- એન્ટીગુઆ ભાગેલા મેહુલ ચોકસી ફરતે સકંજો કસાતા તેણે ડોમિનિકા થઈને ક્યુબા ભાગવાની કોશિશ કરી
નવી દિલ્હી
ભારતે પીએનબી લોન કૌભાંડના આરોપી હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારત પાછા લાવવા માટે ડીપોર્ટેશન માટેના દસ્તાવેજો ડોમિનિકા મોકલ્યા હોવાનું એન્ટીગુઆના વડા પ્રધાને જણાવ્યું હતું. મેહુલ ચોકસી હાલ કેરિબિયન ટાપુઓમાં છે જ્યાં તે એન્ટીગુઆથી ભાગીને ક્યુબા જઈ રહ્યો હતો. ૬૨ વર્ષીય મેહુલ ચોકસી ૨૦૧૮થી એન્ટીગુઆની નાગરિકતા મેળવીને ત્યાં નિવાસ કરી રહ્યો છે.
ભારતની તપાસ એજન્સી સીબીઆઈના સુત્રોએ જણાવ્યું છે કે માત્ર કેસ સંબંધિત ફાઈલો જ ડોમિનિકા મોકલવામાં આવી છે. વિદેશ મંત્રાલય મેહુલ ચોકસીના કેસ બાબતે ડોમિનિકા અને એન્ટીગુઆની સરકારો સાથે સહયોગ કરી રહ્યું છે.
એન્ટીગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ ડોમિનિકામાં કતાર એરવેઝનું ખાનગી જેટ ૨૮ મેના રોજ ડગલાસ-ચાર્લ્સ એરોપર્ટ પર આવ્યું હોવાની વાતને સમર્થન આપ્યું હતું. કતારની એક્ઝિક્યુટીવ ફ્લાઈટ એ૭સીઈઈ ૨૮મેના રોજ બપોરે ૩.૪૪ કલાકે દિલ્હીથી ઉપડી હતી અને તે જ દિવસે સાંજે ૧૩.૬૬ કલાકે મેડ્રિડ થઈને ડોમિનિકાના સ્થાનિક સમયે પહોંચી હતી.
તેમણે જણાવ્યું કે ભારત સરકારે ચોકસી ભાગેડુ હોવાના અને તે બેન્ક કૌભાંડમાં આરોપી હોવાના દસ્તાવેજો મોકલ્યા છે અને મારી જાણ મુજબ આ દસ્તાવેજો આગામી બુધવારે કોર્ટની સુનાવણી દરમ્યાન ધ્યાનમાં લેવાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારત સરકાર ચોકસીના ડીપોર્ટેશન માટે તમામ કોશિશ કરી રહી છે. મેહુલ ચોકસીના એન્ટીગુઆથી ભાગવાને કારણે તેનું ડીપોર્ટેશન હવે લગભગ નક્કી માનવામાં આવે છે.
બીજી તરફ ચોકસીના વકિલોએ એવો દાવો કર્યો હતો કે તેને એન્ટીગુઆના જોલી હાર્બરમાંથી એન્ટીગુઅન અને ભારતીય જેવા દેખાતા બે પોલીસો અપહરણ કરીને ડોમિનિકા લઈ ગયા હતા. એક ભારતીય અધિકારીએ જણાવ્યું કે મેહુલ ચોકસી પોતાની રીતે ડોમિનિકામાં પહોંચી ગયો હતો અને ભારતીય એજન્સીઓનો તેમાં કોઈ હાથ નથી. ડોમિનિકાએ ચોકસી તેમના વિસ્તારમાં ગેરકાયદે રીતે પ્રવેશ્યો હોવાનું જણાવીને અમારો કેસ આસાન કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા પકડાયો ત્યારે વડા પ્રધાન બ્રાઉનીએ જણાવ્યું કે તેણે બહુ મોટી ભૂલ કરી છે અને હવે તેને તાત્કાલિક ભારત પાછો મોકલી દેવામાં આવશે. હવે અમે તેને ફરી અમારા દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી નહિ આપીએ. જો કે બ્રાઉનીએ એમ પણ જણાવ્યું કે મેહુલ ચોકસીને એન્ટીગુઆ પાછો મોકલાશે તો તેને ત્યાંના નાગરિકોને મળતું કાયદાકીય સંરક્ષણ મળતું રહેશે. પણ મારી ડોમિનિકાને વિનંતી છે કે ચોકસીને સીધો ભારત પાછો મોકલી દેવામાં આવે કારણ કે તે એક ભાગેડુ છે.
એન્ટીગુઆની એક કોર્ટે મેહુલ ચોકસીના ડીપોર્ટેશન પર હાલ પુરતી બ્રેક લગાવી છે. ચોકસીના વકિલોએ જણાવ્યું કે ચોકસી ભારતનો નાગરિક ન હોવાથી તેને ત્યાં મોકલી ન શકાય.
બીજી તરફ ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે મેહુલ ચોકસી અને નીરવ મોદી સામે સીબીઆઈ દ્વારા છેતરપિંડી, ભ્રષ્ટાચાર, ગુનાહિત ષડયંત્ર રચવા જેવા આરોપ અને ઈડી દ્વારા મની લોન્ડરીંગના અને સરકાર સંચાલિત પંજાબ નેશનલ બેન્કમાંથી રૂા. ૧૩,૫૦૦ કરોડ જેટલી રકમનું કૌભાંડ કરવાના આરોપ મુકાયા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uAOjCe
via IFTTT
Comments
Post a Comment