ચારધામ યાત્રા શરૂ કરવાના સરકારના નિર્ણય સામે કોર્ટનો સ્ટે


ઉત્તરાખંડ હાઇકોર્ટે ચારધામમાં થનારી પૂજા અર્ચનાનું જીવંત પ્રસારણ કરવા કહ્યું

નૈનિતાલ : ઉત્તરાખંડ હાઇકોર્ટે 1 જુલાઇથી ચારધામ યાત્રા શરૂ કરવાના ઉત્તરાખંડ સરકારના નિર્ણય પર બ્રેક લગાવી છે. કોર્ટે સરકારને, ચારધામમાં કરાનારી પૂજા-અર્ચનાનું જીવંત પ્રસારણ કરવા માટે સૂચના આપી છે. 

કોરોના મહામારી દરમિયાન આરોગ્ય સંભાળસંબંધી અવ્યવસ્થા અને ચારધામ યાત્રા તૈયારીઓના મુદ્દે જનહિતાર્થે દાખલ કરાયેલી અરજી-મુદ્દે ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આર.એસ. ચૌહાણ અને ન્યાયાધીશ આલોકકુમાર વર્માની ખંડપીઠમાં સુનાવણી થઇ, જે દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ ઓમપ્રકાશ તથા અન્ય અધિકારી કોર્ટમાં વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા. 

સરકારે ચારધામ યાત્રાના મુદ્દે જારી એસઓપીને સોગંદનામાની સાથે રજૂ કર્યું, જેનો, હરિદ્વાર મહાકુંભની એસઓપીની નકલ હોવાનું જણાવાઇને અસ્વીકાર કરાયો. કોર્ટે જણાવ્યું કે એસઓપીમાં હરિદ્વાર જિલ્લામાં પોલીસ બંદોબસ્તનો ઉલ્લેખ કરાયો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર યાત્રાની તૈયારીઓ બાબતે કેટલી ગંભીર છે.

સરકારે પૂજારીઓ અને પુરોહિતોના વિરોધનો ઉલ્લેખ કરતા કોર્ટે જણાવ્યું કે એને ધાર્મિક ભાવનાઓનો પૂરો ખ્યાલ છે. સરકારે દલીલ કરી કે ચારધામમાં થનારી પૂજા-અર્ચનાના જીવંત પ્રસારણને શાસ્ત્રોમાં સંમતિ આપવામાં આવી નથી ત્યારે કોર્ટે જવાબમાં કહ્યું કે જ્યારે ધાર્મિક ગ્રંથો લખાયા ત્યારે ટેકનિકો નહોતી. જગન્નાથ યાત્રા સુધ્ધાંનું જીવંત પ્રસારણ કરાય છે. 

પૂજારીઓ અને પુરોહિતોના હિતોના બદલે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ સામે હજારો લોકોની જિંદગીની સુરક્ષા વધુ અગત્યની છે. સરકારે વ્યાપક હિત જોવું જોઇએ, એમ કોર્ટે નોંધ્યું. અરજદારોના ધારાશાસ્ત્રીએ કહ્યું કે હાઇકોર્ટે 25 જુલાઇએ ચારધામ યાત્રા શરૂ કરવાના સરકારના નિર્ણયને અટકાવી દીધો છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jnqs6V
via IFTTT

Comments