નવું આર્થિક પેકેજ વિકાસને ગતિ આપવા અપૂરતું

મુંબઈ : કોરોનાની મહામારીથી અસર પામેલા નાના તથા મધ્યમ વેપારગૃહો તથા ટૂરિઝમ ક્ષેત્રને રાહત પૂરી પાડવા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરેલી ૩૫ અબજ ડોલરની વધારાની ગેરન્ટી સ્કીમ દેશના આર્થિક વિકાસ દરને ગતિ આપવા માટે પૂરતી નહીં હોવાનો વિશ્લેષકો માની રહ્યા છે.

આ નવા પેકેજથી કામચલાઉ રાહત મળી શકશે  અને આર્થિક વિકાસ દરને ગતિમાન કરવા માટે તે પૂરતા નથી એવો મત પ્રવર્તી રહ્યો છે. ગઈકાલે કરેલી જાહેરાત પ્રમાણે હેલ્થ, ટૂરિઝમ તથા નાના વેપારગૃહોને રૂપિયા ૧.૧૦ ટ્રિલિયનની લોન ગેરન્ટી પૂરી પડાશે.

અગાઉની લોન્સ ગેરન્ટી સ્કીમ જે રૂપિયા ૩ ટ્રિલિયનની હતી તે વધારી સરકારે તેને રૂપિયા ૪.૫૦ ટ્રિલિયન કરી છે. 

વિક્સિત દેશો જ્યાં વ્યક્તિઓ માટે રાહત પેકેજો પૂરા પાડવામાં આવી રહ્યા છે ત્યારે ભારતમાં સરકાર માળખાકીય ક્ષેત્રમાં વધુ નાણાં ઠાલવી રહી છે અને બેન્ક લોન્સ પર ગેરન્ટી પૂરી પાડી રહી છે. મોટા ભાગની રાહત લોન ગેરન્ટીના સ્વરૂપમાં છે અને નહીં કે સીધી નાણાંકીય રાહત એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

અત્યારસુધીના દરેક સ્ટીમ્યુલ્સ આવશ્યકતા કરતા નીચા છે. નવા પગલાંથી સરકાર પર રૂપિયા ૦.૬૦ ટ્રિલિયનનો બોજ આવશે. આ નવા પેકેજની સફળતા ધિરાણ ઉપાડ કેવો રહે છે તેના પર રહેશે એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

માગમાં વધારો કરવો હશે તો પેટ્રોલ-ડીઝલ પરના ટેકસમાં ઘટાડો કરવા ઉપરાતં ગરીબોના હાથમાં વધુ રોકડ પૂરી પાડવાની રહેશે. ઉપભોગતાઓના  વિશ્વાસમાં વધારો કરવાનો રહેશે જેથી માગમાં વધારો થઈ શકે એમ તેમણે ઉમેર્યું હતું. 

ટૂરિઝમ ઉદ્યોગને ગતિ આપવા પાંચ લાખ ટૂરિસ્ટ વિઝા નિ:શુલ્ક પૂરા પાડવાનું ધોરણ ૨૦૨૩-૨૪ સુધી લંબાવવું જોઈએ એમ ટૂરિઝમ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. ફરજિયાત જવાબદારીઓમાંથી મુક્તિ અપાવી જોઈએ તેવી પણ ઉદ્યોગની અપેક્ષા છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35XmAlo
via IFTTT

Comments