આયાતી પામતેલ માગ વધતાં ઉંચકાયું

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે  આયાતી પામતેલના ભાવ વધી આવ્યા હતા. વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા. પામતેલમાં આજે રિફાઈનરીઓમાં ડાયરેક્ટ ડિલીવરીમાં માગ પણ વધી હતી. પામતેલમાં ફોરવર્ડમાં આજે ૧૦થી ૨૦ જુલાઈ માટે ૧૦ કિલોના રૂ.૧૧૫૫માં આશરે ૭૦૦થી ૮૦૦ ટનના વેપાર થયા હતા અને ત્યારબાદ ભાવ રૂ.૧૧૬૦ બોલાતા થયા હતા. 

બજારમાં ચર્ચાતી વાતો મુજબ અન્ય એક રિફાઈનરીના વેપાર રૂ.૧૧૬૫માં પણ થયા હતા. જોકે આ નિર્દેશો માટે આધારભુત સમર્થનની રાહ બજારમાં જોવાઈ રહી હતી. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવ વધી રૂ.૧૧૬૦થી ૧૧૬૫ રહ્યા હતા જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૧૦૫૫ રહ્યા હતા.

વાયદા બજારમાં આજે સાંજે સીપીઓ જુલાઈના ભાવ રૂ.૮થી ૯ વધી રૂ.૧૦૧૯થી ૧૦૨૦ રહ્યા હતા જ્યારે સોયાતેલના જુલાઈ વાયદાના ભાવ રૂ.૧૫થી ૧૬ વધી રૂ.૧૨૪૯થી ૧૨૫૦ રહ્યા હતા. વિશ્વબજારમાં મલેશિયા ખાતે આજે પામતેલમાં વાયદાના ભાવ વિવિધ ડિલીવરીમાં વધી ૪૫, ૭૦, ૪૬ તથા ૨૦ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યા હતા.

દરમિયાન, ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ પરની લેવીમાં ઘટાડો કર્યાના સમાચાર હતા. જોકે તેની અસર મલેશિયાના બજાર પર વર્તાતી ન હતી કારણ કે ઈન્ડોનેશિયા કરતા હજી પણ મલેશિયામાં ઉઘરાવાતો નિકાસ ટેક્સ ઓછો રહ્યો હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. ઈન્ડોનેશિયામાં કોરોનાના કેસો ફરી વધતાં ત્યાં ૩૦મી જૂનથી લોકડાઉનની શરતો વધુ કડક બનાવવા સરકારે નિર્ણય કર્યાના પણ સમાચાર આજે મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે સિંગતેલના ભાવ ઘટતા અટકી ૧૦ કિલોના રૂ.૧૩૬૦ના મથાળે અથડાતા રહ્યા હતા. કપાસીયા તેલના ભાવ રૂ.૧૩૫૫ તથા મસ્ટર્ડના ભાવ રૂ.૧૩૯૦ અને રિફાઈન્ડના રૂ.૧૪૨૦ રહ્યા હતા.

ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ ઘટતા અટકી રૂ.૧૩૨૫ તથા ૧૫  કિલોના ભાવ રૂ.૨૧૦૦થી ૨૧૨૦ના મથાળે  સ્થિર થવા મથી રહ્યા હતા જ્યારે કોટન વોશ્ડના ભાવ વધુ ઘટી આજે મથકોએ ૧૨૭૫થી ૧૨૮૩ રહ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૧૨૩૫ તથા રિફાઈન્ડના રૂ.૧૨૮૫ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ આજે રૂ.૧૨૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૫૦ બોલાઈ રહ્યા હતા.

સોયાબીનની આવકો આજે  રાજસ્થાન ખાતે આઠ હજાર ગુણી આવી હતી તથા ઓલ ઈન્ડિયા આવકો આશરે ૧ લાખ ૪૦ હજાર ગુણી આવ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોદીઠ  રૂ.ત્રણ ઘટી જાતવાર ભાવ રૂ.૧૦૭૫થી ૧૦૯૫ રહ્યા હતા જ્યારે હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૫ ઘટી રૂ.૫૨૭૫ રહ્યા હતા.

જોકે એરંડા વાયદા બજારમાં આજે સાંજે જુલાઈ વાયદાના ભાવ રૂ.૨૬ વધી રૂ.૫૧૦૦ની સપાટી વટાવી ભાવ રૂ.૫૧૦૬ આસપાસ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ટનદીઠ ભાવ સનફલાવર ખોળના રૂ.૪૦૦થી ૫૦૦ વધ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ રૂ.૯૦૦થી ૧૦૦૦ ઉછળી ફરી રૂ.૬૪ હજારની સપાટી વટાવી ભાવ રૂ.૬૪૬૯૦થી ૬૪૭૦૦ આસપાસ બોલાતા થયા હતા.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TdsZ9o
via IFTTT

Comments