વર્તમાન વર્ષની ઊંચી સપાટીએથી કઠોળમાં વીસ ટકા જેટલો ઘટાડો


એપ્રિલમાં જોવાયેલી ઊંચી સપાટી બાદ ચણાના ભાવ હાલમાં વીસ ટકા જેટલા ઘટી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૦૦૦થી નીચે ચાલી ગયા છે. માગમાં ઘટાડાને કારણે ભાવ પર અસર પડી છે. કોરોનાની બીજી લહેર ઉપરાંત નાફેડ દ્વારા સ્ટોકસ ઠલવાતા ચણાના ભાવ પર દબાણ આવ્યું હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત સરકારે ઓપન જનરલ લાયસન્સ હેઠળ આયાત ખુલ્લી મૂકતા અડદના ભાવ પણ મેના બીજા પખવાડિયાથી ઘટી રહ્યા છે.  અડદના ભાવ પ્રતિ ક્વિન્ટલ  રૂપિયા ૧૨૦૦ જેટલા ઘટી રૂપિયા ૬૭૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે. 

ચણાના હાજર ભાવ  પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૧૦૦ના ટેકાના ભાવની સપાટીએથી પણ નીચે સરકી ગયા છે અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનના વિવિધ મંડીઓમાં ભાવ રૂપિયા ૪૬૦૦થી રૂપિયા ૪૯૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે.

કોરોનાને કારણે માગમાં ઘટાડો ઉપરાંત ટ્રેડરો પાસે પડેલા સ્ટોકસ સંદર્ભમાં સરકારની પૂછપરછને કારણે વેપાર સમુદાયમાં ગભરાટ પ્રવર્તી રહ્યો છે એમ ઈન્ડિયન પલ્સિસ એન્ડ ગ્રેઈન્સ એસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.

નાફેડે સ્થાનિક બજારોમાં ચણા વેચવાનું શરૂ કરી દીધું છે, તેને કારણે બજારમાં પૂરવઠો વધતા ભાવ ઘટી ગયા છે. તુવેર તથા મગના ભાવ પણ તાજેતરના સમયમાં નબળા પડયા છે. 

કોરોનાની બીજી લહેરને કારણે વિવિધ રાજ્યોમાં બજારો ખૂલી રાખવા પર નિયમન ઉપરાંત લગ્ન સહિત અન્ય સમારંભો પર નિયંત્રણોની કઠોળની માગ પર અસર પડી છે, એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dwycjh
via IFTTT

Comments