- સરકારે બાબા રામદેવને પડકારવા જોઇએ
- પ્રસંગપટ
- જો આયુર્વેદ અસરકારક હોત તો મેડિકલ સાયન્સના નવા સંશોધનોને કોઇ અવકાશ જ ના હોત
એક તરફ કોરોના વાઇરસ ચીનથી ફેલાયો છે એવું સાબિત કરવા ભારત સહિતના દેશો એક થઇ રહ્યા છે ત્યારે ભારતમાં એલોપેથી અને આયુર્વેદ વચ્ચેની કોલ્ડ વોર ભડકો બનીને સપાટી પર આવી ગઇ છે. કોરોના વાઇરસ પર વુહાન વાઇરસનું લેબલ મારવા ભારત, રશિયા અને અમેરિકા એકમત થઇ રહ્યા છે ત્યારે ભારતમાં દંભી લોકો પોતાનું અલગજ બેન્ડ વગાડી રહ્યા છે. જે રીતે બાબા રામદેવ એલોપેથીને બદનામ કરીને પડકારી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે તે મફતમાં પ્રસિધ્ધિ મેળવી રહ્યા છે. પોતે આયુર્વેદના પ્રતિનિધી હોય એમ તે વર્તી રહ્યા છે અને જેમને લોકો ભગવાન માને છે એવા ડોક્ટરોને પણ બદનામ કરી રહ્યા છે. દેશમાં દરેકને તમાશો જોવામાં રસ છે. કોઇ બે ટાપુના લોકો લડતા હોય એમ આ લોકો આક્ષેપો કરી રહ્યા છે. આખું વિશ્વ આ વિવાદ જોઇ રહ્યું છે જેમાં અંતે બદનામી દેશની થઇ રહી છે.
જેવો કોરોના મંદ પડયો કે બાબા રામદેવે પોતાની પ્રસિધ્ધિની માળા શરૂ કરી દીધી હતી. આ માણસને સમાચાર માધ્યમોમાં રહેવાનો બહુ શોખ છે. જ્યારે કોરોનાકાળની શરૂઆતમાં બાબા રામદેવે અસરકારક આયુર્વેદ રસી શોધવાની જાહેરાત કરી ત્યારે મેડિકલ ક્ષેત્રએ તેને પરિક્ષણ વિનાની ગણાવીને બકવાસ કહ્યો હતો. લાગે છે કે રામદેવ તેમના અપમાનનો બદલો લઇ રહ્યા છે અને મેડિકલ વ્યવસાયને સાચી ખોટી સંભળાવી રહ્યા છે. જ્યારે બાબા રામદેવ એમ કહે કે એલોપેથીના કારણે વધુ મૃત્યુ થયા છે ત્યારે ખુદ સરકારે તેમને પડકારવા જોઇએ કેમકે બાબા રામદેવ મેડિકલ સાયન્સને બદનામ કરી રહ્યા છે.
સરકારે વારંવાર એલોપેથીના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી છે તો બીજી તરફ બાબા રામદેવ બેફામ બનીને આખી પેથીનીજ મશ્કરી કરી રહ્યા છે. તાજેતરમાં કોરોના કાળમાં એલોપેથીની સારવાર આપતી હોસ્પિટલો ભરચક જતી હતી અને લોકોને એડમિશન માટે ફાંફા પડતા હતા. રેમડેસિવીર જેવા મહત્વના ઇન્જેક્શનો માટેનો કોઇ વિકલ્પ આયુર્વેદ આપી શક્યું નહોતું. ઓક્સિજનની તીવ્ર અછત ઉભી થઇ ત્યારે પણ તેનો કોઇ વિકલ્પ અન્ય થેરાપી આપી શકી નહોતી. મેડિકલ સાયન્સનો વધતો વ્યાપ અને પ્રશંસા જોઇને બાબા રામદેવના પેટમાં દુખતું હોય એમ લાગે છે.
લોકોએ કઇ દવા લેવી કે ક્યા એલોપેથી ડોક્ટરોને કે આયુર્વેદ ડૉક્ટરને બતાવવું તે માટેનો કોઇ કાયદો નથી. લોકો ગમે તે સારવાર લઇ શકે છે. કોરોના કાળમાં બાબા રામદેવને હિરો બનવાની તક મળી છે એટલે તે વધુ તેજાબી નિવેદનો કરી રહ્યો છે. એલોપેથી અને આયુર્વેદ વચ્ચેની ચડસા ચડસીમાં હવે લોકો પણ જોડાઇ રહ્યા છે. બંને પક્ષ એકબીજાના કપડાં ખેંચી રહ્યા છે અને બંને એક બીજાની કાળી કમાણી અને બિઝનેસ ટેક્-ટીક્સને ખુલ્લી પાડી રહ્યા છે. લોકો ખોટા વચ્ચે કૂદી પડયા છે કેમકે લોકોને લૂંટવામાં એકેય પેથીએ શરમ રાખી નથી. હજુ તો હોમિયોપેથી અને નેચરોપેથી વચ્ચે કૂદી નથી પડી, નહીંતર તે પણ તેમની સફળતાના ગાણા વગાડી શકે છે. દરેકને આયુર્વેદ અને એલોપેથીનો અનુભવ છે.
બંનેના લોકોને સારાં અને ખરાબ અનુભવો છે. બાબા રામદેવે આયુર્વેદ વતી એવી રીતે તખ્તો સંભાળ્યો છે કે જાણે તે ભારતની આયુર્વેદ પધ્ધ્તિના સર્વે સર્વા હોય. આયુર્વેદ કેન્સર સહિતના રોગો મટાડી શકે છે એવી જાહેરાતોના પ્રભાવમાં આવી જઇને અનેક કેન્સરના દર્દીઓએ છેલ્લા સ્ટેજ સુધી ભરોસો મુકીને અંતે જાન ગુમાવ્યા છે.
સરકાર સાથે સંકળાયેલા કે દેશના મોભી લોકોએ તેમને શાંત પાડવાની જરૂર છે. કેમકે આયુર્વેદ ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તે મેડિકલ ક્ષેત્રે ભારતે વિશ્વમાં નામના મેળવી છે. જેમકે કોરોના કાળમાં પહેલી રસી શોધવાનો જશ ભારતને મળે છે તે તો ઠીક પણ ભારતે અન્ય દેશોને પણ વેક્સિનના ડોઝ મોકલ્યા હતા. આ વેક્સિને જ ચમત્કાર કર્યો હતો અને લોકોની ઇમ્યુનિટી વધી શકી હતી. એ વાત પણ સ્વિકારવી જોઇએ કે જ્યારે પ્રાચીન સમયમાં એલોપેથી નહોતી ત્યારે મૂળીયાં અને ઓસડીયાંનો ઉપયોગ થતો હતો. ત્યારના લોકોના શરીરના બંધારણ અને હાલના બંધારણ અલગ છે. ત્યારે જીવલેણ રોગો બહુ જોવા નહોતા મળતા.
જો આયુર્વેદ અસરકારક હોત તો મેડિકલ સાયન્સના નવા સંશોધનોને કોઇ અવકાશજ ના હોત. બાબા રામદેવ પ્રસિધ્ધિની ભૂખ સંતોષી રહ્યા છે અને એલોપેથી કોરોના સામે નવા સંશોધનોમાં વ્યસ્ત છે.બધા જાણે છે કે કોઇ શાહુકાર નથી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p5UaOE
via IFTTT
Comments
Post a Comment