નવીદિલ્હી : કોરોના કટોકટી વચ્ચે શુક્રવારે મળેલી મોદી કેબિનેટમાં મોદીએ દેશમાં અંશતઃ લોકડાઉન લાદવા ફરમાન કર્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. મોદીએ ગૃહ મંત્રાલયને ક્યાં શહેરો અને જિલ્લામાં લોકડાઉન લાદવું જરૂરી છે તેનો રીપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. ગૃહ મંત્રાલયે છેલ્લે બહાર પાડેલી ગાઈડલાઈનમાં પણ સુધારો કરવા મોદીએ ફરમાન કર્યું છે. તેના કારણે પહેલાં કરતાં વધારે શહેરો અને જિલ્લામાં લોકડાઉન લદાશે.
ગૃહ મંત્રાલય સોમવાર સુધીમાં આ રીપોર્ટ આપી દે એ પછી ગૃહ મંત્રાલયના માધ્યમથી જ આ જિલ્લા અને શહેરોમાં લોકડાઉન લાદવાનો આદેશ રાજ્યોને મોકલી અપાશે. રવિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા માટેની મતગણતરી છે. આ મતગણતરી પણ પૂરી થઈ જશે તેથી રાજકીય રીતે હવે પછી મોટો કોઈ કાર્યક્રમ બાકી રહેતો નથી.
મોદી અધિકારી રાજમાં માને છે તેથી લોકડાઉન લદાય પછી રાજ્યો સાથે સંકલનની ભૂમિકા અધિકારીઓ જ નિભાવવાના છે. અધિકારીઓ અત્યારથી માનસિક રીતે તૈયાર રહે અને હોમ વર્ક કરવા માંડે તેથી મોદીએ કેબિનેટની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓને પણ હાજર રાખ્યા હતા.
રાહુલ રાષ્ટ્રકવિની કવિતા મૂકીને છવાઈ ગયા
રાહુલ ગાંધીએ શુક્રવારે રાષ્ટ્રકવિ મૈથિલિશરણ ગુપ્તની કવિતાની નકલ કરીને લખેલી કવિતા દ્વારા મોદી સરકાર સામે પ્રહાર કરીને વાહવાહી મેળવી ગયા. રાહુલે લખ્યું કે, જો ભરા નહીં હૈ ભાવોં સે, જો દર્દ સુનને કો તૈયાર નહીં, વહ હૃદય નહીં હૈં પથ્થર હૈ, જિસ 'સિસ્ટમ' કો જન સે પ્યાર નહીં.
રાષ્ટ્રકવિ ગુપ્તની કવિતાના મૂળ શબ્દો છે, જો ભરા નહીં હૈ ભાવોં સે, બહતી જિસ મેં રસ ધાર નહીં, વહ હૃદય નહીં વો પથ્થર હૈ, જિસ મેં સ્વદેશ કા પ્યાર નહીં.
રાહુલે તમામ લોકોને વિના મૂલ્યે કોરોના વેક્સિન આપવાની માગણી કરીને 'ફ્રી' શબ્દનો ડિક્શનેરીમાં શું અર્થ થાય છે એ સાથેની ટ્વિટ પણ કરી હતી પણ રાષ્ટ્રકવિની પેરોડી વાયરલ થઈ ગઈ. મોદી કાવ્ય પંક્તિઓ ટાંકવા માટે જાણીતા છે. રાહુલે મોદીને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે એવી કોમેન્ટ્સ લોકો કરી રહ્યા છે. હાલના સમયમાં એકદમ બંધબેસતી કવિતાની પસંદગી કરવા માટે રાહુલને અભિનંદન પણ મળી રહ્યાં છે.
મોદીનાં વખાણ કરતા ઠરાવ કરનારો ભાજપ ચૂપ
સોશિયલ મીડિયા પર હમણાં મોદી સહિતના ભાજપના નેતાઓએ ફૂંકેલાં બણગાંના વીડિયો અને રીપોર્ટ્સ વાયરલ થઈ રહ્યા છે. શુક્રવારે મોદીનાં વખાણ કરતા ભાજપના બે ઠરાવ વાયરલ થયા છે ને લોકો ભાજપના નેતાઓને સવાલ કરી રહ્યા છે કે, મોદીનાં વખાણ કરવા કૂદાકૂદ કરતા હતા ને હવે લોકો તકલીફમાં છે ત્યારે કેમ ચૂપ છો ? મોદી સરકારને તેની જવાબદારીનું ભાન કરતો ઠરાવ કરવાનું તો છોડો પણ એ વિશે નિવેદન કરવાનું પણ સૂઝતું નથી ?
આ ઠરાવમાં પહેલો ઠરાવ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે પસાર કરેલો. આ વર્ષે ૧૭ માર્ચે પસાર કરાયેલા આ ઠરાવમાં કોરોના રોગચાળાને અસરકારક રીતે નાથવા બદલ મોદી સરકારમાં ભરપેટ વખાણ કરાયેલાં. મોદી સરકારે કોરોનાને હરાવીને આખી દુનિયાને ભારતની તાકાત બતાવી દીધી છે એવાં બણગાં ફૂંકવામાં આવ્યાં હતાં.
બીજા ઠરાવ ફેબુ્રઆરીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પસાર કરાયો હતો. મોદી સરકારે કોવિડ રોગચાળામાં અસરકારક પગલાં લીધાં અને વૈશ્વિક મંદીમાં દેશના અર્થતંત્રને બચાવી લીધું એ બદલ અભિનંદન અપાયાં હતાં.
સંઘના તરૂણનો આક્રોશ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?
કોરોના કટોકટીમાં મોદી સરકારની નિષ્ફળતા સામે હવે સરકાર સાથે જોડાયેલા લોકો પણ સવાલ કરવા માંડયા છે. આ યાદીમાં તાજું નામ રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને ભાજપની પિતૃ સંસ્થા આરએસએસના મુખપત્ર 'પાંચજન્ય'ના તંત્રી રહી ચૂકેલા તરૂણ વિજયનું ઉમેરાયું છે. સંઘના ટોચના નેતાઓમાં એક તરૂણે ખુલ્લેઆમ નારાજગી દર્શાવી છે.
તરૂણ વિજયના પિતરાઈ ભાઈને કોરોના થઈ ગયો હતો પણ તેમને સારવાર જ ના મળતાં તેમનું નિધન થઈ ગયું. તરૂણ વિજયે ટ્વિટ કર્યું કે, મારા ભાઈ માટે, નથી પ્લાઝમા મળતા કે ઓક્સિજન પણ નથી મળતો....કહી રહ્યા છે કે ઘરે લઈ જાઓ. આખરે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ ? જેમનાં પ્રભાવશાળી કનેક્શન નથી, જે સામાન્ય માણસ છે એ લોકો શું કરશે ?
તરૂણ વિજયનો ગુસ્સો વ્યાજબી હોવાનું ભાજપના ઘણી નેતા સ્વીકારે છે. ભાજપના વિકાસમાં સંઘની વિચારધારાને વરેલા લોકોનું યોગદાન બહુ મોટું છે પણ મોદી સરકારમાં આવા લોકોનું કોઈ સાંભળનારું જ નથી એવી સંઘમાં પણ વ્યાપક લાગણી છે.
તૃણમૂલ નેતાનો સવાલ, કોંગ્રેસને ઝીરો બેઠક કેમ ?
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મોટા ભાગના એક્ઝિટ પોલ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ જીતશે એવા આગાહી કરે છે ત્યારે આશ્ચર્યજનક રીતે તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસનો પક્ષ લઈને આ પોલ સામે સવાલ ઉઠાવ્યા છે. એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસ અને ડાબેરી મોરચાનું ભારે ધોવાણ થશે એવી આગાહી કરાઈ છે. આ પૈકી માલદા અને મુર્શિદાબાદ જિલ્લામાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળે એવી આગાહી સામે તૃણમૂલના મનોજીત મંડલે વાંધો ઉઠાવ્યો.
મંડલનું કહેવું છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ માલદા દક્ષિણ અને બહરામપુર એ બે લોકસભા બેઠકો કોંગ્રેસે જીતી હતી. બહરામપુર બેઠક પરથી અધીર રંજન ચૌધરી જીત્યા છે જ્યારે માલદા દક્ષિણ બેઠક પરથી અબુ હસીમ ખાન ચૌધરી જીત્યા હતા. બહરામપુર લોકસભા બેઠકની સાત વિધાનસભા બેઠકો મુર્શિદાબાદ જિલ્લામાં છે ત્યારે માલદા-મુર્શિદાબાદમાં કોંગ્રેસ એક પણ બેઠક નહી જીતે એવી આગાહી ગળે ઉતરે એવી નથી એવો મંડલની દલીલ છે. નેતાઓ રાજકીય સ્વાર્થ ખાતર બકવાસ કરતા હોય છે ત્યારે મંડલની તાર્કિક દલીલનાં વખાણ થઈ રહ્યાં છે.
'આપ'ના ઈકબાલનો બળવો, દિલ્હીમાં રાષ્ટ્રપતિશાસન લાદો
દિલ્હીમાં વણસી રહેલી કોરોનાની સ્થિતી વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શોએબ ઈકબાલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરીને ખળભળાટ મચાવી દીધો. ઈકબાલનું કહેવું છે કે, પોતે ધારાસભ્ય હોવા છતાં લોકોને કોઈ મદદ કરી શકતા નથી. બીજી તરફ કેજરીવાલ સરકાર કંઈ કરતી નથી તેથી રાષ્ટ્રપતિશાસન લાદીને મોદી સરકારને બધું સોંપી દેવું જોઈએ.
આમ આદમી પાર્ટીનાં નેતા શોએબ મલિકની વાતોને ડ્રામા ગણાવી રહ્યા છે. તેમના મતે, મલિકને કેજરીવાલ સરકારમાં સ્થાન ના મળ્યું તેથી એ ખફા છે ને કેજરીવાલ સરકાર સામે બળાપો કાઢવાનાં બહાનાં જ શોધ્યા કરે છે.
'આપ'નાં સૂત્રોના મતે, ઈકબાલ છ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને પોતાના મતવિસ્તારમાં પ્રભાવ છે પણ પક્ષપલટાના ઈતિહાસના કારણે કેજરીવાલ તેમના પર વિશ્વાસ કરતા નથી. ૧૯૯૮મા પહેલી વાર જનતા દળની ટિકિટ પર ચૂંટાયેલા ઈકબાલ દરેક ચૂંટણીમાં પક્ષ બદલી નાંખે છે. અત્યાર સુધીમાં એ જનતા દળ સિવાય જેડીયુ, જેડીએસ, એલજેપી અને આપ એમ પાંચ પક્ષની ટિકિટ પર ચૂંટાયા છે.
***
ચેપની ગંભીરતા : મોદી પાસે વિગતો માગતા સંશોધકો
કોરોનાના અસરકારપણે સામના માટે માર્ગદર્શિકા બની રહે એવી માહિતી કેન્દ્રે દબાવી રાખી હોવાની ચિંતા વચ્ચે ભારતીય સંશોધકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કોવિડ-૧૯ના ચેપની તરાહ અને ગંભીરતા વિષેની વિગતોની માગણી કરી છે. ૨૦૦થી વધુ વૈજ્ઞાાનિકો અને તબીબી સંશોધકોના જૂથે વડાપ્રધાનને કરેલી ઓનલાઇન અરજીમાં સાવચેતી ઉચ્ચારી છે કે સંક્રમણના ફેલાવાને સારી રીતે રોકવા માટેની ભારતની અયોગ્યતાના મૂળમાં રહી છે ભારત દ્વારા રોગચાળા વિષે પધ્ધતિસર એકઠી નહિ કરાયેલી માહિતી અથવા દેશના વૈજ્ઞાાનિકોને એ માહિતી પૂરી પાડવાનો થતો ઇન્કાર. સંશોધકોએ એમ પણ કહ્યું છે કે કેન્દ્રની આત્મનિર્ભર ભારતની નીતિએ વૈજ્ઞાાનિક સાધનો અને રીએજન્ટની આયાતને અત્યંત ત્રાસદાયક અને બહુ જ સમય લેતી કામગીરી બનાવી દીધી છે. એટલું જ નહિ, કોરોના વાયરસના 'જેનમ' ને નિરીક્ષણ માટે ક્રમબધ્ધ ગોઠવવાની એમની યોગ્યતાને પણ વિપરિત અસર પહોંચાડી છે.
બંગાળ ચૂંટણી : ભાજપની તકરાર ખુલ્લી પાડતો પત્ર
છેલ્લા કેટલાક મહિનાઓથી ઢાંકી રખાયેલું ભાજપના કેન્દ્રીય અને પશ્ચિમ બંગાળના નેતાઓ વચ્ચેનું ઘર્ષણ, પશ્ચિમ બંગાળ પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષના, એક પત્રસંબંધી ઇન્કારથી ખુલ્લુ પડી ગયું છે. ૨૫ એપ્રિલે લખાયેલો અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને ચૂંટણી-કાર્યાલયના ઇન્ચાર્જ પ્રતાપ બેનરજીએ જેના પર સહી કરી છે એવો આ પત્ર પક્ષના નેતાઓના વ્હોટ્સએપ જૂથમાં ફરી રહ્યો છે. પત્રમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે તમામ વરિષ્ઠ ભાજપ નેતાઓ તથા મોરચા અને સેલના હોદ્દેદારોને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો છેલ્લો તબક્કો ૨૯ એપ્રિલે પૂરો થાય નહિ ત્યાં સુધી પ્રિન્ટ કે ઇલેકટ્રોનિક માધ્યમો સમક્ષ કોઇ નિવેદન નહિ કરવા માટે જણાવ્યું છે. આ ગાળા સુધી પક્ષના ફક્ત સત્તાવાર પ્રવકતા જ ભાજપ વતી ટિપ્પણી કરશે. ઘોષે આ પત્રને બનાવટી ગણાવ્યો છે. પોતે આવો કોઇ પત્ર લખાવ્યો નહિ હોવાનું એમણે જણાવ્યું છે.
''કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર નહિ''
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના વાઇસ ચાન્સેલરે કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર અને આઇસોલેશન સુવિધા ઊભી કરવા માટેની અધ્યાપકોની માગણીને નકારી કાઢી છે. આનાથી તેઓ સંવેદનાવિહીન હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. લગભગ ૬૦૦ અધ્યાપકો એમના પરિવારો સાથે કેમ્પસમાં રહે છે. તદુપરાંત, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ના હોય એવા સ્ટાફ-સભ્યો પણ ખરા. અહીં રહેતા ૧૦૦ જણને અત્યાર સુધી કોરોનાના બીજા મોજામાં સંક્રમણ લાગ્યું છે. દેશમાં કોરોનાની સૌથી ખરાબ અસર નવી દિલ્હીને થઇ છે. અહીં હોસ્પિટલ બેડ તથા ઓક્સિજનની તીવ્ર અછત છે. જેએનયુ ટીચર્સ એસોસિએશને સૂચવ્યું હતું કે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસ અને કેમ્પસમાંની કેટલીક હોસ્ટેલ ઇમારતોને કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરમાં તબદીલ કરવામાં આવે. જો કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રા. એમ. જગદીશકુમાર આ સૂચન સાથે સંમત નથી. એમણે અધ્યાપકો રોગ વિષે ગભરાટ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
ગ્રામીણ ભારતમાં મહિલાઓની આરોગ્ય સેવાને અસર
એક વર્ષ અગાઉ કોરોના ફાટી નીકળ્યો ત્યારથી, ગઇ તા.૨૧ એપ્રિલે ભારતમાં નોંધાયેલા ૩,૧૨,૦૦૦ કેસ કોઇપણ દેશમાં એક દિવસમાં નોંધાયેલા કેસ કરતાં વધુ છે. દેશમાં એકંદરે દોઢ કરોડ કેસ નોંધાઇ ચૂક્યા છે કે જે અમેરિકાની કેસની સંખ્યા પછી દ્વિતીય ક્રમે છે.
આટલી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓની સારવારના ભારથી દેશનું નાજુક આરોગ્ય-માળખું તૂટી પડવાના આરે છે. એક પછી એક રાજ્યોમાંથી આવતા રિપોર્ટ પરથી જણાય છે કે દર્દીઓ અને એમના સ્વજનો હોસ્પિટલ બેડ માટે ખેંચાખેંચ કરી રહ્યા છે. સરકારો ગંભીર દર્દીઓને ઓક્સિજન અને મહત્ત્વપૂર્ણ જીવનરક્ષક દવાઓ પૂરી પાડવા માટે મથી રહી છે.
એઇમ્સ, દિલ્હીએ એની નિયત ઓપીડી સેવા બંધ કરી દીધી છે. રાજ્યોની બિન કોવિડ હોસ્પિટલો કોવિડ સારવાર કેન્દ્રો બની રહી હોવાથી હોસ્પિટલના ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્યકર્મીઓને ફક્ત કોરોનાના દર્દીઓની સારવારમાં જોડી દેવાયા છે. અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાનિક મર્યાદાઓના પગલે આરોગ્યલક્ષી અન્ય સેવાને વિપરિત અસર પહોંચે એવી શક્યતા છે. કુટુંબ કલ્યાણ અને પ્રસુતિસંબંધી સેવા ઓછી કરી દેવી પડી છે. આશા અને આંગણવાડી કાર્યકરોને કોવિડ કેર સેન્ટરની કામગીરી સાથે સાંકળી દેવાયા છે. ગ્રામીણ ભારતમાં અન્ય આરોગ્યલક્ષી સેવાને વધુ વિપરિત અસર થઇ છે.
- ઇન્દર સાહની
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vvjhfW
via IFTTT
Comments
Post a Comment