ધો.૧૧ના સામાન્ય પ્રવાહમાં ૬૦ જેટલી સ્કૂલોમાં પ્રવેશની સમસ્યા સર્જાશે

વડોદરાઃ રાજ્ય સરકારે જાહેર કરેલી માસ પ્રમોશનની નીતિ પ્રમાણે ધો.૧૦નુ પરિણામ જાહેર થઈ ગયુ છે અને પહેલી વખત વડોદરાની તમામ સ્કૂલોનુ પરિણામ  ૧૦૦ ટકા જાહેર થયુ છે.હવે શાળા સંચાલકોને મૂંઝવતો પ્રશ્ન એ છે કે, ધો.૧૧માં પ્રવેશની કામગીરી કેવી રીતે થશે.

ખાસ કરીને એવી  સ્કૂલો કે જ્યાં ધો.૧૦માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૦ કરતા વધારે છે તેમને પ્રવેશ આપવામાં તકલીફ પડે તેમ લાગી રહ્યુ છે.વડોદરા શહેર આચાર્ય સંઘના પ્રમુખ અને ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્ય હેતલભાઈ પટેલનુ કહેવુ છે કે, વડોદરા શહેરમાં લગભગ ૬૦ સ્કૂલો એવી છે જ્યાં સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે દરેક વર્ગમાં ૭૫ વિદ્યાર્થીઓને સમાવ્યા પછી પણ પ્રવેશની સમસ્યા ઉભી રહેશે અને ખાસ કરીને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલોમાં પ્રવેશની મારામારી સર્જાશે.

તેમનુ કહેવુ છે કે, ડીઈઓ કચેરીએ તો ૭૫ કરતા વધારે વિદ્યાર્થીઓ સમાવવા માટે છુટ આપેલી જ છે પણ બધી સ્કૂલો પાસે એટલા મોટા ક્લાસરુમ હોતા નથી.વધારાનો વર્ગ ઉભો કરવા માટે શિક્ષણ બોર્ડની મંજૂરી પણ લેવી પડશે.જ્યારે બોર્ડ દ્વારા ધો.૧૧ના વર્ગ વધારા માટે હજી નોન ગ્રાન્ટેડ સ્કૂલો પાસે જ અરજીઓ મંગાવવામાં આવી છે.ગ્રાન્ટેડ સ્કૂલો પાસે અરજીઓ મંગાવવાની કાર્યવાહી હજી શરુ કરવામાં આવી નથી.ખાસ કરીને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે એટલે ધો.૧૧ના સામાન્ય પ્રવાહમાં ગ્રાન્ટેડ સ્કૂલોને શિક્ષણ બોર્ડ દ્વારા વહેલી તકે વર્ગ વધારાની મંજૂરી આપવામાં આવે તે જરુરી છે.નહીંતર વિદ્યાર્થીઓને પ્રવેશ વગર રહેવુ પડશે અથવા તો નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશ લેવાનો વારો આવશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3y8pteZ
via IFTTT

Comments