મુંબઇ-મહારાષ્ટ્ર પર નૈઋત્યના પવનો ફૂંકાય છે : આવતા 3-4 દિવસ ગાજવીજ સાથે વર્ષા થવાનો વરતારો



મુંબઇ :     હવામાન ખાતાએ  એવી માહિતી આપી હતી કે છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઇ અને મહારાષ્ટ્રનાં અમુક  સ્થળોએ ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે. 

    બીજીબાજુ નૈઋત્યનું ચોમાસુ ધીમી ગતિએ ભારતના કેરળના સમુદ્ર કિનારા નજીક આગમન કરી રહ્યું છે.૨-૩ જૂને વર્ષા ઋતુનું રીમઝીમ આગમન કેરળના દરિયા કાંઠે થાય તેવાં સાનુકુળ પરિબળો આકાર લઇ રહ્યાં છે.

      હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની શુભાંગી ભૂતેએ  ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે  હાલ મુંબઇ સહિત મહારાષ્ટ્ર પર  નૈઋત્યના ભેજવાળા  પવનો ફૂંકાઇ રહ્યા છે.વળી,નૈઋત્યના આ પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાતા હોવાથી મુંબઇ અને મહારાષ્ટ્રનાં અમુક સ્થળોએ વરસાદી ઝાપટાં પડી  રહ્યાં છે.

     વળી, હાલ  ઉત્તર પ્રદેશના દક્ષિણ હિસ્સાથી લઇને મહારાષ્ટ્રના વિદર્ભ સુધીના આકાશમાં ૧.૫ કિલોમીટર સુધીના પટ્ટામાં સાયક્લોનિક  સર્ક્યુલેશન પણ સર્જાયું છે.આવાં બદલાયેલાં કુદરતી  પરિબળોની વ્યાપક અસરથી  હાલ મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાંથી ભારે વરસાદી ઝાપટાં પડે છે. 

      આવાં બદલાયેલાં કુદરતી  પરિબળોની અસરથી આવતા ત્રણ-ચાર દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાનાં મોટાભાગનાં સ્થળોએ ગાજવીજ અને તીવ્ર પવન સાથે હળવાંથી ભારે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.

      આજે મુંબઇનાં પવઇ,વિક્રોલી,સાંતાક્રૂઝ વગેરે પરાં વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. સાથોસાથ,મહારાષ્ટ્રનાં માથેરાન(૭૩.૦ મિ.મિ.), નાશિક(૨૧.૬ મિ.મિ.),  સાતારા(૨૯ મિ.મિ.), બારામતી(૮.૬ મિ.મિ.), પુણે, અને થાણે-બેલાપુર વગેરે વિસ્તારોમાં પણ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હોવાના સમાચાર મળે છે. 

       આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇનું ગગન વાદળિયું રહેશે.સાથોસાથ, શહેરનાં અમુક પરાંમાં વીજળીના કડાકાભડાકા અને મેઘગર્જના સાથે વરસાદી માહોલ સર્જાય તેવી  શક્યતા છે.જ્યારે મહત્તમ તાપમાન ૩૧-૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે તેવી સંભાવના છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TlzJl1
via IFTTT

Comments