કેટલીક સ્ટીલ પ્રોડકટસ પરની એન્ટી ડમ્પિંગ ડયૂટી વધુ 6 મહિના લંબાવાઈ

નવી દિલ્હી : કેટલાક પ્રકારના સ્ટીલ પ્રોડકટસ પરની એન્ટી ડમ્પિંગ ડયૂટીને સરકારે વધુ ૬ મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ચીન, જાપાન તથા કોરિઆ ખાતેથી આયાત થતાં આ સસ્તા પ્રોડકટસ પરની એન્ટી ડમ્પિંગ ડયૂટી વર્તમાન વર્ષના ૧૫ ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે.

ઘરેલું ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવાના હેતુ સાથે  આ નિર્ણય આવી પડયો છે. રેવેન્યુ વિભાગ દ્વારા જારી કરાયેલા બે અલગઅલગ નોટિફિકેશન્સ પ્રમાણે, ચીન, જાપાન, કોરિઆ, રશિયા તથા બ્રાઝિલ ખાતેથી આયાત થતાં એલોય તથા નોન-એલોય સ્ટીલના હોટ રોલ્ડ પ્રોડકટસ તથા ચીન, જાપાન અને કોરિઆ ખાતેથી આયાત થતાં એલોય તથા નોન-એલોય સ્ટીલના કોલ્ડ રોલ્ડ પ્રોડકટસ  પરની ડયૂટીસનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.

વાણિજ્ય મંત્રાલયની તપાસ શાખા ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસે આ પ્રોડકટસ પરની ડયૂટી લંબાવવા ભલામણ કરી છે. આ ડયૂટીસ ૨૦૧૬ના ઓગસ્ટમાં પાંચ વર્ષ માટે લાગુ કરાઈ હતી.

આ ઉપરાંત ટાયર કયોરિંગ પ્રેસિસ પરની ડયૂટીનો સમયગાળો પણ ૩૦ નવેમ્બર ૨૦૨૧ સુધી લંબાવાયો છે. ચીન ખાતેથી આયાત કરાતા પ્રેસ પર આ ડયૂટી વસૂલવામાં આવે છે. 

લેવાયેલા અન્ય એક નિર્ણયમાં ચીન ખાતેથી આયાત થતી ગ્લેઝડ/અનગ્લેઝડ પોરસેલિન/વિટ્રીફાઈડ ટાઈલ્સ પરની ડયૂટી પણ ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. 




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hfz8tm
via IFTTT

Comments