મુંબઈ : ધિરાણ વૃદ્ધિમાં ઝડપના ટેકા સાથે દેશની ખાનગી ક્ષેત્રની બેન્કોનો હિસ્સો ગયા નાણાં વર્ષમાં કુલ ધિરાણમાં વધી ૩૬.૫૦ ટકા રહ્યો હતો. ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષમાં આ હિસ્સો ૩૫.૪૦ ટકા હતો એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી બેન્કોના ધિરાણ હિસ્સામાં ૧૨ ટકા જેટલો વધારો થયો છે.
અન્ય બેન્કોની સરખામણીએ ખાનગી ક્ષેત્રની બેન્કોની લોન વૃદ્ધિ ઊંચી જોવા મળી રહી છે. પાંચ વર્ષ અગાઉ તેમનો હિસ્સો કુલ ધિરાણમાં ૨૪.૮૦ ટકા રહ્યો હતો.
ખાનગી ક્ષેત્રની બેન્કોની ધિરાણ વૃદ્ધિ ગયા નાણાં વર્ષમાં ૯.૧૦ ટકા રહી હતી. જ્યારે જાહેર ક્ષેત્રની બેન્કોમાં આ આંક ૩.૬૦ ટકા રહ્યો હતો. વિદેશી બેન્કો દ્વારા ધિરાણમાં ૩.૩૦ ટકા ઘટાડો થયો હતો જે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૭.૨૦ ટકાની વૃદ્ધિ જોવાઈ હતી.
દેશમાં ગયા નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણનો એકંદર વૃદ્ધિ દર ૫.૬૦ ટકા રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૬.૪૦ ટકા રહ્યો હતો. કોરોનાની દેશના વેપાર-ઉદ્યોગ પર પડેલી અસરથી ધિરાણ ઉપાડ મંદ રહ્યો હતો.
બેન્કિંગ ક્ષેત્રમાં કુલ ધિરાણમાં ૬૩ ટકા ધિરાણ શહેરી વિસ્તારોની બેન્ક શાખાઓ દ્વારા થતું હોવાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે.
દરમિયાન કોરોનાથી અસર પામેલા દેશના નાના ઉદ્યોગગૃહો માટે ગયા વર્ષે જાહેર કરાયેલી રૂપિયા ૩ લાખ કરોડની ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ બેન્કોએ અત્યારસુધી ૯૦ ટકા ધિરાણ છૂટું કર્યું હોવાનું ક્રિસિલના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
સ્કીમ હેઠળ બેન્કોએ રૂપિયા ૨.૬૯ લાખ કરોડ છૂટા કરી દીધા છે. વધુ સેગમેન્ટસને સ્કીમનો લાભ પૂરો પાડવા સરકારે સોમવારે તેની મર્યાદામાં વધુ રૂપિયા ૧.૫૦ લાખ કરોડનો વધારો કરાયો છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dvDiw9
via IFTTT
Comments
Post a Comment