા હતા. 




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U7hvnQ
via IFTTT

Comments