- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી
કાનને ઘેર્યો વનરાવન ગોપીએ..... કાનને ઘેર્યો નવરાવન ગોપીએ..... લોકગીત ગાતા ગાતા બંને કાન પર હાથ રાખીને પથુકાકા આવ્યા આવતાની સાથે જ સવાલ કર્યો કે 'આ લોકગીતમાં ગવાય છે કાનને ઘેર્યો..... તો એવડો મોટો કાન કોનો હશે?' મેં હસીને જવાબ આપ્યો કે કાકા આ આ કાંઇ માણસના કાનની વાત નથી, આ તો જેને સાવ નાના થતાય આવડે અને વખત આવ્યો મોટા થતાય આવડે એ કાનની એટલે કૃષ્ણની વાત છે સમજ પડી ?' માથું ધુણાવી હા પાડતા વળી નવું ગીત લલકાર્યું: ગોપીને કાન આ મળે..... ગોપીને કાન આ મળે.....
મેં પૂછયું કે 'રાતે સૂતી વખતે કાનમાં કાનખજુરો ગરી ગયો હતો કે શું ? સવારમાં આવતાની સાથે જ કેમ કાનની વાત માંડી ?'
પથુકાકા અસલ રંગમાં આવતા બોલ્યા હમણાં આ વાવાઝોડું આવીને ગયુંને ત્યાર પછી કોણ જાણે શું તકલીફ થઇ છે કે મારા કાનમાં સતત જાણે હવાની સીટી વાગતી હોય એવો જ અવાજ આવ્યા કરે છે. તારી કાકીને બે - ચાર વાર ફરિયાદ કરી ત્યારે એણે મારો કાન આમળતા કહ્યું કે ઘરડે ઘડપણ સીસોટી વગાડવાની આદત જતી નથી પછી કાનમાં સીટી વાગવાનો જ અવાજ આવેને ? તમને અમથા બધા સિનિયર 'સિટીઝન' થોડા જ કહે છે? આવું છે બોલ:
પથુકુલ સીટી સદા ચલી આઇ પ્રાણ જાય પર વર્તન ન જાય.....
મેં હમદર્દી દેખાડતા કહ્યું કે 'વાવાઝોડામાં દરિયાના મોજા જોવા બહાર નીકળ્યા હશો એમાં કાનમાં હવા ભરાઇ ગઇ હશે એટલે સૂ..... સૂ..... સૂ..... એવો સીટીનો અવાજ આવ્યા કરતો હશે.' પથુકાકા નિસાસો નાખી બોલ્યા કે 'આ વાવાઝોડું તો થપાટ મારીને પસાર થઇ જાય, પણ 'વિવાહ-જોડું' આખી જીંદગી કનડે, બરાબરને ? હું અને તારી કાકી પહેલીવાર પરણીને આવ્યા ત્યારે અમારી બેઉની જુવાની હતી. અમને જોઇને આજુબાજુવાળા અંદરોઅંદર કહેતા કે વાહ વાહ શું જોડું છે ? ત્યારે કયાં કલ્પના હતી કે વાહ વાહ જોડું નહીં પણ તારી કાકી ગમે ત્યારે ત્રાટકતુ વાવાઝોડું છે ?'
મેં ફરી કાકાની વાત 'કાન - પુર' પાસે લાવતા પૂછયું કે 'ઇએનટી (ઇયર- નોઝ-થ્રોટ)ના કોઇ સ્પેશ્યાલીસ્ટને દેખાડયું કે નહીં ?' કાકા કહે 'ઇએનટી ડૉકટરોની ફી બહુ આકરી હોય છે. પણ આપણાં મહારાષ્ટ્રીઅન પાડોશી એ એક ઓળખીતા ડૉકટરનું નામ આપ્યું છે. એ કોઇ અજબ ચમત્કારિક રીતે નાક અને કાન ઘસીને ઇલાજ કરે છે. તું ભેગો આવ તો જઇ આવીએ. ઘણાં દેવ જેવાં ડૉકટરો કપરા કોરોના કાળમાં જાત ઘસીને ઇલાજ કરે છે, તો ભલે આ ડૉકટર કાન ઘસીને ઇલાજ કરે ?'
હું તો કાન ઘસીને ઇલાજની વાત સાંભળીને આશ્વર્યચકિત થઇ ગયો. મેં કહ્યું 'હમણાં જ ચાલો શું નામ છે ડૉકટરનું ?' ચબરખી ખીસ્સામાંથી કાઢી કાકાએ સરનેમ વાંચી અને હસીને બોલ્યા 'સરનેમ છે ડૉકટર ખોલે..... ભલે ભલે ઘસીને કાન ખોલે.....'
હું અને કાકા ઉપડયા આપેલા સરનામે પહોંચીને મરાઠીમાં બોર્ડ માર્યું હતું જેની ઉપર લખ્યું હતું ખોલે ક્લિનિક (ક્લિનિક ખુલ્લુ જ હતું) અને નીચે મોટા અક્ષરે લખેલું હતું: નાક, કાન, ઘસા, આ વાંચતાની સાથે જ કાકા મને તાલી દેતા બોલ્યા 'હું નહોતો કહેતો ? નાક - કાન ઘસીને ઇલાજ કરે છે ?' મેં કાકાની મૂર્ખામી પર ખડખડાટ હસીને કહ્યું કે ઘસા એટલે ઘસવાનું નહીં પડી સમજ ? મરાઠી ભાષામાં ઘસા એટલે ગળું. આ ડૉકટર નાક, કાન ગળાનો ઇલાજ કરે છે એટલે લખ્યું છે કે નાક, કાન, ઘસા. ' ઘડી ભર વિચારમાં પડી ગયેલા કાકાએ સવાલ કર્યો કે 'અચ્છા તો આપણે ગુજરાતીમાં જેને ગળેપડુ કહીયે છીંએ તેને મરાઠીમાં ઘસેપડુ કહેવાય? બીજો સવાલ એ થાય છે કે નાક, કાન, ગળા વચ્ચે કોઇ સંબંધ હશે એટલે જ ત્રણેયની તકલીફનો એક જ ડૉકટર ઇલાજ કરતા હશેને ?
અંદર ગયા. ખોલે સાહેબે પૂછયું 'શું થાય છે?' કાકાએ જવાબ આપ્યો કે બરાબર સંભળાતું નથી. એમાંય કોઇ ભૂલેચૂકેય મારી વિરૂધ્ધ બોલેને તો (આપણાં વડાની જેમ) જરાય સાંભળી નથી શકતો. બીજું કાનમાં સીટી વાગતી હોય એવો જ અવાજ આવ્યા કરે છે.'
કાકાની તકલીફ સાંભળી ખડખડાટ હસી પડેલા ડૉકટર ખોલેએ કાકાને ઊંચી ખુરશીમાં બેસાડયા પછી કાનમાં ટોર્ચનું અજવાળુ નાખી ભાંગીતૂટી ગુજરાતી ભાષામાં બોલ્યા મેલ છે મેલ છે..... આ સાંભળતાવેંત અળવિતરા કાકા બોલ્યા 'સાહેબ કાનમાં બેટરી નાખો ત્યારે ખબર પડે છે તમને કે પેશન્ટ મેલ છે કે ફિમેલ છે ? ફરી હસીને ડૉકટર બોલ્યા વેરી જોલી પર્સન..... કાકા કાનમાં બહુ મેલ જામી ગયો છે ઇ-મેલ કાઢવો પડશે.' કાકા બોલ્યા સાહેબ ઇ-મેલ અને ફિ-મેલનો જમાનો છે, કાઢો ઇ-મેલ બીજુ શું ?'
ડૉકટરે પમ્પ જેવાં સાધનમાંથી બંને કાનમાં જોરદાર પીચકારી મારી. ચોમાસા પહેલાં સુધરાઇવાળા નાળાની સફાઇ કરી ગાળ કાઢે એવાં મેલના ગઠ્ઠા કાનમાંથી કાઢયા. કામ પત્યુ એટલે ખોલે સાહેબ પોતાની ખુરશીમાં આવી બેઠાં. પછી દવાનું પ્રિસ્ક્રિપશન આપીને બોલ્યા 'ટુ હન્ડ્રેડ રૂપિઝ.....' કાકાએ જાણે સાંભળ્યું જ ન હોય એવો દેખાવ કર્યો. ડૉકટરે ધીરેકથી ફરી કહ્યું ટુ હન્ડ્રેડ રૂપિઝ..... મારાથી રહેવાયું નહીં એટલે મેં કાકાને કહ્યું ' ખોલે સાહેબ કહે છે ૨૦૦ રૂપિયા ફી આપવાની છે..... તમે સાંભળતા નથી ?' કાકા બોલ્યા મને નથી સંભળાતું, તને સંભળાતું હોય તો તું આપી દે..... એમ કહી ઊભા થયા, કાકાનું ખરાબ ન લાગે એટલે તરત મેં મારા ખીસ્સામાંથી ૨૦૦ રૂપિયા ચૂકવી ડૉકટરનો આભાર માની રજા લીધી.
બહાર નીકળી મેં કાકાને કહ્યું કે 'તમે તો ખરા છો. ડૉકટર બે બે વાર બોલ્યા કે બસો રૂપિયા આપો છતાં કેમ સંભળાયું ન હોય એવો દેખાવ કર્યો ?' પથુકાકા લુચ્ચું હસી બોલ્યા કે 'મેલ કાઢવાના આટલા પૈસા પડાવે એ ડૉકટરનું નામ ખોલે નહીં પણ (દરદીને) ઠોલે રાખવું જોઇએ એવું નથી લાગતું ? બીજું તને ખબર છેને ? પૈસો હાથનો મેલ કહેવાય અને આ ડૉકટરે કાનનો મેલ કાઢયો એ પૈસો જ કહેવાયને ?'
કાનની વાતમાંને વાતમાં ચાલતા જતા હતા ત્યાં ફિલ્મનુું પોસ્ટર નજરે પડયું એમાં મોટા અક્ષર લખેલું રાધે. કાકાએ તરત જ જોડકણું ફટકારી દીધું બિના રાધે કાન્હા આધે..... ઔર લોકડાઉન મેં તેરે જૈસે વાંઢે બિના રાધે હાથે રાંધે..... પછી કાકાએ કહ્યું આ બધા કહે છે કે આપણાં એરિયાના ચોકમાં રાધે ફિલમનું તોતીંગ પાટિયું લગાડેલું એ વાવાઝોડાની થપાટમાં પડી ગયું સાચી વાત ?' મેં કહ્યું 'કાકા માત્ર ફિલમનું પાટિયું જ નહીં આખી ફિલમ પડી ગઇ, તમે છાપામાં વાંચતા નથી ?'
રસ્તામાં પબ્લિક યુરિનલ આવ્યું એટલે હું અને કાકા પ્રવાહીદાન માટે અંદર ગયા. કાકાએ કાને જનોઇ ચડાવી અને 'એકીકરણ'ની કાર્યવાહી પૂરી કરી. પછી બહાર નીકળતા બોલ્યા અમને નાનપણમાં લીંબડીમાં જનોઇ અપાઇ હતી. ત્યારથી અમને શીખવેલું કે પીપી કરવા જાવ ત્યારે કાન પર જનોઇ ચડાવવાની. ત્યારે ઝાઝી સમજણ નહીં. એટલે અમને એમ લાગતું કે જેમ ડંકીનો હાથો નીચે લાવીએ ત્યારે પાણી નીકળે. એમ જનોઇ કાન પર ચડાવવાથી કાન ખેંચાય અને શંકા-નિવારણ થાય. પણ આજે સમજાય છે કે પવિત્રતા જાળવવા આ વિધિ શીખવવામાં આવેલી.' મેં કહ્યું કે આમાંથી એટલો ધડો લેવાનો કે કાન ખેંચો તો થાય કામ, નહીંતર પછી ચાલે આમનું આમ.....
કાકા બોલ્યા અસલના યુગમાં કાનથી ખેંચાતી ગોપીઓ અને કળીયુગમાં કાનથી ખેંચાતી 'ટોપીઓ,' બરાબર સમજી ગયોને 'ટોપીઓ' એટલે ?'
મેં કહ્યું 'કાકા તમે નળ-દમયંતીની વાર્તા સાંભળી છેને ? હવે નળી-દમયંતીના સાચા પ્રેમની વાત સંભળાવું. અમારા એક વયોવૃધ્ધ સાહિત્યપ્રેમીના ઘરે ઘણાં વખતે જવાનું થયું. સાહિત્યપ્રેમી અને તેમના અર્ધાંગિની હિંચકા પર બેઠા હતા. સાહિત્યપ્રેમી સાથે થોડી અલકમલકની વાતો કરી. એ દરમિયાન એમના પત્ની રામાયણ વાંચતા હતા એ માથું ઊંચુ કરે જ નહીં. મને જરા ખરાબ લાગ્યું એટલે સાહિત્યરસિક સજ્જનને પૂછયું 'કાકી કેમ કંઇ બોલતા નથી? વાંચવામાં આટલા બધા તલ્લીન થઇ ગયા છે?' મારો પ્રશ્ન સાંભળી એમણે એક છેડે ગળણી બાંધેલી નળી ઉપાડી. ગળણીવાળા ભાગને મોઢા પાસે રાખ્યો અને નળીનો બીજો છેડો કાકીના કાને અડાડી મારો જ પ્રશ્ન દોહરાવ્યો કે આ ભાઇ પૂછે છે કે કાકી કેમ કંઇ બોલતા નથી ?' આ સાંભળતાની સાથે જ કાકી માથું ઊંચુ કરીને સોરી..... સોરી..... સોરી કહેતા બોલ્યા કાને સરખું સંભળાય તો તમારી વાતમાં ડબકું મૂકુંને ? કાનની દુકાન લોકડાઉન પહેલાંથી બંધ થઇ ગઇ છે. મોંઘા શ્રવણયંત્ર ખરીદવા કરતાં તમારા આત્મનિર્ભર કાકાએ નળીવાળુ ગળણી બાંધેલું શ્રવણયંત્ર બનાવી દીધું છે એટલે કામ ચાલે છે.' મેં કહ્યું 'અત્યારે તો કેટલીય સેવાભાવી સંસ્થાઓ સાવ ફ્રીમાં એકદમ પાવરફૂલ હિયરિંગ-એઇડ મશીનો આપે છે. એ લઇ આવોને ?' ત્યારે સાહિત્યરસિક વૃધ્ધજન બોલ્યા કે 'આ નળીથી જે નિકટતા જળવાય છે એ હિયરિંગ એઇડ મશીનમાં કયાંથી જળવાય? હું ગળણીમાં મોઢું નાખીને બોલું' એ તમારા કાકી કાન દઇને સાંભળે. તમે જ કહો કે ધણીનું કહેલું કાન દઇને સાંભળે એવી ધણિયાણી મારા જેવાં નસીબદારને જ મળેને ? એટલે જ હું જોડકણું કહું છું કે:
સુખી થવા રહેવું હળીમળીને કહેવા સાંભળવા કામે લગાડો નળીને
આ સાંભળી મેં સવાલ કર્યો કે 'તમે હાથે બનાવેલા આ નળીવાળા યંત્રને શું નામ આપ્યું છે ?' ત્યારે સજ્જને જવાબ આપ્યો કે આપણે સ્કૂલમાં હતા ત્યારે વિજ્ઞાાનમાં વાસુદેવ પ્યાલો અને બકનળીનો પ્રયોગ દેખાડવામાં આવતો હતો બરાબરને ? ઇ બક - નળી અને આ મારી બક - બક - નળી.'
આ કિસ્સો સાંભળી કાકા તરત જ બોલી ઊઠયા કે 'મોબાઇલ આવ્યા પછી તો આજે અબાલવૃધ્ધ સહુ કાનમાં નળીને બદલે ભૂંગળી ખોંસીને જ ફરતા હોય છેને ? કાનના ડૉકટરો કહે છેને કે સતત કાનમાં ભૂંગળી ખોંસી એકદમ ઊંચા અવાજમાં સંગીત સાંભળતા જુવાનિયાઓ કાનને કેટલું નુકસાન પહોંચાડે છે ? જતે દિવસે કેટલાયના કાનમાં બહેરાશ આવી જાય છે ખબર છે ? પછી ઇયર ફોન વાપરવાળાને કયારેક હિયરરિંગ એઇડ વાપરવાનો વારો આવે .'
મેં કહ્યું 'લોકડાઉનમાં નવરા બેઠાં ટાઇમ પાસ કરવા કાનમાં ઇયરફોનની ભૂંગળી લગાડી સાંભળ્યા ન કરે તો બીજું કરે પણ શું ?'
કાકા બોલ્યા માંદા હોય એને લગાડવામાં આવે ઓક્સિજનની નળી, સલાઇનની નળી. જયારે સાજાનરવા ( કે સાજા નવરા) હોય એ કાનમાં લાગડીને બેઠા હોય નળી. હે ભગવાન..... મને વિચાર આવે છે કે આ કળીયુગ છે કે નળીયુગ ?
અંત - વાણી
મહારાષ્ટ્રના એક મંદિરમાંથી ગણેશજીના ચાંદીના કાન ચોરાયા. એ વિશેની ચાર-લાઇન કે ચોરને સંભળાય તો ચોર-લાઇનાઃ
ભકતના આર્તનાદને
વગર કાને પણ સાંભળે વિઘ્નહર્તા
આનું કયાં ભાન છે ચોરટાને
જે ચાંદીના કાન ચોરતા
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yPfBYR
via IFTTT
Comments
Post a Comment