ભાગીદાર દેશો સાથે મુકત વેપાર કરારના પગલે નિકાસમાં વધારો થશે

મુંબઈ : ભારતના મુખ્ય વેપાર ભાગીદાર દેશો જેમ કે અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે સાથે મુકત વેપાર કરાર ભારતની નિકાસમાં વધારો કરાવશે એટલું જ નહીં દેશમાં વધુ વિદેશી રોકાણને આકર્ષવામાં મદદરૂપ થઈ શકશે એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટસ ઓર્ગેનાઈઝેશન (ફીઓ) દ્વારા વિશ્વાસ વ્યકત કરાયો હતો.

વિયેતનામ જેવા ટચૂકડા દેશમાં જંગી વિદેશી રોકાણમાં જોવા મળેલા વધારા પાછળનું એક કારણ તેણે વિશ્વના કેટલાક દેશો સાથે કરેલા મુકત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટસ - એફટીએ) રહેલું છે. 

ભારત સરકાર એકસાથે અનેક દેશો સાથે ચર્ચા કરી રહી છે, તે એક સારી વાત છે અને આ વાટાઘાટોમાં ઉદ્યોગો હકારાત્મક ભૂમિકા ભજવશે  એમ અમને વિશ્વાસ હોવાનું ફીઓના નવા પ્રમુખ એ. શક્તિવેલે જણાવ્યું હતું. 

૨૦૨૧ના અંત સુધીમાં ભારત યુકે તથા યુરોપના દેશો સાથે વિધિસરની વાટાઘાટો શરૂ કરશે તેવી શકયતા છે. ઓસ્ટ્રેલિયા તથા કેનેડા જેવા દેશો સાથે પણ અટકી પડેલી વેપાર વાટાઘાટ ફરી શરૂ કરવા પર ભારત ધ્યાન આપશે.

વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનો ૪૦૦ અબજ ડોલરનો નિકાસ ટાર્ગેટ મહત્વાકાંક્ષી જણાય છે, પરંતુ તેને સિદ્ધ કરવા આક્રમક માર્કેટિંગ સ્ટ્રેટેજી જરૂરી છે એટલું જ નહીં નવી બજારો પણ શોધવાની રહેશે. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં ભારતની માલસામાનની નિકાસ ૨૦૧૯ના એપ્રિલ-મેની સરખામણીએ ૧૨ ટકા વધી ૬૨.૯૦ અબજ ડોલર રહી હતી.

 આગામી પાંચ વર્ષમાં નિકાસ આંક ૧ ટ્રિલિયન ડોલર પર પહોંચાડવા માર્કેટિંગ પાછળ વાર્ષિક રૂપિયા ૧૦૦૦ કરોડના ભંડોળ સાથેની સ્કીમ ખૂલી મૂકવા તેમણે સરકારને અનુરોધ કર્યો છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w7kQ3o
via IFTTT

Comments