પાલડી વિસ્તારમાં રહેતા અને સીએના વ્યવસાય સાથે જોડાયેલા ફેનિલ શાહને અવનવા પુસ્તકો વાંચવાનો શોખ છે સાથે બીજા લોકો પણ પુસ્તક વાંચતા થાય તે માટે છેલ્લાં પાંચ વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જોડીને વાચકને મનગમતા પુસ્તક વિનામૂલ્યે આપીને તેમને પુસ્તક સાથે જોડવાનું કામ કરે છે. આ વિશે ફેનિલ શાહે વાત કરતાં કહ્યું કે, બાળપણમાં મને મારી મમ્મી પુસ્તક મેળામાં લઇ જતી હતી જેનાથી ઘણો ફરવાની સાથે વિવિધ પુસ્તકોનો ખજાનો જોવા મળતો હતો.
પુસ્તકો જોઇને મને નવાઇ લાગતી હતી કે કોઇ લેખકના ઘણા પરિશ્રમ પછી આપણને આ પુસ્તક વાંચવા મળે છે જેનાથી મને વાંચન પ્રત્યેનો પ્રેમ જાગ્યો હતો. સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે હું લાઇબ્રેરીમાં જઇને અવનવા પુસ્તકોને જોઇને ખુશ થતો અને વાંચન પણ કરતો હતો. નિયમિત રીતે મનગમતા પુસ્તકનું વાંચન કરવું તે મારો નિત્યક્રમ બની ગયો હતો જે આજે પણ ચાલું છે. પુસ્તક મારા જીવનનું અભિન્ન અંગ છે માટે વાંચન કર્યા પછી જ હું આરામ કરું છું. વ્યકિતની માનસિક હતાશાને દૂર કરવામાં પુસ્તક મહત્વનો ભાગ ભજવે છે. પુસ્તક મારો પરમ મિત્ર છે માટે મારી ઓફિસમાં જ પુસ્તક લાઇબ્રેરી તૈયારી કરી છે અને તેમાં 800થી વધુ પુસ્તકો છે.
પુસ્તકોમાં સાહિત્ય, નોવેલ, જીવનચરિત્ર, પ્રસંગોપાત, કાવ્યાત્મક, આધ્યાત્મિકતા, મોટિવેશનલ સહિતના પુસ્તકો આ લાઇબ્રેરીમાં જોવા મળે છે. પુસ્તકોની ખરીદી માટે અત્યાર સુધીમાં 6 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથેે બીજા લોકોને પણ પુસ્તક વાંચન પ્રત્યે જોડવા માટેનું કાર્ય કર્યું છે અને જેનાથી ઘણા લોકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાંથી પસંદગીના પુસ્તકો વાંચન કરવા માટે લઇ જાય છે.
લૉકડાઉનમાં રાજસ્થાનમાં પુસ્તકો આપ્યા હતા
કોરોનાના સમયમાં આપવામાં આવેલા લૉકડાઉનના લીધે લોકો ઘરે જ હતા ત્યારે અમે રાજસ્થાનમાં તેમના મનગમતા પુસ્તકો આપીને તેમને વાંચન પ્રત્યે જોડવાનું કામ કર્યું હતું. એક પુસ્તકનું વાંચન વ્યકિતને નવા વિચારો આપવાનું કામ કરે છે જેનાથી વ્યકિત પોતાના પરિવારની સાથે સમાજને માટે પોતાનું યોગદાન આપી શકી છે. એક પુસ્તક વ્યકિતના પરિવારમાં પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે જેનાથી આ કાર્ય શરૂ કર્યું છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3A6P5e8
via IFTTT
Comments
Post a Comment