જેઠી પૂનમે ભગવાન બીમાર હોય છે , એકાંતમાં રાખીને સાત્વિક ભોજન અપાય છે

- મંગળા આરતી પહેલા ખીચડી,મગની દાળના લાડુ તેમજ તુલસીના પાન તજ,લવિંગ,લીંબુ,લીમડાનો રસ બનાવી ત્રણ વાર ધરાવાય છે 

સુરત : અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. જોકે તેના 15 દિવસ પહેલા ભગવાનને એકાંતમાં રાખવાની એક કથા પ્રચલિત છે. આ દિવસોમાં તેઓ બિમાર હોવાથી તેમને અલગ અલગ ભોગને બદલે પતલી ખીચડી અને ઔષધિ આપવામાં આવે છે. 

રથયાત્રા પહેલાના પંદર દિવસ ભગવાન બિમાર હોવાની એક કથા એવી છે કે જેઠ માસની પૂનમના દિવસે ભગવાને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને તે દિવસે ખૂબ જ ગરમી હોવાને કારણે ભગવાનને તાવ આવે છે. જેથી તેમને એકાંતમાં રાખવામાં આવે છે. કોરોનાકાળમાં જે રીતે દર્દીના ભોજનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તેવી જ રીતે આ સમયે ભગવાનના ભોજનને પણ સાત્વિક કરી દેવાય છે. તેમને મગની દાળની પતલી ખીચડી અને ઉકાળો આપવામાં આવે છે. મંગળા આરતી પહેલા સાબુદાણાની ખીચડી,તુલસીના પાન અને તજ,લવિંગ,લીંબુ,લીમડો અને તુલસીના પાનનો રસ બનાવી ત્રણ વાર ધરાવવામાં આવે છે.

સુરત ઈસ્કોન મંદિરના સંચાલક સૂચિ સુત કુમાર દાસે કહ્યું કે, બિમારીના સમય દરમિયાન ભગવાન માતા લક્ષ્મી પાસે વ્રજવાસીઓ સાથે એક દિવસ વિતાવવા માટેની પરવાનગી માંગે છે. આ માટે તેઓ માતાને સાડી,અલંકારો અને મીઠાઈ આપીને મનાવવાનો પ્રયત્ન કરે છે અને માતા માની પણ જાય છે અને એક દિવસની પરવાનગી તેમને આપે છે. જેથી ભગવાન અષાઢી બીજને દિવસે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જ્યારે સ્વસ્થ થઈને નગરયાત્રા પર નીકળે છે ત્યારે એક દિવસ ને બદલે વધુ દિવસ પસાર કરી દે છે. ત્યારે લક્ષ્મીજી નારાજ થઈ ભગવાન જોડે ઝઘડો પણ કરે છે. તેમ છતાં નવ દિવસ ભગવાન પોતાના ભકતો જોડે પસાર કરી દે છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w1Xpss
via IFTTT

Comments