જાગો સોનેવાલો સૂનો ખતરે કી ઘંટી.....


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

વર્ષો પહેલાનું ફિલ્મી ગીત યાદ આવે છે : જાગો સોનેવાલો સુનો મેરી કહાની..... આ ગીતના મુખડાને જરા ફેરવીને ગાઇ  શકાય એવી શોધ થઇ છે : જાગો સોનેવાલો સુનો ખતરે કી ઘંટી..... પલંગમાં કોઇ ઘસઘસાટ સૂઇ જાય કે પછી ગમે ત્યાં ખુરશીમાં બેઠાં બેઠાં ઝોકાં ખાય તો વાંધો નહીં. પરંતુ વાહનચાલક  ડ્રાઇવિંગ કરતી વખતે ઝોકાં ખાય તો અકસ્માતનું જોખમ રહે છે. એમાં પણ જો લશ્કરના વાહનો  હાંકતા ચાલકો ઝોકાં ખાય તો તો કેટલું મોટુું જોખમ ઊભું થાય?  લશ્કરના વાહનો ચલાવતા ચાલકો ઝપકી ન લઇ શકે એ માટે સિકંદરાબાદની મિલિટરી કોલેજ ઓફ  ઇલેકટ્રોનિકિસ એન્ડ મેકેનિકલ  એન્જિનિયરિંગના કર્નલ કુલદીપ  યાદેવ આર્ટીફીસીઅલ ઇન્ટેલિજન્સ આધારિત એક ડિવાઇસ વિકસાવી છે. આ સિસ્ટમ  ડ્રાઇવરની કેબિનમાં, ડેશબોર્ડ  પર અથવા ચાલકની નજીકની જગ્યામાં ફિટ કરી શકાય છે. આમાં એવું છે કે  ડ્રાઇવરને ઝોકું આવી જાય અને ત્રણ સેકન્ડથી વધુ વાર આંખ બંધ રહે તો જોરથી બઝર વાગવા માંડે છે એટલે ડ્રાઇવર સજાગ થઇ જાય છે. કોઇ પણ કાર, ટ્રક કે બીજા વાહનોમાં આસાનીથી આ એલર્ટ સિસ્ટમ ગોઠવી શકાય છે. આવી એક સિસ્ટમ તાજેતરમાં જ મિલિટરી કોલેજ તરફથી તેલંગણા સરકારને સુપરત કરવામાં આવી છે. આ સિસ્ટમ જે લગાડા એની ઊંધ  વિશે કહી શકાય કે :

બ્રેઇલથી શોધો બરણી

કિચનના કબાટમાં કે પછી છાજલી ઉપર ચા, ખાંડ, કઠોળ અને  એવી અનેક બરણીઓ ગોઠવેલી હોય છે. આમ છતાં ઘણી વાર રસોડાની રાણી ધૂંધવાઇને બૂમ પાડતી હોય છે કે આ ચાની બરણી કોણે આડીઅવળી કરી ? ખાંડની બરણી કયાં મૂકી દીધી? જરા કલ્પના કરો કે જોઇ શકતી વ્યકિતને પણ ઘણી વખત જોઇતી ચીજો મેળવવા ફાંફા મારવા પડે છે, તો જોઇ ન શકતી પ્રજ્ઞાાચક્ષુ વ્યકિત રસોડામાં જાય તો તેને કેટલી મુશ્કેલી પડે ? આ મુશ્કેલી આસાન કરવા માટે  બ્રેઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા 'સ્પર્શજ્ઞાાન' સંસ્થામાં સ્વાગત થોરાત અને સાવી ફાઉન્ડેશનના અધ્યક્ષા રશ્મી પાંઢરેએ બ્રેઇલ લીપીમાં ખાસ સ્ટીકર્સ બનાવ્યા છે. આ સ્ટીકર્સ પ્રજ્ઞાાચક્ષુ માટે બ્રેઇલ લીપીમાં તૈયાર કરવામાં આવ્યા છે. જયારે જોઇ શકતી વ્યકિત માટે અત્યારે મરાઠીમાં અને હવે પછી દેવનાગરી અને ઇંગ્લિશમાં સ્ટીકર્સ  તૈયાર કરવામાં આવશે. ગયા મહિને જ જોઇન શકતા બાળકના હસ્તે આ સ્ટીકર્સ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. એટલે હવે જોઇ ન શકતી ગૃહિણી કે પ્રજ્ઞાાચક્ષુ વ્યકિત દરેક બરણી કે ડબા સ્પર્શ કરીને જાણી શકશે કે અંદંર ચા, ખાંડ, મસાલા કે કઠોળ શું ભર્યું છે, રસોઇમાં ઉપયોગમાં આવતી તમામ સામગ્રીની યાદી તૈયાર કરીને ૧૪૮ ચીજોના નામના સ્ટીકર્સનો સેટ તૈયાર કરવામાં આવ્યો છો. કહે છે જેની પાસે દ્રષ્ટિ હોય એ જોઇ ન શકતી વ્યકિતની મુશ્કેલી આસાન કરી શકે છે.

આ સિસ્ટમ જે લગાડે

એની ઊંઘ ચપટીમાં ભગાડે

ચાલક પર ચાંપતી નજર રાખી જગાડે.

મહાત્મા ગાંધીજી નોબેલ પુરસ્કારના મોહતાજ નહોતા

હિન્દુસ્તાનને અંગ્રેજોની ગુલામીમાંથી અહિંસક લડત અને સત્યાગ્રહથી આઝાદી આપવનારા વિશ્વ વંદનિય મહાત્મા ગાંધીજીએ સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશ દુનિયાને આપ્યો. એટલે જ કવિ પ્રદીપજીએ લખ્યું હતુને કે દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ  સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ..... ૧૯૪૨માં 'ભારત  છોડો' આંદોલન છેડી ગોરાઓને ચાલ્યા જવાની બાપુએ  હાકલ કરી હતી. આજે બ્રિટિશ પાર્લમેન્ટ પરિસરમાં ગાંધીજીની પ્રતિમાના દર્શન થાય છે. ગાંધીજીની લડતમાંથી પ્રેરણા લઇ સાઉથ આફ્રિકાને ગોરાઓના શાસન માથી નેલ્સન મંડેલોએ દેશને આઝાદ કર્યો. માર્ટિન લ્યુથર કિંગ અને બીજા અનેક દેશોના નેતાઓ માટે  ગાંધીજી પ્રેરણામૂર્તિ બની રહ્યા  ત્યારે ઘણાંને એવો વિચાર આવતો હશે કે ગાંધીજીનો નોબલ પુરસ્કાર કેમ એનાયત નહીં થયો હોય? ૧૯૦૧માં  નોબેલ પુરસ્કાર એનાયત કરવાની શરૃઆત થયા પછી વિવિધ ક્ષેત્રોની નામાંકિત હસ્તીઓને પુરસ્કાર અપાતા ગયા. એમાં ગાંધીજીને પુરસ્કાર આપવાનું વિચારાયું હતું. પણ પુરસ્કાર અપાયો નહોતો. એવું જાણવા મળે છે કે ૧૯૪૮માં નોબેલ કમિટિએ શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર ગાંધીજીને આપવાનું વિચાર્યું હતું. કમભાગ્યે જાન્યુઆરી ૧૯૪૮માં જ નથુરામ ગોડસેએ આ મહામાનવના પ્રાણ હરી લીધા. એટલે નોબલ કમિટિએ પુરસ્કાર આપવાનો વિચાર માંડી વાળ્યો. કારણ કે નોબેલ પ્રાઇઝ મરણોત્તર એનાયત કરવાની પ્રથા નથી. જોકે ગાંધીજી આવા કોઇ માન-સન્માન કે પુરસ્કારના મોહતાજ નહોતા. પરંતુ ગાંધીબાપુની હયાતીમાં શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હોત તો નોબેલ પુરસ્કારનું મૂલ્ય વધી જાત. એટલે એમ કહી શકાય :

 દુનિયાભરમાં આજેય સહુના

હૈયે ધબકે છે  બાપુનું ઇ-નામ

 એ મુઠ્ઠીઊંચેરા મહામાનવને 

કોઇ શું આપી શકવાના ઇનામ ?

પાણીથી દોડતી બાઇક

ઇંધણના દર સાંભળીને હવે તો ભલભલાની આંખોમાં પાણી  આવી જાય છે. પરંતુ પાણીથી કોઇ વાહન દોડતું કરવામાં આવે તો કેવું આશ્ચર્ય થાય? મહારાષ્ટ્રના અકોલાના ચાર મિત્રોએ નવરા બેસી નખ્ખોદ વાળવાને બદલે લોકડાઉન કાળનો સદુપયોગ કરી પાણીથી દોડતી મોટરસાઇકલ તૈયાર કરી છે, સાયન્સમાં બીજા વર્ષમાં ભણતા મંદારક કલ્લે, યશ જાયલે, શંતનુ જક્કર્ડે અને  અભિજિત ધર્મે નામના મિત્રોએ જૂની મોટરબાઇકની પેટ્રોલની ટેન્ક કાઢી નાખી. પછી તેની જગ્યાએ સાડાત્રણ લીટરની પાણીની ટાંકી ગોઠવી. પછી એવી ગોઠવણ કરી કે પાણીના ઘટક હાઇડ્રોજનનું ઓક્સિજનના મદદથી જવલનથી વરાહ ઉત્પન થાય તેનાથી આ બાઇક દોડે છે. એટલે આને સ્ટીમ- બાઇક કહી શકાય. એક જમાનામાં વરાળથી મોટા રેલવે એન્જિનો દોડતા એમ હવે વરાળથી બાઇક દોડશે. સાડાત્રણ લીટર પાણીમાં આ બાઇક ૪૦ કિલોમીટરની સ્પીડે લગભગ ૯૦ કિલોમીટરનું અંતર કાપે છે. હવે આ બાઇકમાં ઓટોમેટીક ગીઅર સિસ્ટમ ગોઠવાશે. પછી પાણીના ભાવે અને પાણીની વરાળની શકિતથી દોડાવી શકાશે.

કુંભમેળો બે પૈસાનો ચમત્કાર

હરદ્વારમાં મહાકુંભમેળામાં લાખોની ભીડ  ઉમટે છે.  કપરા કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું ઉલ્લંઘન કરી લોકો પૂણ્ય મેળવવા માટે  પવિત્ર ગંગાનદીમાં ડૂબકી લગાવે છે. લોકોના મનની જે શ્રધ્ધા છે તેને લીધે કોવિડના ભયની પણ જાણે કોઇ વિસાત નથી. 

કુંભમેળાને લીધી કેટલી મોટી સંખ્યામાં લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હશે ? પરતંત્ર ભારતમાં જયારે પ્રયાગરાજમાં કુંભમેળો યોજાયો ત્યારે પવિત્ર સ્નાન માટે ઉમટેલી આસ્થાળુઓની ભીડ જોઇને અંગ્રેજો પણ આશ્વર્યચકિત થઇ ગયા હતા.  તત્કાલીન  વાઇસરોય લોર્ડ હાર્ડિંગ્ઝે શ્રધ્ધાળુઓની ઉમટતી ભીડ જોઇએ કાશી વિશ્વવિદ્યાલયના સંસ્થાપક પંડિત મદનમોહન માલવિયને પૂછયું કે આટલી મોટી સંખ્યામાં લોકો કોના આમંત્રણાથી આવે છે? ત્યારે પંડિતજીએ જણાવ્યું હતું કે આ બે પૈસાનો ચમત્કાર છે. કારણ એ જપાનામાં બે પૈસામાં પંચાંગ મળતું હતું. 

દરેક હિન્દુ પરિવારોના ઘરમાં પંચાંગ રહેતું. આ પંચાંગમાં જોઇને લોકોને ખબર પડી જતી કે કુંભમેળો કયારે છે. બસ પછી જે સાધન મળે એમાં બેસીને પવિત્ર સ્નાન માટે પહોંચી જતા. લોકાની અમૂલ્ય શ્રધ્ધા અને બે પૈસાનો કેવો ચમત્કાર ? 

પંચ - વાણી

કોરોનાને નાથવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા (રસી) ઉત્સવ યોજયો.  ચૂંટણી વખતે રાજકારણીઓ એક બીજાની ટીકા કરીને ટીકા- ઉત્સવ જ ઊજવતા હોય છેને ?



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nxlbtA
via IFTTT

Comments