- સરકારને જાણે કે કોરોનાના દર્દીઓ અને તેમના બચાવમાં લાગેલા કોરોના વૉરિયર્સની કોઇ પરવા જ નથી
- કોરોનાના કેસો ઘટવા લાગ્યા એ સમયગાળાનો ઉપયોગ ભવિષ્યની સ્થિતિને પહોંચી વળવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં લગાવી શકાય એમ હતો પરંતુ દેશમાં અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતાં લાગે છે કે સરકારની ઘોર બેદરકારીના લીધે પ્રજા કોરોનાના ખપ્પરમાં હોમાઇ રહી છે
ભારતમાં કોરોનાનું ભયાનક મોજું ફરી વળ્યું છે. છેલ્લા અઠવાડિયાથી રોજિંદા ત્રણ લાખ ઉપર કેસ આવી રહ્યાં છે. હજુ તો કોરોના મે મહિનાના મધ્યમાં ટોચે પહોંચવાની નિષ્ણાંતોની આગાહી છે. થોડા સમય પહેલાં જ મે મહિનામાં રોજિંદા ત્રણ લાખ કેસ આવવાનું અનુમાન હતું પરંતુ લાગે છે કે મે મહિનામાં તો રોજના ચાર લાખ કેસ નોંધાશે.
દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા બે કરોડને આંબવા આવી છે. સક્રિય કેસોની સંખ્યા ચાર લાખને વટાવી ગઇ છે. છેલ્લા કેટલાંક દિવસથી કોરોનાનો મૃત્યુઆંક પણ રોજિંદા ત્રણ હજારથી વધારે આવી રહ્યો છે.
કોરોનાની કેરથી દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા ભાંગી પડી છે. હોસ્પિટલોમાં બેડ ખૂટી ગયા છે. ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે. વેન્ટિલેટર તો દોહ્યલાં બની ગયાં છે. જીવનરક્ષક દવાઓના કાળાબજાર થઇ રહ્યાં છે. કોરોનાના ગંભીર દર્દીઓને લઇને તેમના સ્વજનો એકથી બીજી હોસ્પિટલ ભટકી રહ્યાં છે.
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને પણ અંતિમ ક્રિયા માટે જગ્યા નથી મળી રહી. સ્મશાનગૃહો બહાર લાઇન લાગી છે. કબરો ખોદવાનું કામ દિવસરાત ચાલુ છે. દુનિયાનો બીજો સૌથી વધારે વસતીવાળો દેશ ભારે સંકટમાંથી પસાર થઇ રહ્યો છે.
સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં સામુહિક અંતિમ સંસ્કારના દૃશ્યો જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં અંતિમ સંસ્કારના દૃશ્યો, હોસ્પિટલોની બહાર લાગેલી લાઇનો, ઓક્સિજન માટે વલખાં મારતા સ્વજનોના દૃશ્યોની ભરમાર લાગી છે. સમયસર સારવાર ન મળવાના કારણે અનેક કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવવા પડયાં છે.
દર્દીઓ અને તેમના સ્વજનો જ નહીં, ડોકટરો અને હોસ્પિટલોને પણ સમજમાં નથી આવતું કે આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવું? દેશની અનેક હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતોની સારવારમાં લાગેલા ચિકિત્સાકર્મીઓને બચાવ માટે જરૂરી સુવિધાઓ પણ મળતી નથી. સરકારને જાણે કે કોરોનાના દર્દીઓ અને તેમના બચાવમાં લાગેલા કોરોના વૉરિયર્સની કોઇ પરવા જ નથી.
હજુ તો થોડા મહિના પહેલા આવી પરિસ્થિતિની કલ્પના કરવી પણ અશક્ય હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સતત ૯૦ હજારની ઉપર કોરોના સંક્રમણના મામલા નોંધાયા બાદ સ્થિતિ કંઇક અંશે સુધરવા લાગી હતી. આ વર્ષના ફેબુ્રઆરી સુધીમાં તો કોરોના સંક્રમિતોનો આંકડો ૯ હજારે પહોંચી ગયો હતો અને સમગ્ર સ્વાસ્થ્ય વ્યવસ્થાને રાહત મળી હતી.
જોકે નિષ્ણાંતોના મતે આ સમયગાળાનો ઉપયોગ ભવિષ્યની સ્થિતિને પહોંચી વળવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં લગાવી શકાય એમ હતો પરંતુ દેશમાં અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતાં લાગે છે કે સરકારની ઘોર બેદરકારીના લીધે પ્રજા કોરોનાના ખપ્પરમાં હોમાઇ રહી છે.
કોરોનાના વધી રહેલા કેસોના કારણે દેશમાં કટોકટી જેવો માહોલ છે. ખરેખર તો આ સંકટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની તૈયારીની કમીની પોલ ખોલી દીધી છે. ગયા વર્ષે ઓક્ટોબરથી લઇને આ વર્ષના ફેબુ્રઆરી સુધી કોરોનાની અસર ઘટવા લાગી હતી પરંતુ આ સમય દરમિયાન આગળની કોઇ તૈયારી ન કરવામાં આવી. દેશના રાજ્યોમાં એક પછી એક આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં સરકાર વ્યસ્ત રહી.
હજુ તો થોડા દિવસ પહેલા વડાપ્રધાન પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં જંગી જાહેર સભાઓને ગજવી રહ્યાં હતાં. એ સમયે દેશમાં કોરોના બેકાબુ બની ચૂક્યો હતો પરંતુ સરકારનું કહેવું હતું કે કોરોના અને ચૂંટણી પ્રચારને કશી લેવાદેવા નથી. ગયા વર્ષથી કોરોના ફેલાયો ત્યારથી દુનિયાભરના નિષ્ણાંતો બરાડા પાડી રહ્યાં છે કે કોરોનાના વાઇરસ ભીડભાડવાળા માહોલમાં વધારે ફેલાય છે.
કોરોના સંક્રમિતોના કેસો અને એના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન ઉછાળો નોંધાઇ રહ્યો છે. કોરોના સંક્રમણના મામલે ભારત અમેરિકાને પછાડીને પહેલા નંબરે આવી ગયું છે. ચોૅકાવનારી બાબત એ છે કે દુનિયાના કોરોનાના પ્રત્યેક દસમાં ચોથો દર્દી ભારતનો છે. દેશના તમામ શહેરોની હોસ્પિટલો અને સ્મશાનગૃહોની સામે આવી રહેલી તસવીરો પરિસ્થિતિની ભયાવહતાનો ચિતાર આપે છે. જાણકારોનું કહેવું છે કે મહામારી અટકવાના કોઇ અણસાર પણ નથી.
જે રીતે કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે એ જોતાં એ ચાર લાખને પાર કરી જવામાં વધારે સમય નહીં લાગે. સંક્રમણ જે તેજીથી વધી રહ્યું છે એના કારણે સરકાર સમક્ષ ગંભીર પડકાર ખડા થયા છે. દેશ જે અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે એવું કદાચ છેલ્લા અનેક દાયકાઓમાં જોવા નથી મળ્યું.
કોરોનાગ્રસ્ત લોકો બેડ અને ઓક્સિજનની શોધમાં એકથી બીજી હોસ્પિટલ ભટકી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો મદદ માંગી રહ્યાં છે. હોસ્પિટલોમાં, ખાસ કરીને આઇસીયુમાં કોઇ બેડ ખાલી થાય છે તો ગણતરીની મિનિટોમાં ભરાઇ જાય છે.
લોકો સવાલ કરી રહ્યાં છે કે પરિસ્થિતિ આટલી બદતર કેમ બની? સરકાર દાવા કરી રહી છે કે ગયા એક વર્ષમાં ઘણું શીખવા મળ્યું પરંતુ આજે જે રુંવાડા ઊભી કરતી પરિસ્થિતિ છે એ જોતાં તો લાગે છે કે છેલ્લા એક વર્ષમાં કોઇ નક્કર તૈયારી કરવામાં જ નથી આવી. નિષ્ણાંતો બરાડા પાડીને કહી રહ્યાં હતાં કે કોરોનાની બીજી લહેર વધારે તેજ અને ઘાતક નીવડી શકે છે.
એ વાત નોંધવાલાયક છે કે લોકો સંક્રમણથી જીવ ગુમાવી રહ્યાં હોવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમને સમયસર સારવાર નથી મળતી. જરૂરતમંદ લોકોને ઓક્સિજન નથી મળી રહ્યો. રેમડેસિવિર જેવી દવાઓની કાળાબજારી થઇ રહી છે. કોરોનાના કેસો ત્રણ લાખે પહોંચવાનો અંદેશો હતો તો શા માટે ઓક્સિજન અને દવાઓનો બંદોબસ્ત ન કરવામાં આવ્યો? જો આ વ્યવસ્થા પહેલેથી કરવામાં આવી હોત તો સેંકડો લોકોના જીવ બચ્યાં હોત.
ભારતમાં પરિસ્થિતિ વકરવા માટે પ્રજા પણ ઘણે અંશે જવાબદાર છે. પરંતુ લોકોને માર્ગ બતાવવાનું કામ સરકારનું છે અને ભારત સરકાર એમાં સદંતર નિષ્ફળ નીવડી છે. જો સરકાર જ ચૂંટણી સભાઓમાં હજારો લોકોને ભેગા કરશે તો લોકો તો લગ્નો અને પાર્ટીમાં લોકોને બોલાવશે જ.
દેશના જુદાં જુદાં ભાગોમાંથી જે તસવીરો સામે આવી રહી છે એ કાળજું કંપાવી દે એવી છે. કોઇ પણ લોકશાહીમાં સરકાર પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે જવાબદારી લે. પરંતુ હાહાકારવાળી પરિસ્થિતિમાં પણ ભૂલો પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસ થઇ રહ્યાં છે.
હરિયાણાના મુખ્યમંત્રી કહે છે કે હોબાળો કરવાથી મરેલા લોકો પાછા નથી આવી જવાના. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ તો ઓક્સિજનની કમી છે, દવાઓ મળતી નથી જેવી વાતો ફેલાવવા માટે દંડ કરવાની ચેતવણી આપી છે. મતલબ કે સરકારની ખામીઓ ગણાવશો તો એ ગુનો ગણાશે.
દુનિયામાં સૌથી મોટા વેકિસન ઉત્પાદક હોવા છતાં ભારત પાસે પોતાની વસતીને વેક્સિન લગાવવા માટે પૂરતો સ્ટોક નથી. વેક્સિનેશનની શરૂઆત તો જોરશોરથી કરવામાં આવી પરંતુ વેક્સિન લગાવવાની સુસ્ત ગતિના કારણે કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો. એમાંયે ભારતમાં જોવા મળેલા કોરોનાના નવા વેરિએન્ટના કારણે કોરોના વધારે ઝડપથી ફેલાઇ રહ્યો હોવાનું અનુમાન છે.
જોકે જાણકારોના મતે એક સમયે કોરોના કાબુમાં આવી ગયા પછી લોકો અને સરકારનું બેદરકાર બની જવું કોરોના વિસ્ફોટનું મુખ્ય કારણ છે. કોરોનાના વધી રહેલા કેસો છતાં સરકારે કુંભ મેળાના આયોજનની પરવાનગી આપી. હવે કુંભના કારણે લોકોના સંક્રમિત થવાના સમાચાર રોજેરોજ આવી રહ્યાં છે.
ભારતની વસતી તેની તાકાત છે તો તેની મર્યાદા પણ છે. આજે આપણે એવા જોખમ સામે ઊભા છીએ જેની સામે સાવધાનીપૂર્વક ન લડયાં તો બહુ મોટું નુકસાન ભોગવવું પડે એમ છે. એમાં કોઇ શંકાને સ્થાન નથી કે કોરોના સામેનો મુકાબલો આપણે જીતી શકીએ એમ છીએ. આપણે સમગ્ર ધ્યાન બચાવના ઉપાયો પર કેન્દ્રિત કરવું પડશે. આખા દેશે રક્ષાત્મક મુદ્રામાં આવવું પડશે.
એ તો નકારી શકાય એમ નથી કે આપણી બેદરકારી અને ઉદાસિનતા જ આપણને આ હદે લાવી છે. કોરોનાના સંકટને ન સમજવું, પૂરતા પ્રમાણમાં ટેસ્ટ ન થવા અને અનેક દર્દીઓ દ્વારા કોરોનાનો ચેપ લાગ્યો હોવા છતાં સાવચેતી ન રાખવા જેવી બાબતો ભારે પડી રહી છે. પરંતુ હવે હજારો લોકોએ જીવ ગુમાવ્યા બાદ આપણે આ સંકટની ભયાનકતા સમજવાની જરૂર છે.
કોરોનાથી બચાવવા માટે સરકાર કશું કરશે એવી આશા છોડીને જાતે જ સાવચેતીના પગલા અપનાવવાની જરૂર છે. કદાચ આત્મનિર્ભર ભારતનો અર્થ એવો જ થતો હશે કે કોરોના સામે લડવા માટે દરેકે પોતાના પર જ નિર્ભર રહેવું પડશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vAyuwq
via IFTTT
Comments
Post a Comment