યુએસ સ્પેલિંગ બી સ્પર્ધાના અંતિમ ૧૧ સ્પર્ધકોમાં ૯ ભારતીયો


(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૨૯

ચાલુ વર્ષની યુએસ સ્પેલિંગ બી સ્પર્ધાના અંતિમ ૧૧ સ્પર્ધકોંમાં ૯ ભારતીય મૂળના અમેરિકનો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૦ વર્ષથી આ સ્પર્ધામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ રહ્યું છે. 

સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી ફાઇનલની ૮ જુલાઇના રોજ ફાઇનલ સ્પર્ધા યોજાશે. જેમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓ ભાગ લેશે જેમાંથી ૯ ભારતીય મૂળના અમેરિકન હશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની કુલ વસ્તીમાં ભારતીયોની વસ્તી ૧ ટકાથી પણ હોવા છતાં છેલ્લા ૨૦ વર્ષથી આ સ્પર્ધામાં ભારતીયોનું પ્રભુત્ત્વ રહ્યું છે. 

અંતિમ ૧૧માં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓમાં ૧૨ વર્ષીય રોય સેલિગમેન, ૧૩ વર્ષીય ભાવના મેડિની, ૧૪ વર્ષીય શ્રીનાથ ગજુલા, ૧૪ વર્ષીય અશ્રિતા ગંધારી, ૧૩ વર્ષીય અવની જોશી, ૧૪ વર્ષીય ઝૈલા એવન્ત, ૧૦ વર્ષીય વિવિન્શા વેદુરુ, ૧૨ વર્ષીય ધુ્રવ ભરતિયા, ૧૨ વર્ષીય વિહાન સિબલ, ૧૩ વર્ષીય અકશૈની કમ્મા, ૧૨ વર્ષીય ચૈત્ર થુમુમલાનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ મહામારીને કારણે આ સ્પર્ધા ૨૦૨૦માં રદ કરવામાં આવી હતી. જો કે ૨૦૧૯માં આ સ્પર્ધામાં આઠ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાંથી સાત ભારતીય મૂળના અમેરિકનો હતાં. આ સાથે જ ૧૯૯૯થી અત્યાર સુધીમાં ભારતીય મૂળના અમેરિકન વિજેતાઓની સંખ્યા વધીને ૨૬ થઇ ગઇ છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qzMC7w
via IFTTT

Comments