વડોદરાઃ ધો.૧૦માં માસ પ્રમોશન આપવાના સરકારના નિર્ણયના કારણે હવે ધો.૧૧માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ધસારો વધી જશે.આ સંજોગોમાં વડોદરા શહેર-જિલ્લામાં ઓછામાં ઓછા ૧૫૦ વધારાના વર્ગોની જરુર પડશે તેવો અંદાજ ડીઈઓ કચેરી દ્વારા મુકવામાં આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે ધો.૧૧.માં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહના કુલ ૪૧૧ વર્ગો છે.સરકારે તાજેતરમાં બહાર પાડેલી ગાઈડ લાઈન પ્રમાણે સ્કૂલો દરેક વર્ગમાં ૭૫ વિદ્યાર્થીઓને સમાવી શકશે.તે પ્રમાણે ગણતરી કરવામાં આવે તો હાલમાં જેટલા વર્ગો છે તેમાં ૩૦૮૨૫ વિદ્યાર્થીઓને સમાવી શકાય તેમ છે.
તેની સામે ધો.૧૦માં હાલમાં અભ્યાસ કરતા ૪૭૧૯૨ વિદ્યાર્થીઓ માસ પ્રમોશનના કારણે ધો.૧૧માં પહોંચે તેવી શક્યતાઓ છે.વડોદરાના ઈન્ચાર્જ ડીઈઓ નવનીત મહેતાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, સ્કૂલોની હાલની જે ક્ષમતા છે તેની સામે બીજા ૧૬૩૬૭ વિદ્યાર્થીઓ પાસ થાય તેમ છે.આમ વધારેમાં વધારે બીજા ૨૧૭ વર્ગોની જરુરિયાત ઉભી થાય તેમ છે.આ પૈકીના ૧૦ થી ૧૫ ટકા વિદ્યાર્થીઓ પોલીટેકનિક કે આઈટીઆઈ અથવા બીજા ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ લે તો પણ ઓછામાં ઓછા ૧૫૦ જેટલા બીજા વર્ગોની જરુરિયાત ઉભી થાય તેવી શક્યતા છે.તેમનુ કહેવુ હતુ કે, એક વખત ધો.૧૦નુ પરિણામ જાહેર થાય તે પછી પ્રવેશ માટે આગળની રણનીતિ નકકી કરવામાં આવશે.એમ પણ સરકારે દરેક વર્ગમાં ૭૫ સુધી અને શક્ય હોય તો તેના કરતા પણ વધારે વિદ્યાર્થીઓને સમાવવા માટે મંજૂરી આપેલી છે.જોકે કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ વગર રહીં ના જાય તે પણ નિશ્ચિત કરવામાં આવશે.
ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં કેવી સ્થિતિ
ધો.૧૦ની હાલની સ્થિતિ
ગ્રાન્ટેડ સ્કૂલોના ૪૯૦ વર્ગોમાં ૨૯૬૫૮ વિદ્યાર્થીઓ
નોન ગ્રાન્ટેડ સ્કૂલોના ૩૯૬ વર્ગોમાં ૧૭૫૩૪ વિદ્યાર્થીઓ
ધો.૧૧ની હાલની સ્થિતિ
ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૨૧૨ વર્ગોમાં ૭૫ લેખે ૧૫૯૦૦ વિદ્યાર્થી સમાવી શકાશે
નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૧૯૯ વર્ગોમાં ૭૫ લેખે ૧૪૯૨૫ વિદ્યાર્થીઓ સમાવી શકાશે
મહત્તમ કેટલા વર્ગોની જરુર પડશે
ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૩૯૫ વર્ગો
નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૨૩૩ વર્ગો
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UaM4Jt
via IFTTT
Comments
Post a Comment