શરીર દ્વારા અપાતા ભાવિ જીવલેણ બીમારીના સંકેતો


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- શરીરની સામાન્ય સ્થિતિમાં કોઈ નાનો એવો ફેરફાર થાય તો એના પ્રત્યે દુર્લક્ષ સેવવાને બદલે ડોક્ટરની સલાહ લેવામાં આવે તો મોટાભાગના રોગોને ઉગતા ડામી શકાય છે

કો રોનાનો ઈલાજ કરાવી  સાજો થયેલો પેશન્ટ સ્વસ્થ રહેવા પૂરતી કાળજી ન લે તો બીજી વ્યાધિ ઘર કરી જાય છે. ખાસ કરીને ડાયાબિટિસ ધરાવતી  વ્યક્તિઓએ કોવિડની બીમારી પછી શરીરમાં  થતા કેટલાંક ફેરફાર પ્રત્યે ધ્યાન આપવું જોઈએ.  અન્યથા મ્યુકર માયકોસિસ જેવી ગંભીર વ્યાધિ ઉથલો મારે છે.

આમ  પણ  શરીરની સામાન્ય સ્થિતિમાં કોઈ નાનો એવો ફેરફાર થાય તો એના પ્રત્યે દુર્લક્ષ સેવવાને બદલે અથવા તો આપમેળે ડહાપણ ડહોળવાને બદલે તરત ડોક્ટરની સલાહ લેવામાં આવે તો મોટાભાગના ખતરનાક રોગોને ઉગતા ડામીને સ્વસ્થ જીવન જીવી શકાય. અહીં આવા ચોવીસ જેટલા રોગોના પ્રાથમિક ચિન્હોની વિગતવાર માહિતી આપવામાં આવી છે જેથી આ રોગને ઓળખીને એનાથી દૂર રહી શકાય છે.

(૧) ભયજનક ચિન્હ : કસરત કે આકરી મહેનત ન કરી હોય એવા સંજોગોમાં પણ હાંફ ચડવી.

શક્ય ગંભીર બિમારી : ફેફસાંમાં રક્તનો ગઠ્ઠો જામી જવો.

જો વ્યક્તિએ કસરત કે ભારે શ્રમવાળી કોઈ પ્રવૃત્તિ કરી હોય અને હાંફ ચડે એ બહુ સ્વાભાવિક છે, પણ જો વ્યક્તિને બેઠાં-બેઠાં પણ હાંફ ચડતી હોય તો એણે ચેતી જવું જોઈએ. જો વ્યક્તિને સામાન્ય સંજોગોમાં હાંફ ચડી જતી હોય તો શક્ય છે કે તેને પલ્મોનરી એમ્બોલ્સની ગંભીર સમસ્યા સતાવતી હોય. આ સમસ્યામાં વ્યક્તિના ફેફસાંમાં લોહીનો ગઠ્ઠો ફસાઈ જતા તેની શ્વસનની પ્રક્રિયા અવરોધાય છે. 

આ સિવાય વ્યક્તિને જો પુરતી હવા ન મળતી હોય એવી હાર્ટ ફેઇલ જેવી ગંભીર પરિસ્થતિમાં પણ હાંફ ચડતી હોય છે. આમ, આ બન્ને સ્થિતિ ગંભીર હોવાથી જો કારણ વગર હાંફ ચડતી હોય તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

(૨) ભયજનક ચિન્હ : એકાએક હૃદયના ધબકારા વધી જવા.

શક્ય ગંભીર બિમારી : હાર્ટ અટેક.

જો તમને લાગે કે કોઈ જાતના દેખીતા કારણ વગર તમારા હૃદયના ધબકારા વધી રહ્યા છે તો બિલકુલ સમય ગુમાવ્યા વગર તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ કારણ કે આ બાબત હાર્ટ એટેકનું લક્ષણ છે. ઘણીવાર ક્રિકેટ મેચ જેવી ભારે ઉત્તેજનાવાળી સ્થિતિમાંથી પસાર થતી વખતે પણ આવો અનુભવ થાય છે, પણ મહદઅંશે હૃદયના ધબકારમાં થતો વધારો હૃદયની સમસ્યા તરફ ઇશારો કરે છે.

(૩) ભયજનક ચિન્હ : નિંદરમાંથી ઉઠયા પછી ચક્કર આવવા.

શક્ય ગંભીર બિમારી : લોહીનું નીચું દબાણ.

સવારમાં ઉઠતાવેંત જો ચક્કર આવતા હોય તો આ લક્ષણ ડિહાઇડ્રેશન, ડાયાબિટીસ, પાર્કિન્સન્સ ડિસીઝ, હાર્ટ ફેઇલ અને રક્તના નીચા દબાણ જેવી સ્થિતિનો નિર્દેશ કરે છે.

આ સિવાય શરીરનું સંતુલન જાળવવાનું મહત્ત્વનું કામ સંભાળતા આંતરિક કાન જેવા અવયવને નુકસાન પહોંચ્યું હોય તો પણ વ્યક્તિને ચક્કર આવી શકે છે. આ સંજોગોમાં તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

(૪) ભયજનક ચિન્હ : મૂત્ર ત્યાગ પર કાબૂ ન રહેવો.

શક્ય ગંભીર બિમારી : ઉત્સર્જન તંત્રનો ચેપ.

જો વ્યક્તિનો મૂત્ર ત્યાગ પર કાબૂ ન રહેતો હોય તો તે ઉત્સર્જન તંત્રના ચેપ જેવી ગંભીર બિમારીનો ભોગ બન્યો હોય એવી શક્યતામાં વધારો થઈ જાય છે. આ સિવાય પ્રોસ્ટેટની સમસ્યામાં અથવા તો ભારે ડાયાબિટીસ જેવી સ્થિતિમાં પણ વ્યક્તિનો મૂત્ર ત્યાગની પ્રક્રિયા પરનો કાબૂ જતો રહે છે.

(૫) ભયજનક ચિન્હ : માથામાં ભારે દુખાવો થવો.

શક્ય ગંભીર બિમારી : બ્રેઇન હેમરેજ.

સામાન્ય રીતે જ્યારે વ્યક્તિને માથામાં ભારે દુખાવો થાય છે ત્યારે પેઇનકિલર દવા લઈને આરામ કરવાથી દુખાવામાં આરામ થઈ જાય છે. જોકે ઘણીવાર આ માથાનો દુખાવો મગજની ગાંઠ અથવા તો બ્રેઇન હેમરેજ જેવી કટોકટીભરી પરિસ્થતિ તરફ ઇશારો કરે છે.

 જો તમને માથાની એક જ તરફ દુખાવો થતો હોય અને સાથે-સાથે ચક્કર, ઉલ્ટી અને આંખમાં પાણી આવવાની સમસ્યા સતાવતી હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

(૬) ભયજનક ચિન્હ : સોજાને કારણે આંખ મોટી થઈ જવી.

શક્ય ગંભીર બિમારી : ઓપ્ટીકલ ન્યુરાઇટીસ.

આંખમાં ચેપ લાગવાને કારણે અથવા તો એલર્જીને કારણે વ્યક્તિ ઓપ્ટીકલ ન્યુરાઇટીસ નામની આંખની ગંભીર બિમારીનો ભોગ બને છે. જો શરૂઆતના તબક્કામાં આ રોગની ખબર પડી જાય તો યોગ્ય દવાની મદદથી સારવાર લઈ શકાય છે અને દૃષ્ટિ બચાવી શકાય છે.

(૭) ભયજનક ચિન્હ : કાનમાં ઇજા પહોંચ્યા પછી બધી વસ્તુઓ ડબલ દેખાવી.

શક્ય ગંભીર બિમારી : મિડલ ઇયર ઇન્ફેક્શન.

મિડલ ઇયર ઇન્ફેક્શન કાનના આંતરિક અંગોને નુકસાન પહોંચવાને કારણે ઉદ્ભવતી સ્થિતિ છે. આ પ્રકારના ચેપથી પીડાતી વ્યક્તિની દૃષ્ટિમાં ખામી સર્જાય છે અને તેને દરેક વસ્તુ બેવડી દેખાય છે.

જો મિડલ ઇયર ઇન્ફેક્શનની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો સ્થિતિ રાતોરાત વણસી જાય છે અને એની ભયંકર આડઅસર થાય છે. જો કાનમાં ઇજા થયા પછી ડબલ વિઝન, માથાના દુખાવો, ઉલ્ટી, ભારે તાવ, ચહેરાનો પેરાલિસીસ કે પછી કાન પર સોજો જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સારવાર લેવી જોઈએ.

(૮) ભયજનક ચિન્હ : કોઈ જાતના પ્રયાસ વગર એકાએક વજન ઘટી જવું.

શક્ય ગંભીર બિમારી : કેન્સર.

તમે તમારા ખાનપાનની આદતોમાં કોઈ ફેરફાર ન કર્યો હોય તો પણ તમારા વજનમાં ભારે ઘટાડો નોંધાય તો આ લક્ષણ કેન્સર જેવી ભયાનક બિમારી તરફ નિર્દેશ કરે છે.

આ સિવાય થાઈરોઈડ ગ્રંથિને લગતી બિમારી, ડિપ્રેશન અને ડાયાબિટીસ જેવા રોગોમાં પણ વજન એકાએક ઘટી જતું હોવાને કારણે આ સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

(૯) ભયજનક ચિન્હ : વૃષણમાં થતો એકાએક દુખાવો.

શક્ય ગંભીર બિમારી : ટેસ્ટીક્યુલર ટોર્સેન.

વ્યક્તિના વૃષણમાં વીર્યના વહન સાથે સંકળાયેલી નળી જ્યારે વળી જાય છે ત્યારે વૃષણોમાં લોહીનું પરિવહન નથી થઈ શકતું અને એમાં દુખાવો થાય છે. ઘણીવાર વૃષણમાં દુખાવા સાથે સોજો પણ જોવા મળે છે અને આ ગંભીર સમસ્યાને ટેસ્ટીક્યુલર ટોર્સન કહેવામાં આવે છે.

જો આ દુખાવાના ચારથી છ કલાકમાં યોગ્ય સારવાર લેવામાં આવે તો વૃષણોને બચાવી શકાય છે, પણ જો સરવાર લેવામાં બારથી ચોવીસ કલાક જેટલો સમય લાગી જાય તો વૃષણ દૂર કરવા પડે એવી સ્થિતિ સર્જાઇ જાય છે. આ સિવાય કોઈ ચેપને કારણે પણ વ્યક્તિને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે સામાન્ય ચેપને તો એન્ટીબાયોટિક્સની મદદથી દૂર કરી શકાય છે.

(૧૦) ભયજનક ચિન્હ : પગમાં ઝણઝણાટી થવી.

શક્ય ગંભીર બિમારી : ચેતાતંત્રમાં ખામી.

જો પગમાં અથવા તો શરીરના કોઈપણ હિસ્સામાં ઝણઝણાટીની લાગણી થાય તો આ સ્થિતિ ચેતાતંત્રની ખામી તરફ ઇશારો કરે છે. જો તમને આવા કોઈ ચિન્હો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(૧૧) ભયજનક ચિન્હ : લીલજામા કે ઘાને રુઝાવવામાં વધારે સમય લાગવો.

શક્ય ગંભીર બિમારી : ડાયાબિટીસ.

વ્યક્તિને કંઈક વાગ્યું હોય અથવા તો લીલજામું થયું હોય અને એને સારું થવામાં લાંબો સમય લાગી જાય તો આ સ્થિતિ ડાયાબિટીસ જેવા ગંભીર રોગ તરફ ઇશારો કરે છે. આ સમયે વજન ઘટાડવાથી, માત્ર પોષકતત્વો સભર આહાર લેવાથી અને નિયમિત કસરત કરવાથી પરિસ્થતિમાં સુધારો જોવા મળે છે.

(૧૨) ભયજનક ચિન્હ : ચોકલેટ ખાધા પછી દાંતમાં દુખાવો થવો.

શક્ય ગંભીર બિમારી : જીન્જેવાઇટીસ.

જીન્જેવાઇટીસ નામની દાંતની ગંભીર બિમારીમાં પેઢા પર સોજો આવે છે અને દાંતમાં પોલાણ પડી જાય છે. ગળી વસ્તુ ખાધા પછી દાંતમાં દુખાવો થવો આ રોગનું પ્રાથમિક લક્ષણ છે. આ બિમારી થઈ હોય તો દાંતનો રંગ બદલાઈ જાય છે અને મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

(૧૩) ભયજનક ચિન્હ : સ્થુળ કમર.

શક્ય ગંભીર બિમારી : નપુંસકતા.

તમે સ્થુળ વ્યક્તિ હો અને અત્યારે તમને કોઈ સમસ્યા ન હોય તો પણ ભવિષ્યમાં તમે નપુંસકતા જેવી બિમારીથી પીડાઈ શકો એવી ભારોભાર શક્યતા છે. વધારે પડતું વજન ધરાવતી વ્યક્તિની શીરાઓ નિષ્ક્રિય થઈ જાય છે અને આ કારણે તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ મંદ પડી જાય છે. આ ખામીની સીધી અસર વ્યક્તિના જાતીય જીવન પર પડે છે. આમ, સ્થુળ કમર તમારા જાતીય જીવન માટે ખતરો બની શકે છે. 

(૧૪) ભયજનક ચિન્હ : એક ક્ષણ માટે આંખ આગળ અંધકાર છવાઈ જવા.ે

શક્ય ગંભીર બિમારી : હળવો હાર્ટ સ્ટ્રોક.

જો વ્યક્તિનું રક્તનું દબાણ ૯૦થી ૧૪૦ની સામાન્ય રેન્જ કરતા વધારે રહેતું હોય અને કોલેસ્ટેરોલનું પ્રમાણ પણ ૨૦૦ કરતા વધારે હોય તો તેને હાર્ટ સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે. વ્યક્તિને જ્યારે હાર્ટ સ્ટ્રોક આવે છે ત્યારે એકાદ ક્ષણ માટે તેની આંખ સામે અંધારું છવાઈ જાય છે, જીભ થોથવાઈ જાય છે અને તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. હાર્ટ સ્ટ્રોક પ્રમાણમાં હળવો હોય છે, પણ તે મોટા હાર્ટ અટેકમાં ફેરવાઈ શકે છે. આ કારણોસર જો હાર્ટ સ્ટ્રોકના લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(૧૫) ભયજનક ચિન્હ : છાતીમાં બળતરા. 

શક્ય ગંભીર બિમારી : એન્જાઇના.

વારંવાર થોડાક સમયગાળા માટે થતો છાતીનો દુખાવો અને બળતરા એન્જાઇના જેવી ખતરનાક બિમારી તરફ ઇશારો કરે છે. હકીકતમાં હૃદયની ધમનીમાં અંદરની તરફ રક્તનો ગઠ્ઠો જામી જવાને કારણે એન્જાઇના જેવી સમસ્યા સર્જાય છે. જો સમયસર એની સારવાર ન કરવામાં આવે તો હૃદયને ભારે નુકસાન પહોંચે છે. આ કારણોસર જ હૃદયમાં જો થોડો દુખાવો કે બળતરા થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(૧૬) ભયજનક ચિન્હ : પીઠનો ભારે દુખાવો.

શક્ય ગંભીર બિમારી : કિડનીમાં સ્ટોન.

તમે પીઠને આંચકો આવે એવું  કંઈ ન કર્યું હોય છતાં તમને પીઠનો ભારે દુખાવો સતાવતો હોય અને ઘરગથ્થુ ઉપાયો તથા પેઇનકિલર પણ એને દૂર ન કરી શકતા હોય તો શક્ય છે કે તમને કિડનીમાં સ્ટોનની સમસ્યા સતાવતી હોય. 

જો પીઠનો દુખાવો લાંબા સમય સુધી સતાવે તો સીટી સ્કેન જેવા ટેસ્ટ કરીને કિડનીમાં સ્ટોન છે કે નહીં તે જાણી શકાય છે. જો આ સ્ટોનનું કદ નાનું હોય તો એને માત્ર દવાની મદદથી અને જો મોટો હોય તો સર્જરી કરીને દૂર કરી શકાય છે.

(૧૭) ભયજનક ચિન્હ : ખુરશીમાં બેસવામાં અકળામણ થવી.

શક્ય ગંભીર બિમારી : પીઠના સ્નાયુઓ સખત થઈ જવા.

જો તમને ઓફિસનું કામ કરતી વખતે ખુરશીમાં સ્થિર બેસવામાં અકળામણ થતી હોય અને વારંવાર સ્થિતિ બદલવાનું મન થતું હોય તો શક્ય છે કે તમે પીઠના સ્નાયુઓ અકડાઈ જવાની બિમારીથી પીડાઈ રહ્યા છો. ખુરશીમાં બેસતી વખતે ખુંધ કાઢીેને આગળ નમીને બેસવાથી પીઠના અને ગરદનના સ્નાયુઓ પર ભારે દબાણ અનુભવાય છે. ખુરશીમાં બેસતી વખતે ટટ્ટાર બેસવાથી પીઠના સ્નાયુઓને લગતી મોટાભાગની સમસ્યાઓથી પીછો છોડાવી શકાય છે.

(૧૮) ભયજનક ચિન્હ : માતા-પિતાને હાઇપર ટેન્શન.

શક્ય ગંભીર બિમારી : હાઇપર ટેન્શન.

હાઇપર ટેન્શન જેવી બિમારી મહદ્અંશે વારસાગત છે. આ કારણોસર જો તમારા માતા-પિતામાંથી કોઈ એક હાઇપર ટેન્શનથી પીડાતા હોય અને તમે તમારા ખાનપાન અને જીવનશૈલી પર ચાંપતી નજર ન રાખો તો આ રોગ તમને પણ પોતાના સકંજામાં જકડી લે એવી ભારોભાર શક્યતા છે. જો તમારા પરિવારમાંથી કોઈને હાઇપર ટેન્શન હોય તો તમારે વર્ષમાં એકવાર પોતાની તપાસ કરાવી લેવી જોઈએ. 

હાઇપર ટેન્શન અથવા તો હાઇ બ્લડપ્રેશરને દૂર રાખવું હોય તો એક્સરસાઇઝનું પ્રમાણ વધારીને વજન ઘટાડવું જોઈએ. આ સિવાય ખોરાકમાં વિટામિન સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવાથી પણ ફાયદો થાય છે.

(૧૯) ભયજનક ચિન્હ : મહેનતનું કામ કરતી વખતે હાથમાં ધુ્રજારી.

શક્ય ગંભીર બિમારી : નબળા સ્નાયુઓ.

જો લાંબા સમય સુધી મહેનત ન કરી હોય અને પછી મહેનત કામ કરવામાં આવે ત્યારે હાથ ધુ્રજતા હોય તો એ વાત જણાવે છે કે તમારા હાથના સ્નાયુઓ નબળા પડી ગયા છે. આ સમસ્યાથી દૂર રહેવા માટે જિમમાં નિયમિત કસરત કરવાની આદત પાડવી જોઈએ. આ કસરતની શરૂઆત કરતી વખતે ભારે કસરતને બદલે હળવી કસરતથી વર્કઆઉટ કરવાની શરૂઆત કરવી જોઈએ. જિમમાં નિયમિત કસરત કરવાથી હાથના સ્નાયુઓ સુદૃઢ બને છે.

(૨૦) ભયજનક ચિન્હ : પાર્ટીમા વધારે પડતી હતાશા અનુભવવી.

શક્ય ગંભીર બિમારી : વધારે પડતા આલ્કોહોલનું સેવન.

વ્યક્તિ પાર્ટીમાં જ્યારે વધારે પડતા આલ્કોહોલનું સેવન કરી લે છે ત્યારે તે પાટીની મજા માણવાને બદલે હતાશાની લાગણી અનુભવવા લાગે છે. સામાન્ય રીતે બે કલાકની અંદર ત્રણ કરતા વધારે ડ્રિન્ક લેવાથી વ્યક્તિના રક્તમાં આલ્કોહોલનું પ્રમાણ વધી જાય છે અને ચેતાતંત્ર પર એની નકારાત્મક અસર પડે છે. આ અસરને કારણે મૂડમાં ભારે પરિવર્તન થાય છે.

(૨૧) ભયજનક ચિન્હ : પગ કે એડીમાં સતત ઝીણો દુખાવો.

શક્ય ગંભીર બિમારી : વધારે પડતી કસરતને કારણે તિરાડ જેવું ફ્રેક્ચર.

ઘણી વ્યક્તિઓ રાતોરાત ફિટ બની જવાની લાલચમાં તેમની ક્ષમતા કરતા પણ વધારે કસરત કરવાના રસ્તે ચડી જતી હોય છે, પણ જો બહુ વધારે કસરત કરવામાં આવે તો વ્યક્તિના પગમાં ઝીણી તિરાડ પડી શકે છે અને તેણે પરાણે આરામ કરવો પડે એવા સંજોગો સર્જાઈ જાય છે.

શરીરના બીજા કોષોની જેમ જ હાડકાંને પણ જો ઘસારો લાગે તો આ ઘસારો આપમેળે સરખો થઈ જતો હોય છે. જોકે હાડકાંને આરામ આપવાને બદલે એને સતત કાર્યરત રાખવામાં આવે તો એનો ઘસારો સરખો નથી થતો અને હાડકાં ક્રમશ: વધારેને વધારે નબળા પડી જાય છે અને કોઈ જાતનો અકસ્માત ન થયો હોય તો પણ હાડકાંમાં તિરાડ પડી જાય છે.

(૨૨) ભયજનક ચિન્હ : પેટમાં ગંભીર દુખાવો.

શક્ય ગંભીર બિમારી : પેટની ભારે સમસ્યા.

વ્યક્તિનું આખું પાચનતંત્ર પેટના વિસ્તારમાં આવતું હોવાથી જો પેટમાં દુખાવા જેવી કોઈ સમસ્યા થાય તો એપેન્ડીક્સ, પેનક્રિયાટીટીસ, પાચનતંત્રનો ચેપ અથવા તો સ્વાદુપિંડનો રોગ હોવાની શક્યતા વધી જાય છે. આ રોગોની તરત સારવાર ન કરવામાં આવે તો સ્થિતિ વકરી જાય છે અને આ અંગો ફાટી જાય તો શરીરમાં આંતરિક ચેપ ફેલાઈ જાય છે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

(૨૩) ભયજનક ચિન્હ : પગમાં દુખાવા સાથે સોજો.

શક્ય ગંભીર બિમારી : ડીપ વેઇન થ્રોબોસીસ.

કોઈ એક જગ્યાએ છ કલાક કે એનાથી વધારે લાંબો સમય બેસવાથી પગના નીચેના હિસ્સામાં જો દુખાવા સાથે સોજો જોવા મળે તો આ ચિન્હ ડીપ વેઇન થ્રોબોસીસનું લક્ષણ છે. આ રોગમાં પગમાં રક્તનો ગઠ્ઠો જામી જાય છે. સામાન્ય રીતે પગમાં સોજો આવે ત્યારે લોકો સૌથી પહેલું કામ પગને મસળવાનું કરે છે, પણ આનાથી તો સ્થિતિ વધારે વકરી શકે છે. 

પગમાં સોજો આવે ત્યારે એને મસળવાથી લોહીનો ગઠ્ઠો ત્યાંથી છુટ્ટો પડીને શરીરના ફેફસાં જેવા અગત્યના અવયવો સુધી પહોંચી રક્તના પરિભ્રમણમાં અવરોધ ઉભો કરી શકે છે. આમ, જો પગમાં સોજો જણાય તો પોતાની મેળે કોઈ ઉપાય કરવાને બદલે તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(૨૪) ભયજનક ચિન્હ : મૂત્ર ત્યાગ વખતે દુખાવો.

શક્ય ગંભીર બિમારી : મૂત્રાશયનું કેન્સર.

જો મૂત્ર ત્યાગ વખતે ભારે દુખાવો થાય અને એમાં રક્તના અંશ જોવા મળે તો તરત ચેતી જવું જોઈએ. આ તમામ લક્ષણો મૂત્રાશયના કેન્સરના છે. પુરુષોમાં સૌથી વધારે મૂત્રાશયનું કેન્સર થાય છે અને ધુમ્રપાન કરતા પુરુષોને આ રોલ થવાની શક્યતા વધી જાય છે. જો આ રોગને શરૂઆતના તબક્કામાં જ ઓળખી લેવામાં આવે તો ૯૦ ટકા કિસ્સાઓમાં સાજા થઈ શકાય છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bZLgwU
via IFTTT

Comments