- બેલ્ઝેકના કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાઝી સૈનિકોથી બચવા માટે
- બીજા વિશ્વયુદ્ધમાં માનવતાની જ્યોત-ભાગ-20
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- બેલ્ઝેકના કેમ્પમાં એક જ દિવસમાં 3000 યહૂદીઓને સમૂહમાં મારી નંખાયા
- હજારો શબોના નિકાલ માટે મોટા અગન ભઠ્ઠા દિવસ-રાત સળગતા રહેતા હતા..
- 1933થી શરૂ થયેલ જાતિભેદ, દમન, અત્યાચારો અને સામૂહિક હત્યાકાંડનો સિલસિલો 1945 સુધી ચાલ્યો
ક્રેકોવની યહૂદી વસાહતમાં હેમખેમ પાછા આવી ગયેલા બેકનરને જ્યારે આવો સવાલ પડોશીઓએ પૂછ્યો ત્યારે બેકનેર આપેલો જવાબ કેવળ ચોંકાવનારો જ નહીં કિંતુ ધૃણા, અને જુગુપ્સા ઊપજાવે તેવો હતો.
પહેલા દિવસે હજારો યહૂદીઓને કેમ્પમાંથી ગેસ ચેમ્બરોમાં લઇ જવાયા તેમાં બેકનરનો નંબર નહોતો લાગ્યો. બીજે દિવસે સૈન્યના જવાનો બાકીના યહૂદીઓને લેવા આવ્યા, બરાબર એ ટાણે ગભરામણમાં બેકનરને અચાનક કુદરતી હાજતે જવા શૌચાલય તરફ દોડવુ પડયું. હજારો યહૂદીઓના ટોળામાંથી પોતાનો રસ્તો કરતો બેકનર ઉતાવળે ઉતાવળે કેમ્પના છેવાડે આવેલા શૌચાલયમાં ઘુસી ગયો.
જૂના વખતના આપણા ગામડામાં હતા તેવા ખાળકૂવાવાળા જાજરૂમાં એ ગયો, અને એકાદ ક્ષણમાં એને શું સૂઝ્યું કે તે મળમૂત્રથી ઊભરાતા ખાડામા નીચે ઊતર્યો. નાકથી સ્હેજ જ નીચે સુધી તે આખેઆખો મળમાં ગરકાવ થઇ ગયો'તો. ખાડામાં ઊતરતી વેળા ઉડેલા છાંટાથી તેનું આખું મોઢું માથું મળવાળું થઇ ગયું હતું. મોઢા પર ચોતરફ માખીઓનું ઝુંડ બણબણતુ હતું. બે દિવસ સુધી આવી દશામાં તે મળના ખાડામાં ઊભો રહ્યો, રાત પણ મળથી ઊભરાયેલા ખાડામાં જ ઊભા ઊભા વીતાવી. આ બે દિવસ દરમ્યાન સૈન્યના જવાનો બન્કરમાં મોતને ભેટેલા હજારો યહૂદીઓના શબોના નિકાલમાં પડયા હોવાથી કોઇનું તેના તરફ ધ્યાન ન ગયું, આ તકનો લાભ લાભ લઇ ત્રીજા દિવસે રાતે એ ખાડામાંથી બહાર નીકળીને પાછળના રસ્તે ભાગ્યો.
રાતના અંધારામાં બેકનર, બેલ્ઝેક કેમ્પની બહાર નીકળી ગયો.રેલ્વેના પાટે પાટે ચાલતો એ ઘણે દૂર પહોંચી ગયો. તેનો ગંદો -ગોબરો દેખાવ જોઇ કોઇ એની નજીક જઇ કાંઇ પણ પૂછવાની દરકાર કરતું નહોતું. સવાર પડતા એક ખેતરમાં કામ કરતી મહિલાએ તેને પાણી આપતા હાથ, પગ, મોઢું ધોઇ બેકનર ચોખ્ખો થયો. ગામડાની એ નારી સ્વભાવે ભોળી અને ઉદાર હતી. તેણે બેકનરને ઘરમાંથી બીજા કપડાં આપ્યા. મળમૂત્રથી તદ્દન ખરાબ થઇ ગયેલા કપડાં કાઢી નાંખી બેકનરે નવા કપડાં પહેરી લીધા. સદ્નસીબે એ સ્ત્રીએ તેના ઘરમાંથી આપેલા કપડાં બેકરના બરાબર માપના જ હોવાથી તેને હવે કોઇ તકલીફ ના રહી.
બેલ્ઝેક કેમ્પમાંથી છટકીને ક્રેકોવની યહૂદી વસાહતમાં પાછા આવી ગયેલા બેકનરની બધી વાતો સાંભળ્યા પછી ઓસ્કાર શિન્ડલરે સૈન્ય અને છૂપી પોલીસમાંના પોતાના સંપર્કોને કામે લગાડી દીધા. શિન્ડલરને જાણવા મળ્યું કે બેલ્ઝેક કેમ્પમાં એક દિવસમાં ૩૦૦૦ યહૂદીઓને ગુંગળાવીને યમસદન પહોંચાડી દે તેટલા મોટા કદની ગેસ ચેમ્બરો બંધાયેલી છે.
હજારોની સંખ્યામાં શબો સળગાવી દઇને તેનો ત્વરિત નિકાલ કરવા માટેની અગન ભઠ્ઠીઓ પણ ગેસ ચેમ્બર નજીક બનાવાઇ હતી, કારણ મોટી સંખ્યામાં શબોનો ઝડપથી નિકાલ ન થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન કેમ્પમાંના બીજા યહૂદીઓની હત્યા કરવાના પિશાચી પ્લાન પર બ્રેક મારી રાખવી પડે. બેલ્ઝેક કેમ્પમાં યહૂદીઓને મારી નાંખવા માટે અને મૃતદેહોના નિકાલ માટે જે કંપનીએ ગેસ ચેમ્બરો અને અગન ભઠ્ઠીઓ બાંધી હતી તે જ કંપનીએ લુબલિન જિલ્લામાં સોબિબોર ખાતેના કેમ્પમાં પણ યહૂદીઓના સામૂહિક નિકંદન માટેનું નિંર્દયી આયોજન ગોઠવી આપ્યું હતું. પોલેન્ડના પાટનગર વોર્સો નજીક ટ્રેબ્લિન્કા ટાઉન નજીકના કેમ્પમાં પણ સામૂહિક હત્યાકાંડ માટેની આવી જ ગોઠવણ કરાઇ હતી.
આ સ્થળથી થોડાક કિલોમીટરની દૂરી પર આવેલા ઓશવીઝ કોન્સન્ટ્રેશન કેમ્પમાં પણ એક સાથે હજારો યહૂદીઓને ગેસ ચેમ્બરોમાં પુરીને મોતના મુખમાં ધકેલી દેવાતા હતા. ગેસ ચેમ્બરોની નજીક બાંધેલા સ્મશાનગૃહોની જંગી ભઠ્ઠીઓમાં દિવસ- રાત સેંકડો મૃતદેહોને રાખ કરી દેવાતાં હતા, આથી ઓશવીઝ અને અન્ય કોન્સન્ટ્રેશન કેમ્પોનું વાતાવરણ આખો દિવસ અત્યંત ઉદાસીન અને ખિન્નતાભર્યું રહેતું હતુ.
સેંકડોની સંખ્યામાં રોજેરોજ યહૂદીઓને મારી નાંખનાર SS' ના જવાનો કેદીઓ પર અત્યાચાર ગુજારવાની નવી નવી તરકીબો પણ શોધતા રહેતા હતા. કોન્સન્ટ્રેશન કેમ્પના બંકરો અત્યાચાર કરવા માટેના કેન્દ્ર બની ગયા હતા. કેદીઓને સળંગ અઠવાડિયાઓ અને મહિનાઓ સુધી ભોંયરામાંની નાની, અંધારી કોટડીઓમાં પૂરી રાખવામાં આવતાં હતા. આ કોટડીમાંના કેદીને પુરતું ખાવાનું પણ અપાતું નહોતુ.
ડકાઉના કોન્સન્ટ્રેશન કેમ્પના કારેલ કસાક નામના એક યહૂદી કેદીની ડાયરીનું ટૂંકું લખાણ વાંચનારના મનમાં ભય, ધૃણા અને શાસક પ્રત્યેના તિરસ્કારની લાગણી છલકાવી દે તેવું છે...
કારેલ કસાકે લખ્યું છેઃ ''બંકરની તદ્દન નાની અંધારી કોટડીમાં, હું નહોતો બેસી શકતો કે નહોતો આડો પડી સૂઈ શકતો. એ કોટડીમાં તો ઊભા રહેવાનું જ શક્ય હતું. છ દિવસ અને છ રાત એ કોટડીમાં કેવળ ઊભા ઊભા જ વીતાવી છે. તમારી કોણીઓ કોટડીની બંને તરફની દિવાલોને સ્પર્શતી, પાછળની દીવાલ ખભાને અડતી અને તમારા ઘૂંટણ આગળની દીવાલ સાથે દબાતાં. કોટડીમાં પ્રવેશવા એક નાનકડું બારણું હતુ. અને બારણાના આગળના ભાગમાં ચાર જાડા સળીયા હતા, જ્યાં મજબૂત મોટું તાળું મરાતું હતુ. આ કોઈ સજા નહોતી. આ તો નરી ક્રૂર રિબામણી જ હતી.''
વર્ષ ૧૯૩૩થી શરૂ થયેલ જાતિભેદ, દમન, અત્યાચારો અને સામૂહિક હત્યાકાંડનો સિલસિલો ૧૯૪૫ સુધી ચાલ્યો, જે દરમિયાનના વર્ષોમાં ૬૦,૦૦,૦૦૦ યહૂદીઓ અને લઘુમતી જાતિઓ, રાજકીય કેદીઓની હત્યા કરાઈ હતી. કોન્સન્ટ્રેશન કેમ્પોની સ્થાપના કરવામા અને ક્રૂરતા આચરવામાં હિટલરનો ફાળો બહુ મોટો હતો. યહૂદીઓ પ્રત્યે ભયંકર હદે ધાર્મિક અને સામાજિક ભેદભાવો રાખવામાં આવતા હતા.યહૂદીઓ સાથે ભેદભાવ, અન્યાય અને વધારામાં તેમના પર ગુજારાતા ભારે અત્યાચારથી ઓસ્કાર શિન્ડલરનું દિલ દ્રવી ઊઠયું હતું, અને એટલે જ યહૂદીઓને બચાવવા માટે તે પ્રવૃત્ત થયો હતો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Afl0C
via IFTTT
Comments
Post a Comment