- ડરવાની જરૂર નથી પણ સતર્કતાના સિગ્નલ હજુ બીજા છ મહિના જારી રાખવા પડશે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- મહામારી પરના નિષ્ણાતો માને છે કે ત્રીજી લહેર આવે ત્યાં સુધીમાં મહત્તમ રસીકરણ થાય તે જરૂરી
- ઓગષ્ટ કે ડિસેમ્બરમાં ત્રીજી લહેર આવશે પણ તેની ઘાતકતા આપણે નહીવત્ કરી શકીએ તેમ છીએ
કેન્દ્ર સરકારે કોરોનાનો ગ્રાફ આગામી મહિનાઓમાં કેવું વર્તન કરશે તે માહિતી વખતોવખત પૂરી પપાડવા માટે નેશનલ કોવિડ સુપર મોડેલ કમિટિની રચના કરી છે. ત્રણ સભ્યોની કમિટિના વડા આઈઆઈટી હૈદ્રાબાદનાં પ્રોફેસર એમ. વિદ્યાસાગર છે.
ગુજરાત સહિત ભારતના કોરોના કેસના આંકડામાંભારે રાહત આપતા નોંધપાત્ર ઘટાડો જોઈ શકાય છે. વાતાવરણમાં પણ ગયા મહિને જે ગમ અને ફફડાટનો માહોલ હતો તે હવે ઓસરતો જાય છે. એક પ્રકારની હળવાશ જોઈ શકાય છે. અખબારોમાં બેસણાની જાહેરાતો તે બેક ટુ નોરમલ થતી જાય છે. હકારાત્મક અભિગમ સાથે પૂરતી કાળજી અને પ્રોટોકોલ સાથે ગુજરાતમાં તો રાજ્ય સરકારે ધો. ૧૨ની પરીક્ષા ઓફ લાઈન લેવાનો નિર્ણય કર્યો છે. જો આ આયોજન હેમખેમ પાર પડશે તો રાજ્ય સરકારમાં અને નાગરિકોમાં ખાસ્સો આત્મવિશ્વાસ આવી જશે. પણ, નાગરિકોનો જીવ હજુ અધ્ધર જ ચોંટેલો રહે તેમ સુપર મોડેલ કમિટિના વડા પ્રોફેસર એલ.વિદ્યાસાગર અને વિશ્વવિખ્યાત તબીબો, વાઇરોલોજિસ્ટસ કેન્દ્ર સરકારને ચેતવણી આપે છે કે ભારતમાં હજુ કોરોનાની ત્રીજી લહેર આવશે... આવશે... અને આવશે જ.
કેન્દ્ર સરકારના તબીબી વિજ્ઞાાનના પ્રિન્સિપાલ એડવાઇઝર વિજય રાઘવને પણ સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે ત્રીજી લહેર આવશે જ પણ આપણે જો તે ન આવે ત્યાં સુધી સંયમ જાળવીને માસ્ક પહેરી રાખીશું તેમજ વેક્સિનેશનનો વ્યાપ વધારીશું તો તેનાં મોજાંને નાથી શકીશું. જો કે ેજેઓ પણ કોરોનાની ત્રીજી લહેરની પોતપોતાના અભ્યાસ બાદ આગાહી કરે છે તેમના સમયગાળામાં ફર્ક જોઈ શકાય છે. પ્રો. વિદ્યાસાગર કહે છે કે અમારા ગાણિતીક અનુભવ પ્રમાણે ૧ જુલાઈ સુધીમાં ભારતમાં કોરોનાના કેસનો આંકડો ઘટતા ઘટતા રોજના ૧૫,૦૦૦ થઇ ગયો હશે. મેના અંત સુધીમાં રોજના ૧.૫ લાખ અને જૂનના અંત સુધીમાં ૨૦,૦૦૦ કેસનો આંક હશે.
તેઓના અભ્યાસ પ્રમાણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર છથી આઠ મહિના પછી એટલે કે નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે તેની પીક પર હોઈ શકે. પ્રો. વિદ્યાસાગર સાથે કમિટિમાં આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલ તેમજ ડેપ્યુટી ચીફ ઓફ આર્મી મેડિકલ સર્વિસના લે. જનરલ મધુરી કાનિટકર છે.
તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે જૂલાઈ મહિનામાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થશે. પ્રોફેસર વિદ્યાસાગરની ટીમે ઇટાલીમાં થયેલા એ સંશોધનને આધાર માન્યા છે કે કોરોનાની એન્ટીબોડી છ થી આઠ મહિના શરીરમાં રહી શકે. ભારતમાં જેઓને કોરોના થઈ ચૂકયો છે અને વેકિસન લીધા છે તેઓની પ્રતિકારક શક્તિ છ મહિના પછી કેવી રહે છે તે અતિ નિર્ણાયક બાબત છે. આ રીતે જોતા આગામી નવેમ્બર, ડિસેમ્બર સુધી તો વાંધો ન આવવો જોઈએ.
હવે જો ભારતે ત્રીજી લહેરની અસરકારકતા ઘટાડવી હોય તો ડિસેમ્બર સુધીમાં મહત્તમ નાગરિકો કોરોનાની કમ સે કમ એક ડોઝ રસી લઇ તે ગેમ ચેન્જર બની શકે છે.
માની લો કે ઘરનો એક સભ્ય નોકરી-ધંધા માટે બહાર જાય છે. અગાઉ કેસોનો રાફડો ફાટયો તેનું કારણ એ હતુ કે તે વ્યક્તિ બહારથી કોરોનાગ્રસ્ત બનીને આવે અને ઘેર જઇને ઘરના તમામને કોરોનાની લપેટમાં લઈ લેતો. પણ હવે આ જ વ્યક્તિએ કોરોનાની રસી લીધી છે તે નોકરી-ધંધા માટે બહાર જાય છે અને તે કોરોનાથી મુક્ત રહી શકે છે જેના લીધે તે ઓફિસ કે બજારમાં અને તે પછી ઘરમાં આવે છે તો તેના સંપર્કમાં આવેલાને પણ કોરોનાથી મુક્ત રાખે છે.
આમ એક વ્યક્તિ પોતે કોરોનાની રસી ધરાવતો હોય તો ધારે તો સેંકડોનું રક્ષણ કરી શકે. પરિવારોના પરિવાર અને પાડોશ, ઓફિસ, દૂકાનના સાથીઓ આ રીતે કોરોનાથી બચી શકે. હવે જે કેસો ઘટયા છે તેમાં રસીનું મોટુ પ્રદાન છે.
માની લો કે ૧૦ લાખ નાગરિકોએ રસી મુકાવી હોય તો તેઓની જે ચેપ ફેલાવવાની શ્રુંખલા તૂટે તેનાથી બે કરોડ નાગરિકો બચી શકે.
અમેરિકામાં બંને વેકિસન લીધી હોય તેવા તો ૩૩ કરોડની વસ્તીમાંથી ૧૧ કરોડ જ છે આમ છતાં દેશ કોરોનામુક્ત જાહેર કરી શકાયો છે. આપણે ૬૦ કરોડ રસી પર પહોંચીશું તે વખતે કંઇક હળવાશની સ્થિતિ અનુભવીશું.
હવે જેઓને કોરોના નથી થયો અને રસી નથી મૂકાવી તેઓએ ધ્યાન રાખવાનું છે. ભારતમાં આમ જોઈએ તો ૧૩૫ કરોડની વસ્તીમાંથી ૨.૭૨ કરોડને જ કોરોના થઈ ચૂકયો છે. તેમાંથી અડધા તો ગયા વર્ષની પ્રથમ લહેરમાં હતા. જેઓના એન્ટીબોડી છ મહિનાથી વધુ સમય વીતી જતા ઓસરી ગયા હશે.
કોરોનાની વેકિસનના ૧૨ કરોડ ડોઝ થયા છે તે જોતા ભારતમાં હજુ ૧૨૦ કરોડ કોરોનાની પકડમાં આવી શકે તેમ છે. મહત્તમ રસીકરણ અને આપણી માસ્ક પહેરવાની, સ્વચ્છતા અંગેની તેમજ દેશી અને એલોપેથી માર્ગદર્શિકાઓ સાથેની જીવનશૈલીથી પ્રતિકારક શક્તિ વધારવી તે જ ઉકેલ છે.
પ્રોફેસર વિદ્યાસાગર કેન્દ્ર સરકારને રીપોર્ટમાં જણાવવાના છે કે ડિસેમ્બર સુધીમાં નાગરિકોને ૬૦ કરોડ ડોઝ અપાયા હશે તો ત્રીજી લહેર ખોફ નહીં ફેલાવી શકે.
પ્રથમ લહેરમાં ૧.૧૦ કરોડ કેસ ૧૦ મહિનામાં નોંધાયા પણ બીજી લહેરમાં વાયરસનો સ્ટ્રેઇન બદલાતા આ વર્ષે ૧ માર્ચ થી ૮ મે દરમ્યાન જ ૧.૨ કરોડ કોરોનાના કેસ ફરી વળ્યા. આ અણકલ્પ્યા હૂમલાને લીધે દેશની મેડિકલ સિસ્ટમ એક તબક્કે અતિ ભારે દબાણ હેઠળ આવી ગઇ હતી.
ત્રીજી લહેર આવશે તો પણ આવુ પેનિક નહીં જ સર્જી શકે તેમ કહી શકાય.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે છ વર્ષ ચેપી રોગ વિભાગમાં મહત્વનો હોદ્દો ધરાવી ચૂકેલા અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એંજલસના પ્રોફેસર ગિરિધર બાબુ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા જોડે હાલ કાર્યરત છે. 'મહામારી' તે તેમનો વિષય રહ્યો છે. તેમણે એવો અંદાજ આપ્યો છે કે જૂન મહિનામાં જુદા જુદા રાજ્યો લૉકડાઉનમાંથી રાહત આપશે ત્યારે નાગરિકો કેટલી જવાબદારીથી વર્તે છે તેના પર ત્રીજી લહેરનો આધાર છે.
હજુ રસીકરણ પણ વેગ નથી પકડયું તે જોતા જો જુનમાં ઢીલાશ બતાવીશું તો જુલાઈ-ઓગસ્ટ ભારે પડી શકે છે. તે પછી નવેમ્બર-ડિસેમ્બર એકદમ ગાફેલ રહેવાનો સમય ગાળો આવશે. પ્રોફેસર ગિરિધરના મતે હવે નાના ગામો અને ગામડાઓએ ખૂબ જ સાવધ રહેવું પડશે. તેમણે એવી અપીલ કરી છે કે જેઓ મેળાવડા, ભીડ, સમારંભો, સ્ટાફથી ભરચક ઓફિસથી દૂર રહી શકે તેઓએ હજુ છ મહિના. કમ સે કમ હાલ જેમ જ ધ્યાન રાખવું પડશે.
દિલ્હીની મેદાન્તા હોસ્પિટલના ચેરમેન ડૉ. અંબરીષ મિથાલે પણ 'મહામારી' પર સંશોધન કર્યું છે. તેમણે ત્રીજી લહેરનો પ્રભાવ નહીંવત્ કરી દેવા પાંચ જેટલી નમ્ર વિનંતી કરી છે. (૧) કોરોનાના લક્ષણો જણાય તે સાથે જ ટેસ્ટિંગ કરાવો. હવે કોરોનાના કેસો ઘટયા છે એટલે એવું ન માની લેતા કે તમને હવે કોરોના ન થઈ શકે. (૨) માસ્ક અભિન્ન અંગ કે પહેરવેશ તરીકે સ્વીકારી લો. મેળાવડામાં કે બંધ બારણે હોલમાં સરકાર છૂટ આપે તો પણ જતા નહીં. (૩) રસી મુકાવજો જ (૪) સરકારે બીજી અને ત્રીજી સંભવિત લહેર વચ્ચેનો જે સમય મળે તેમાં હોસ્પિટલ, બેડ, ઓકિસજન, દવાની સજ્જતા કેળવવાની છે અને (૫) ડૉક્ટર્સ, પેરા મેડિકલ્સ અને અન્ય સ્ટાફની સંખ્યા ગામેગામ વધારવાની છે. હોસ્પિટલ મેનેજમેન્ટ તબીબી કુનેહ જેટલી જ મહત્વની શાખા છે તે માનવું પડશે.
વિજ્ઞાાનીઓએ એ રીતે પણ સજ્જતા સાથે સંશોધન જારી રાખવા પડશે કે ત્રીજા વેવમાં માની લો કે વરિયેન્ટ બદલાય તો તે ક્યા પ્રકારનું હોઈ શકે તેનો સામનો કઈ રીતે થઈ શકે.
રાજ્ય સરકારે પણ માત્ર કેન્દ્ર સરકાર કે કેન્દ્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ, પ્રોફેસરો અને તબીબી નિષ્ણાતોના રીપોર્ટ કે સારવાર પદ્ધતિ પર આધાર રાખવા ઉપરાંત તેમનું તંત્ર પણ ગોઠવવું રહ્યું. ઉદાહરણ તરીકે ગુજરાતમાં હવે કેસો ખૂબ જ રાહતની લાગણી આપવા સાથે ઘટી રહ્યા છે તો તેની પાછળના કારણો ક્યા તેનો અભ્યાસ થવો જોઈએ. શું બપોરના બજાર બંધ રાખવાથી ? રાત્રિ કરફ્યુને લીધે ? વેકિસનેશનને કારણે ? નાગરિકો ભય હેઠળ માસ્ક પહેરતા થયા એટલે ? મેળવડા પર નિયંત્રણો છે એટલે ? જો માત્ર આ જ કારણો હોય તો તે ઉઠાવી લેવાથી ફરી કેસ વધવા નહીં માંડે ને ?
તેવી જ રીતે ભારતમાં ઓવરઓલ કેસ વધ્યા છે પણ અમુક રાજ્યોમાં હજુ કેસ વધવાનો કે નહીંવત્ માત્રામાં કેસ ઘટવાનો ટ્રેન્ડ છે તો તેનો અર્થ એમ કે સમગ્ર ભારત સમાન રીતે બીજી વેવમાંથી બહાર નીકળી નથી રહ્યું. હજુ તો બસ, ટ્રેન, એરલાઇન, રેસ્ટોરા, લગ્ન સમારંભ, મેળવડા, તહેવારો, મંદિરોની ભીડ વગરના આ બીજી લહેરમાં ઘટેલા આંકડા છે. ખરી મુક્તતા બધું જ નોર્મલ થયા પછી છ મહિના હેમખેમ નીકળે તેને કહી શકાય. તે રીતે જોતા હજુ મંજિલ બહુ દૂર છે.
દેશના કે આપણા રાજ્યના ૫૦ ટકા નાગરિકો તો એવા છે જ જેઓ સંયમ સાથે રહી શકે. રાજાના ઘોડા છુટયા જેવી ઉતાવળ સરકાર છૂટ આપે તો પણ ન કરતા. સરકારને તો અર્થતંત્ર પણ ધબકતું રાખવાનું દબાણ છે. આપણે આપણા હૃદયના ધબકારાને ધબકતા પણ રાખવાના છે.
ત્રીજી વેવ આવે તો પણ ભલે... આપણે અને આપણા સંતાનો અમુક મહિના વર્ક ફ્રોમ કરીશું. ઘરે બંધ થઈ જઈશું. બહાર નીકળીશું તો ચુસ્ત નિયમોનું પાલન કરીશું. આ ૨૧મી સદીની કોઈએ નહીં કલ્પેલી 'સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ'ની રેસ છે. આપણે એ રીતે વર્તીએ કે ત્રીજી વેવ આવે જ નહીં. આવે તો પ્રભાવ ન પાડી શકે. ૨૦૨૧નો સેકન્ડ હાફ સતર્કતાનો જ રાખીએ.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RUiNln
via IFTTT
Comments
Post a Comment