જે મહેનત કરે છે, એને કોઈ મહાત કરી શકતું નથી !


- 57 વર્ષ સુધી સાત પર્વત ખોદીને રસ્તો  બનાવનાર ભાપકર ગુરુજી

ઉનાળાની બળબળતી બપોર બાદ સાંજ પડતા મહારાષ્ટ્રના ગુંડગાંવના ગ્રામજનો ધીમે ધીમે ઠંડકનો અનુભવ કરતા હતા. અસ્તાચળે પહોંચેલો સૂર્ય પોતાની ગરમીને ઠારી દઈને ધરતીની વિદાય લેતો હતો. ગામના લોકો રાજારામ ભાપકરને ત્યાં ભેગા થયા હતા. રાજારામ ભાપકર જિલ્લા પરિષદની શાળામાં શિક્ષક હતા. ગામ આખું એમને 'ગુરુજી' તરીકે બોલાવે અને ગુરુના સાદે ગામલોકો એમને ઘેર એકઠા થયા હતા.

૧૯૫૭ના બળબળતા ઉનાળાની સાંજે રાજારામ ભાપકરે પથરાળ પ્રદેશમાંથી એક ગામથી બીજે ગામ જવામાં પડતી મુશ્કેલીઓની વાત કરી. ક્યાંક નાની નાની ટેકરીઓ આવે, કાળા તોતિંગ પથ્થરો વચ્ચે આડા પડયા હોય. ક્યાંક આગળ જવા માટે નાની પગદંડી પણ ન હોય. વળી જ્યાં જે પગદંડી હોય, તે ધૂળ, કાંકરા અને કાંટાથી ભરેલી હોય ! વચ્ચે નદી, નાળાં ને ઝરણાં આવે ! આથી નજીકના ગામે જવું હોય તો પણ ઘણો લાંબો સમય થતો, કેટલોય શ્રમ કરવો પડતો.

ગુરુજી રાજારામ ભાપકરે ગામલોકોને કહ્યું, 'રસ્તાના અભાવે આપણે પારાવાર મુશ્કેલી પડે છે. અરે ! ગુડગાંવથી નજીકના કોલગાંવ જવાનો પણ રસ્તો નથી. પાકા રસ્તાની વાત તો દૂર રહી, પણ ઝડપભેર ચાલી શકા યએવી પગદંડી પણ નથી.'

ગામના એક મોવડીએ કહ્યું, 'ચાલોને, આપણે સહુ મળીને સરકાર મા-બાપને અરજી કરીએ. જરૂર પડે  એને આગ્રહભરી વિનંતી કરીએ.'

ઉત્તરમાં કોઈ અનુભવીએ કહ્યું, 'અરજી કરવાથી શું વળે ? આપણે ક્યાં કોઈ ઓછી અરજી કરી છે ? પણ જ્યાં સરકારની કામ કરવાની મરજી જ ન હોય, ત્યાં વળી અરજી કરવાથી શું વળશે ? આપણી વિનંતી, મુશ્કેલી કે આજીજીની વાત તો બહેરા કાને અથડાશે. હવે રસ્તો બનાવવા માટે આપણે જાતે જ રસ્તો કાઢવો પડશે.'

શિક્ષક રાજારામ ભાપકરે કહ્યું, 'સાવ સાચી વાત છે. આ ગામમાં જન્મ્યો, અહીં રહી રહીને ભણ્યો. શિક્ષક થવા માટે દૂર આવેલા શિક્ષણ કેન્દ્રમાં ભણવા ગયો' અને આખરે ગામની શાળામાં શિક્ષક બન્યો. છેક બાળપણથી આ હાડમારી જોઈ છે, સહન કરી છે, એની વચ્ચે રહીને જીવવું પડયું છે. પણ હવે તો મેં નિર્ધાર કર્યો છે કે સરકારની સહાયની આશા છોડી દેવી. આપણા બાવડાના બળે કામ પાર પાડવું.'

ગામલોકો ભાપકરની વાત સાંભળી રહ્યા. એમની વાતમાં જોશ હતું. વળી આ ગામમાં જન્મેલો છોકરો અને ગામના ગુરુજી આવું કહે એટલે સહુ કોઈ વિચારમાં ડૂબી ગયા, પરંતુ ભાપકરની વાતનો પહેલો વિરોધ એના પિતાએ કર્યો અને ગુસ્સે થઇને એમણે સવાલ કર્યો, 'આ આકાશના તારા તોડવાની વાત કરવી રહેવા દે. વચ્ચે આવતા પર્વતોને તું કઇ રીતે કાપીશ ? અને એ જંગલોને તું કઇ રીતે સાફ કરીશ ? વહેતાં ઝરણાઓ વચ્ચેથી તું કઇ રીતે રસ્તો બનાવીશ.'

રાજારામ ભાપકરે કહ્યું કે, 'પિતાજી, દિલની ઇચ્છા છે તો ઇશ્વર પણ મને મદદ કરશે. સાથે મળીને મહેનત કરીશું અને અશક્યને શક્ય કરીશું.'

'તમે રાત-દિવસ મહેનત કરો, પણ સાધનો જોઇએ, માણસો જોઇએ, બીજી મદદ જોઇએ અને એ બધા માટે નાણાં જોઈએ. આ નાણાં તમને આપશે કોણ ?'

જનપદ પ્રાથમિક શાળાના શિક્ષક રાજારામ ભાપકરે પિતાને નમ્રતાથી કહ્યું, 'અમે પ્રયત્ન કરીશું. મહેનત કરવામાં સહેજે પાછા નહીં પડીએ. જે મહેનત કરે છે એને કોઈ મહાત કરી શક્તું નથી.' અને બીજે દિવસે ગુરુજી પાવડો અને કોદાળી લઇને પર્વત ખોદવા નીકળ્યા. પહેલાં તો એ એકલા હતા. જે દિવસે શાળામાં રજા હોય તે દિવસે એ પર્વત ખોદવાનું કામ કરતા. ગામલોકોને હાડમારીમાં જીવવું પસંદ નહોતું, પરંતુ હાડમારી દૂર કરવા માટે હાથપગ ચલાવવાની તૈયારી નહોતી. વળી કેટલાક તો ગાંઠ મારીને બેઠા હતા કે ગુરુજી ગમે તે કરે, પણ એમાં સહેજે સફળ થવાના નથી.

આ પર્વતોને કઇ રીતે કાપી શકશે ? વળી નદી કે ઝરણાં પર કઈ રીતે માર્ગ બનાવી શકશે ? ક્યારેક ગામના આ શિક્ષકને ગામમાં ચાલતી જાતજાતની અફવાઓની વાત કરી જતું, તો ક્યારેક કોઈ કહેતું કે આ કામમાં તો ઘણો મોટો ખર્ચ થાય. ગુરુજી ક્યાંથી આટલી મોટીરકમ લાવશે ? પણ ભાપકર ગુરુજીએ પોતાનું કામ ચાલુ રાખ્યું. જેવી રજા પડે કે રસ્તો બનાવવા નીકળી પડે. આ જોઇને ગામ લોકોનું હૈયું પીગળવા માંડયું. વિચાર કર્યો કે બળબળતા ઉનાળામાં કે કારમી ઠંડીવાળા શિયાળામાં ગુરુજી આટલી બધી મહેનત કરે છે, તે કોના માટે ? આપણા સહુની ભલાઈ કાજે. આપણે આટલાં વર્ષ આ બધું સહન કર્યું, પણ હવે આપણી ભાવિ પેઢીની તકલીફો તો ઓછી થશે ને ! આમ ધીરે ધીરે ગામલોકો ગુરુજીને સહયોગ આપવા લાગ્યા. અને પછી તો આખું ગામ આ રસ્તાના કામમાં જોડાઈ ગયું. આને માટે સાધન-સામગ્રી જોઇએ. ગુરુજીએ પોતાની પ્રોવિડન્ડ ફંડ, ગ્રેચ્યુઇટી તથા પેન્શનની રકમ આમાં વાપરી નાખી. ધીરે ધીરે સ્થિતિ એવી આવી કે એમની પાસે ઘરખર્ચના પૈસા પણ રહ્યા નહીં. આ સમયે કુટુંબીજનોએ કહ્યું કે 'તમે આ કામ બંધ કરી દો, નહીંતર ખાવા નહીં મળે.'

ગુરુજીને કામની ચિંતા હતી. ભોજનની કોઈ ફિકર નહોતી. એમના નિર્ણયમાં એ અડગ રહ્યા. એ જાણતા હતા કે સાત પર્વતો ખોદીને રસ્તો બનાવવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું છે. સરકારની મદદની આશા તો અંતે નિરાશામાં જ પરિણમે છે. 'આપના હાથ જગન્નાથ' જેવી એમની સ્થિતિ હતી. ગુડગાંવ ગામ અહમદનગરથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું હતું. ગામની આજુબાજુ ટેકરીઓ અને જંગલો છવાયેલા હતાં. વર્ષોથી આ ગામ એકલવાયી અને અવિકસિત દશા ભોગવતું હતું.

નજીક આવેલા કોલેગાંવ ગામના આરોગ્ય કેન્દ્ર પર કોઈ બિમારને લઇ જવાનું થાય, તો ઘોડાની પીઠ પર કે બળદગાડામાં આમતેમ ખૂબ ફરી ફરીને લઇ જવો પડતો. આવી ઉબડખાબડ જમીનને વીંધીને આરોગ્ય કેન્દ્ર પર પહોંચતા સાત કલાકથી વધુ સમય જતો. આટલા સમયમાં ગંભીર બીમારી ભોગવતો દર્દી મરણને શરણ થઇ જતો.

ભાપકરે સાત ડુંગરાઓ કોતરીને ચાલીસ કિલોમીટરના અંતરના રસ્તે આવતાં સાત ગામોને ૫૭ વર્ષના પ્રયાસના અંતે જોડી દીધા. એક સમયે એમના ગામથી અહમદનગર શહેરમાં પહોંચતા સાત કલાકથી વધારે સમય લાગતો હતો. હવે ફક્ત ચાલીસ મિનિટમાં પહોંચી શકાય છે ! આજે તો એમના ગામમાં અંગ્રેજી માધ્યમની શાળા અને જુનિયર કૉલેજ પણ છે. પોતે બનાવેલા રસ્તા પર સહેજ વાંકા વળીને લાકડીના ટેકાથી ચાલતા અને થોડેક શ્વાસ લેવા રોકતા નેવું વર્ષના ભાપકર ગુરુજીનો જુસ્સો હજી આજેય અણનમ છે.

એમણે રસ્તો કંડારવાનું કામ શરુ કર્યું, ત્યારે કેટલાક એમને પાગલ લેખતા હતા. પણ પોતાના કામની પાછળ પાગલ માનવી જ સફળ થતો હોય છે. જ્યારે એમણે કામ શરૂ કર્યું ત્યારે જોયું કે કોલેગાંવ પહોંચવા માટે તેમને આખું દેવલ ગામ ફરીને જવું પડતું હતું. આમ ઓગણત્રીસ કિલોમીટરનું લાંબુ ચક્કર કાપવું પડયું. એમણે કામની શરૂઆત અહીંથી કરી અને પર્વત કાપીને રસ્તો બનાવ્યો, તે અંતર ઘટીને દસ કિલોમીટરનું થઇ ગયું. એને માટે પોતાની સાથે કેટલાક મજૂરો લીધા. એ મજૂરોને પોતાના મહેનતાણામાંથી ચૂકવણું કર્યું.

ગુંડગાંવથી કોલેગાંવ સુધીનો દસ કિલોમીટરનો રસ્તો બનાવતા વીસ વર્ષ વીતી ગયા. આને માટે ૭૦૦ મીટર ઊંચી સંતોષા ટેકરીને કાપીને રસ્તો બનાવ્યો. જ્યાં પાવડો-કોદાળી કામ ન આવ્યા, ત્યાં રાજારામે પોતાના ખર્ચે ખોદકામ યંત્રોની મદદ લીધી. ક્યાંક આધુનિક ટેકનોલોજી કામ ન આવી, તો સર્જનાત્મક વિચારો કામે લગાડયા. ખાસ કરીને ઊતરતા ઢોળાવવાળી જગામાં યંત્રો નિષ્ફળ ગયા. ઇજનેરોની સલાહ પણ કામ ન લાગી. આવે સમયે બે ગધેડાઓનો ઉપયોગ કર્યો અને તેમની પીઠ પર કાંકરા-પથ્થરના છાલકા ભરીને તળેટીએ મોકલીને રસ્તો કાઢ્યો.

ભાપકર ગુરુજીએ શાળાના સમય પહેલાં અને પછી આ કામ કર્યું. પોતાનું આખુંય વેકેશન રસ્તો બનાવવા પાછળ ગાળ્યું. ચંદ્રમાના પ્રકાશમાં પણ કામ કર્યું. અને અચાનક જંગલી પ્રાણીઓ ધસી આવે તો તેની સાથે કરવી પડતી મૂઠભેડનો ભય રાખ્યા વિના તેઓ કાર્યસિદ્ધિ માટે તત્પર રહ્યા. એમની બદલી બીજા ગામમાં થઇ, તો પણ એમનું કામ અટક્યું નહીં. ક્યારેક પોતાના કામ માટે દાનની માગણી કરી નહીં. પહેલાં જે ખર્ચ થયું તે પગારમાંથી આપ્યું અને એ પછી પેન્શનમાંથી આપ્યું.

રાજારામ ભાપકરને ભણવા માટે એમની માતાએ પ્રોત્સાહિત કર્યા હતા અને અભ્યાસ કરીને તેઓ 'ગુરુજી' બન્યા. મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના વિચારોથી પ્રભાવિત થઇ લોકકલ્યાણ અર્થે જીવન વિતાવવાનું નક્કી કર્યું. એક વિકલાંગ મહિલા સાથે લગ્ન કરી પોતાની વિચારસરણીને અમલમાં મૂકી.

તેઓ માને છે કે સમર્પણ અને દ્રઢ સંકલ્પ વગર કોઈ સિદ્ધિ શક્ય નથી. એમણે નશાબંધીની ઝુંબેશ ચલાવી, તો અસામાજિક તત્ત્વોએ એમના પર હુમલો કર્યો એમને ખૂબ માર માર્યો. એમના પરિવારને ધમકીઓ આપી, પણ સહેજે હિંમત હાર્યા વિના રાજારામ ભાપકર આ સહુનો સામનો કરતા રહ્યા અને અંતે હારી-થાકીને અસામાજિક તત્ત્વોએ એમને ધમકી આપવાનું બંધ કર્યું.

એમના સત્તાવન વર્ષના સાત પર્વતો ખોદીને રસ્તો બનાવવાના કાર્યની ફળશ્રુતિ એ છે કે એક સમયે જ્યાંથી એક સાયકલ પણ પસાર થઇ શક્તી નહોતી, ત્યાં આજે પાણીના રેલાની માફક મોટાં મોટાં વાહનો આવનજાવન કરે છે. એક સાચો શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ ઉપરાંત પોતાના સમાજની ચિંતા કરતો હોય છે અને એને માટે સખત મહેનત કરીને લોકહિતને માટે મરી ફીટતો હોય છે. આજે ૯૦ વર્ષના ગુરુજીને ગામમાં પુસ્તકાલય બનાવવું છે. દારુબંધી માટે ઝુંબેશ જગાવવી છે અને પક્ષપલટા વિરુદ્ધ આંદોલન ચલાવવું છે. આજે તેઓ તળાવના કિનારે જાંબુનાં વૃક્ષો વાવવાની યોજના પર કામ કરે છે. એમનું લક્ષ્ય પાંચ લાખ જાંબુના છોડ વાવવાનું છે. જાંબુના ઠળિયા એકત્રિત કરીને નર્સરીમાં તેના છોડ ઉગાડવાનું કાર્ય કરે છે. જાંબુના વૃક્ષો વધારે વાવી શકાય તે માટે જાંબુના ઠળિયા પોસ્ટથી કે બીજા માધ્યમથી તેમને મોકલવા વિનંતી કરે છે.

ડુંગરા તોડી રસ્તા બનાવતા જે ગુરુજી થાક્યા નહીં, તેને નેવું વર્ષેય વૃદ્ધત્વ થકવી શક્તું નથી. આજે સહુ કોઈ એમનામાં સાધારણ ઇન્સાનની અસાધારણ ઇચ્છાશક્તિના દર્શન કરે છે.

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?

બીલબલ : જહાંપનાહ, કોરોનાને કારણે દેશમાં ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ છે. માત્ર સેક્યુલર (બિનસાંપ્રદાયિક) તહેવારોની ઉજવણીની છૂટ છે.

બાદશાહ : ક્યા ખૂબ !

બીરબલ : જહાંપનાહ, ચૂંટણી અને ક્રિકેટ એ આપણા ધર્મનિરપેક્ષ દેશના સેક્યુલર તહેવાર છે. આમાં પુણ્યપ્રાપ્તિને બદલે અંતે ધનપ્રાપ્તિ થતી હોવાથી ઉજવણી થાય છે.

પ્રસંગકથા

વફાદારી ભૂલીને ગદ્દારી

મફતલાલ મુંબઇમાં ફરવા નીકળ્યા અને રસ્તામાં એક પોસ્ટર જોઇને વિચારમાં પડી ગયા. એ પોસ્ટર પર મોટા અક્ષરે 'વોન્ટેડ' એવું લખ્યું હતું અને નીચે એક આતંકવાદીની તસવીર હતી એની સાથે એનું નામ અને એને માટે જાહેર થયેલા એક લાખના ઇનામની વિગત હતી. મફતલાલ એકીટસે આ પોસ્ટર જોવા લાગ્યા. દસેક મિનિટ સુધી ધારી ધારીને જોઈ રહ્યા.

બાજુમાં ઊભેલા ચાની કીટલીવાળાને એનું આશ્ચર્ય થયું. એને થયું કે શા માટે આ ભાઈ એકીટસે આ પોસ્ટર જોઇ રહ્યા છે ?

એ મફતલાલ પાસે ગયો અને એમનો ખભો હલાવીને પૂછ્યું, 'અરે ભાઇ, શું વાત છે ? આમ ક્યારનાય આ આતંકવાદીના પોસ્ટરને કેમ જોઈ રહ્યા છો ? શું તમે આ આતંકવાદીને ક્યાંય જોયો છે ?'

મફતલાલે કહ્યું, 'ના, ના. મેં આવી વ્યક્તિને ક્યાં અને ક્યારેય જોઈ નથી, પણ મારા મનમાં એક વિચાર જાગ્યો છે.'

'શું વિચાર જાગ્યો ?'

મફતલાલે કહ્યું, 'એ જ કે આ પોલીસ પણ કેવી કહેવાય ? એણે ફોટો પાડીને આતંકવાદીને કેમ જવા દીધો હશે ?'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશમાં આતંક ફેલાવવાના માટે અનેક અત્યાચારો ચાલી રહ્યા છે. પોલીસ અધિકારી હોય કે રાજનેતા હોય, એ બધા બંધારણ અને કાયદા મુજબ કામ કરવાના શપથ લે છે, પરંતુ ઘણા લોકો એ વફાદારી ભૂલીને દેશની પ્રજા સાથે ગદ્દારી કરી રહ્યા છે.

અપરાધીઓ, રાજકારણીઓ અને પોલીસ અધિકારી કે તપાસ સંસ્થાઓનો આ ત્રિકોણ દેશની રાજનીતિમાં ભયાનક સંકટ ઉભું કરે છે. પ્રજા વિચારે છે કે આ લોકશાહી દેશમાં બિચારા લોકોની તો સાવ બાદબાકી થઇ ગઇ છે અને સઘળે સત્તાશાહી કે અમલદારશાહી પ્રવર્તે છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ugfouP
via IFTTT

Comments