મુંબઇ
મુંબઈના વિવિધ રેલવે સ્ટેશન બહાર ધંધો કરતા ફેરિયાઓ પાસેથી હપ્તા વસુલી એક રીઢો ગુનેગાર કરોડોનો આસામી બની ગયો હતો. આ રીતે ગેરમાર્ગે કરોડોની સંપત્તિ ભેગી કરનાર આ રીઢા ગુનેગારનો પાપનો ભાંડો ફૂટી જતા દાદર રેલવે પોલીસે તેની અને તેની પત્ની સહિત ચાર અન્ય સાથીદારની ધરપકડ કરી હતી.
આ રીઢા ગુનેગારનું નામ સંતોષકુમાર રામપ્રતાપ સિંહ ઉર્ફે બબલુ ઠાકુર હોઈ તેના નામે ૨૫થી વધુ ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.
પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે દંપત્તિને નામે ત્રણ કરોડથી વધુની સંપત્તિ છે. તેમજ તેની પત્ની રીટા સિંહ નવ જેટલા ઘર, સોનાના દાગીના અને મોંઘી ગાડીઓ ધરાવે છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરેલ સાહિત્યમાં વંચિત બહુજન આઘાડી પાર્ટીના લેટરહેડ મળી આવ્યા છે.
આ ગુંડાનો સાચે જ વંચિત આઘાડી સાથે કોઈ સંબંધ છે કે તેની તપાસ પણ પોલીસે આદરી છે. પોલીસે તેની પત્ની રીટા સિંહ સહિત અન્યોને તાબામાં લીધા હતા. તેમને દાદરના રેલવે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં રીટા સિંહે મહિલા પોલીસનો હાથ છોડાવી જાનના જોખમે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પણ એક પોલીસ અધિકારી અર્જુન ધનવટે જાનની બાજી લગાવી તેને પકડી પાડી હતી. આ પ્રકરણ હપ્તા વસુલીથી પણ વધુ ગંભીર હોઈ શકે તેવી શંકાથી પોલીસે વધુ તપાસ આદરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fzDOLl
via IFTTT
Comments
Post a Comment