- પોલીસ સ્ટેશનમાં બાળક માટે ઘોડીયા અને રમકડા મુકાયા છે : ધોરણ-૮ના વિદ્યાર્થી એવા મોટા પુત્રને પણ અહીં જ ભણાવે છે
સુરત : એક માં બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે આ વાતને સુરતની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ 4 મહિનાના બાળકને પોલીસ સ્ટેશન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે.
નોકરીયાત મહિલા માટે પરિવાર,બાળકો અને ફરજ વચ્ચે સંતુલન જાળવવુ મુશ્કેલ હોય છે. ત્યારે સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ અપેક્ષાબેન આ ત્રણેય ભૂમિકાને ન્યાય આપી રહ્યા છે. ખાખી પ્રત્યેનો પ્રેમ અને બાળકો પ્રત્યેનું કર્તવ્ય નિભાવવા માટે તેમજ ઘરે તેમની સારસંભાળ રાખનાર ન હોવાને કારણે તેઓ દરરોજ પોતાના બાળકોને લઈને પોલીસ સ્ટેશન આવે છે. તેમને 13 વર્ષ, 8 વર્ષ અને સાડા ચાર મહીનાના દીકરા છે. તેમના પતિ સિટી બસમાં ડ્રાઈવર છે.
કોરોનાના બીજા ફેઝમાં પણ તેઓ ત્રણે બાળકોને પોલીસ સ્ટેશન લાવી બન્ને ફરજ અદા કરતા હતા. ડ્યુટી દરમિયાન કોરોના સંક્રમિત પણ થયા હતા. પરંતુ 14 દિવસ બાદ ફરીથી ફરજ પર હાજર થઇ ગયા હતા.
મહિલા કોન્સ્ટેબલ અપેક્ષા કોટવાલે કહ્યું કે, મારે માટે ફરજ પ્રથમ સ્થાને છે અને હું મારા પિતાની જેમ સારી પોલીસ કર્મી બનવા માંગુ છું. પરંતુ સાથે સાથે બાળકોની સારસંભાળ પણ રાખવા તત્પર છું. પોલીસ ઈન્સ્પેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મને ખૂબ જ મદદ કરી છે એટલે જ બાળકોને પોલીસ સ્ટેશનમાં લાવવા શક્ય બન્યા છે.
પી.આઈ વી.યુ. ગરડીયાએ કહ્યું કે, ગર્ભાવસ્થાના 9 મહિના સુધી અપેક્ષાબેન ફરજ પર હાજર રહ્યા હતા. મારે તેમને રજા લેવા માટે કહેવુ પડ્યું હતું. ત્રીજા બાળકના સમયે મેટરનીટી લીવ આપવામાં આવતી નથી જેથી બાળકના જન્મના 28 દિવસમાં જ તેઓ ડ્યુટી પર હાજર થયા હતા. અમે તેમના બાળકોને પોલીસ મથકમાં પરિવારની જેમ વાતાવરણ મળી રહે તે માટે ઘોડીયા અને રમકડાની વ્યવસ્થા પણ કરી છે.પહેલા તેઓ પોલીસ સ્ટેશનના ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓએ ઘર નજીકના મથકમાં ટ્રાન્સફરની દરખાસ્ત મૂકી હતી જે માન્ય રખાય હતી. અહીં તેમને નાઈટ ડ્યુટી અપાતી નથી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jsRha3
via IFTTT
Comments
Post a Comment