આયાતી પામતેલમાં ઈમ્પોર્ટ ડયુટી ઘટાડાતાં ભાવ તૂટયા

(ગુજરાત સમાચાર કાર્યાલેય) મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે આયાતી  પામતેલના ભાવમાં  ઘટાડો  જોવા મળ્યો હતો સરકારે ઈમ્પોર્ટ  ડયુટી  ઘટાડયાના  સમાચાર વચ્ચે બજારમાં   આજે વેચવાલી વધી હતી.   સામે નવી માંગ  ધીમી રહી હતી. ભારતમાં  આયાત જકાત  ઘટતાં મલેશિયામાં   પામતેલનો વાયદો   એક તબક્કે  વદી ૧૨૦થી ૧૨૫  પોઈન્ટ   પ્લસમાં  રહ્યા પછી   છેલ્લે ૪૪ પોઈન્ટ   પ્લસમાં રહ્યાના   સમાચાર મળ્યા   હતા.

મુંબઈ હાજર બજારમાં    આજે ૧૦ કિલોદીઠ ભાવ આયાતી    પામતેલના  ૧૧૬૦થી ૧૧૬૫  વાળા રૂ.૧૧૫૫ રહ્યા હતા.  જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ  કંડલાના  ભાવ રૂ.૧૦૫૫ વાળા  ગબડી રૂ.૧૦૧૫   બોલાતા થયા હતા.   વાયદા બજારમાં આજે  સાંજે સીપીઓનો વાયદો   રૂ.૧૪.૮૦ તૂટી  રૂ.૧૦૦૦ની  અંદર રૂ.૯૯૧ બોલાઈ રહ્યો હતો.  જ્યારે સોયાતેલનો વાયદો રૂ.૨૨.૫૦ તૂટી   રૂ.૧૨૨૫  રહ્યો હતો   એવું વાયદા બજારના  સૂત્રોએ જણાવ્યું   હતું. 

દરમિયાન દિલ્હીથી મળેલા સમાચાર મુજબ કેન્દ્ર સરકારે  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ  પરની ઈંમ્પોર્ટ ડયુટી   ૧૫ ટકાથી  ઘટાડી ૧૦ ટકા  કરી છે.    ડયુટીના   આ નવા દર   બુધવાર ૩૦મી જૂનથી  અમલમાં  આવ્યા છે  તથા ૩૦મી  સપ્ટેમ્બર સુધી   આ નવા દર  અમલમાં રહેશે   એવું  સરકારી  સૂત્રોએ જણાવ્યું હતું. 

દરમિયાન, આરબીડી પામ ઓઈલ,  આરબીડી પામોલીન,  આરબીડી પામ સ્ટેરીન  વિ. પરની   ઈંમ્પોર્ટ ડયુટી   પણ ૪૫ ટકાથી   ઘટાડી   સરકારે ૩૭.૫૦  ટકા કરી છે.  દરમિયાન,  આરબીડી  પામ તથા  પામોલીન  રિફાઈન્ડ  ઓઈલની   આયાત પરના  અંકુશો પણ સરકારે દૂર કર્યાની હવા આજે   સાંજે  બજારમાં ચગી હતી. આવા નિયંત્રણો ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધીના ગાળા માટે  દૂર કરાઈ  રહ્યાની  હવા બજારમાં  ચગી  હતી.

 સીપીઓ પરની  ઈંમ્પોર્ટ  ડયુટીમાં  ઘટાડાના પગલે  ટનદીઠ આશરે  ૫૫થી ૬૦ ડોલરનો  ઘટાડો  થશે  જે રૂપિયાના  સંદર્ભમાં  રૂ.૪૬૦૦થી  ૫૦૦૦નો ઘટાડો   ગણાય છે.  જોકે   ભારતમાં  ડયુટી ઘટતાં  વિશ્વ બજારમાં  ભાવ  ઉછળતાં  આ ગણતરીમાં ફેરફારો  પણ થતા રહેશે  એવું બજારના   જાણકારોએ જણાવ્યું હતું. 

 ડયુટી ઘટતાં  સરકારને  મહેસુલી આવકમાં ઘટાડો   થશે જ્યારે વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે વપરાશકારોને  ડયુટીમાં  ઘટાડાથી કોઈ  નોંધપાત્ર  રાહત થશે નહીં  એવું સોલવન્ટ   એક્સ્ટ્રેક્ટર્સ  એસોસીયેશનના  સૂત્રોએ જણાવ્યું   હતું. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hhHlgO
via IFTTT

Comments