આત્મનિર્ભર બની આજે બહેનોને વિનામૂલ્યે સ્વાદિષ્ટ વાનગી બનાવતા શીખવે છે

ચાંદખેડા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા નેહા રાજપૂત ત્રણ સંતાનોની માતા છે. પતિ કડિયાકામ કરે છે. તેઓ પોતે બીજાના ઘરે ઘરકામ કરવા જતા હતા. કડિયાકામમાં એક દિવસ કામ મળે તો બે દિવસ કામ ન મળે એવી સ્થિતિ હતી. પતિ-પત્ની બંનેની કમાણીથી ઘરનું ભાડું અને બે ટંક જમી શકાય એટલું પણ ભેગું થતું નહોતું, એમાં ત્રણ નાના બાળકો. બાળકોને શું ના જોઇએ? આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા નેહાબહેને કમરકસી. સાત ચોપડી ભણેલાં મહેનતું નેહાબહેન આજથી ચાર વર્ષ પહેલાં સેવાના કમલા કાફેમાં જોડાયા. 

નેહાબહેન કહે છે, 'શરૂઆતમાં હું સેવામાં હેલ્પર તરીકે કામ કરતી. ધીરેધીરે વિવિધ પ્રકારની ટ્રેનિંગ લઇને ગરમ અને સૂકા નાસ્તા બનાવતા શીખી. હવે તો કોઇપણ વસ્તુ કોઇની પણ મદદ વગર જાતે બનાવી શકું છું. જેમને ગરમ કે સૂકા નાસ્તા બનાવતાં શીખવું હોય તેને ફ્રીમાં શીખવું છું. થોડા સમય પહેલાં લદ્દાખથી 30 બહેનોનું ગૃપ સેવામાં ઘઉંના લાડુ તથા અન્ય ગરમ અને સૂકા નાસ્તા શીખવા આવ્યું હતું. એમને ટ્રેનિંગ આપી હતી. લૉકડાઉનમાં પીપીઇ કિટ પહેરીને અમે અમારું કામ અવિરત પણે ચાલુ રાખ્યું છે, જેથી કોઇને તકલીફ ન પડે.' 

સેવામાં જોડાયા બાદ પોતાના વ્યક્તિત્વમાં આવેલાં પરિવર્તન અંગે નેહાબહેન કહે છે,' હું પહેલાં ડરપોક અને શરમાળ હતી. કોઇની સાથે વાત કરી શકતી નહીં. બીજાની વાત તો દૂર મારા પતિ સાથે વાત કરવામાં પણ ડરતી હતી. અહીં આવ્યાં પછી મારી હિમ્મત ખુલતી ગઇ, આત્મવિશ્વાસ વધતો ગયો અને હું કંઇક કરી શકું છું એવો વિશ્વાસ બંધાયો. મારી રહેણીકરણીમાં પરિવર્તન આવ્યું. પહેલાં કરતાં અમારું જીવન ધોરણ સુધર્યું છે. હજુ આગળ ઘણું બધું કરવું છે.'




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h6iqhy
via IFTTT

Comments